હવે તમામ વિકલાંગતા માટે ‘દિવ્યાંગ’ શબ્દ અમલમાં છે, દરેક નાગરિકે આ વિષયક સામાન્ય માહિતી જાણવી જરૂરી : સમાજના દરેક વર્ગનાં લોકોએ આવા સમુદાયને સાથ અને સહકાર આપીને તેમના માનવ અધિકારોનું રક્ષણ કરવું જરૂરી
સંપૂર્ણ અંધ, અલ્પ દ્રષ્ટિ, બૌઘ્ધિક માંદગી, વાણી ભાષા વિકલાંગતા, મગજનો લકવો, બહુવિધ વિકલાંગતા જેવી અનેક શરીર ક્ષતિમાં સરકારની વિવિધ યોજના અને સંપૂર્ણ સાધન સહાય વિનામૂલ્યે આપવામાં આવે છે
વિકલાંગ ધારો-2016 અનુસાર વિકલાંગતા માટે હવેથી ‘દિવ્યાંગ’ શબ્દ અમલ થયો છે. આવા 0 થી 18 વર્ષના બાળકો માટે શિક્ષણ, સાધન સહાય, રિસોર્સ સેન્ટરો જેવી તમામ સુવિધાઓ સરકાર તરફથી વિનામૂલ્યે અપાય છે. તેનાં નિષ્ણાંત શિક્ષકો દ્વારા આવા બાળકોની વિશેષ કેર કરીને તેનાં વિકાસ બાબતે વિવિધ કાર્યો પ્રોજેકટ ચાલુ છે. તેમને રેલવે, બસમાં ફ્રિ મુસાફરીની જોગવાઇ છે. આવા સંતાનોને શિષ્યવૃત્તિ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ જેવા સહાય પણ ઉપલબ્ધ છે. સમગ્ર શિક્ષા અભિયાનમાં આઇ.ઇ.ડી. વિભાગ કાર્યરત છે, જેમાં આવા બાળકો માટે વિવિધ આયોજનો થાય છે. દરેક વિકલાંગતા વિશેની જાણકારી સૌએ મેળવીને તેના પ્રચાર, પ્રસાર સાથે આવા પ્રોજેકટમાં સહાયભૂત થવું જોઇએ આ માટે દરેક જીલ્લા-શહેરમાં ટ્રોલ ફ્રિ હેલ્પલાઇન પણ ચલાવે છે. જેનો નંબર 1800-233-7965 છે. દર વર્ષે ત્રીજી ડિસેમ્બરે વિશ્વ વિકલાંગતા દિવસ ઉજવાય છે, એ એ દિવસે દિવ્યાંગ માટે વિવિધ કાર્યક્રમો યોજીને તેને સમાજમાં સારું વાતાવરણ મળે અને માન સન્માન મળે તેવું આયોજન કરવામાં આવે છે.
સંપૂર્ણ અંધ
જે બાળક કે વ્યકિતને બંને આંખે દેખાતું ન હોય તેને સંપૂર્ણ અંધ કહી શકાય, આવા બાળકોને આંખની જગ્યાએ ખાડા પડી ગયા હોય છે.
અલ્પ દ્રષ્ટિ
જે બાળક કે વ્યકિતને ઓછું દેખાતું હોય તેવાં બાળક કે વ્યકિતને અલ્પ દ્રષ્ટિ કહેવાય, આ વિકલાંગતા ધરાવતા બાળક કે વ્યકિતની દ્રષ્ટિ ટૂંકી હોય છે.
સાંભળવાની વિકલાંગતા
આ વિકલાંગતા ધરાવતા બાળક કે વ્યકિતને સાંભળવાની ખામી હોય છે, આ બાળકો કે વ્યકિત સંપૂર્ણપણે સાંભળતા હોતા નથી., આ વિકલાંગતા ધરાવતા બાળક કે વ્યકિતને 40 ટકાથી વધારે બહેરાશ હોય તેને હિયરીંગ લોસ હોય છે.
વાણી અને ભાષાની વિકલાંગતા
આ વિકલાંગતા ધરાવતા બાળક કે વ્યકિતને બોલવા સબંધી તકલીફ હોય છે. જેમાં સંપૂર્ણ બોલી ન શકે, અચકાતું બોલે, જીભ જલાવવી, અસ્પષ્ટ ઉચ્ચારણ
જેવી વિવિધ તકલીફ હોય છે.
હલન ચલનની વિકલાંગતા
આ પ્રકારની વિકલાંગતા ધરાવતા બાળક કે વ્યકિતને હાથ-પગમાં ખામી હોય છે, જેનાથી તેમને હાલવા- ચાલવામાં તકલીફ રહેતી હોય કે રોજિંદા કાર્યમાં મુશ્કેલી પડતી હોય, પીઠના ભાગે ખૂંધ નીકળવી એ પણ આ પ્રકારની વિકલાંગતા જ કહેવાય
બૌઘ્ધિક માંદગી
આ એક માનસિક બીમારી છે, આ મોટી ઉમરે થતી બીમારી છે, આ બીમારી ધરાવતા વ્યકિતને ટેન્શન, ડીપ્રેશન, પાગલપન જેવી તકલીફ હોય છે. આ બીમારી પારિવારિક, સામાજિક, વ્યવસાયને લગતી સમસ્યાના કારણે થાય છે., આવી વ્યકિત ગુમસુમ અને એકલવાયું જીવન જીવે છે, તેને નકારાત્મક વિચાર આવે છે. યોગ્ય સારવાર કે દવા તથા સમજાવટ દ્વારા તેમાં સુધારો લાવી શકાય, આ બીમારીના દવા કે સારવાર ખૂબ લાંબો સમય ચાલે છે.
ચોકકસ શિખવા સંબંધિત વિકલાંગતા
લર્નિંગ ડીસેબીલીટી એટલે શું? શીખવાની તકલીફ એ મગજની એવી તકલીફ છે, જે મગજની સંદેશા પ્રાપ્ત કરવાની તેના પર પ્રક્રિયા કરવાની તેનો સંગ્રહ કરવાની અને પ્રતિક્રિયા આપવાની ક્ષમતાને અસર થાય છે. શીખવાની અક્ષમતા એ એક કરતાં વધુ દોષોનો સમુહ છે, બાળકનો વિકાસ ધીમો હોય છે. શિખવાની ક્ષમતાને અસર થાય છે., આ બાળકોમાં ભાષા વાણીનો ધીમો વિકાસ જોવા મળે છે, નવા કોૈશલ્યો સમજવામાં અને શીખવામાં મુશ્કેલી પડે છે, જાતે જવાબદારી લઇ કાર્ય કરવાની અક્ષમતા હોય છે.
મગજનો લકવો
મગજન લકવાને અંગ્રેજીમાં સેરીબ્રલ પાલ્સી અને ટૂંકમાં સી.પી. તરીકે ઓળખવામાં આવે છે. આમાં મગજને ઇજા થવાથી શરીરના હલનચલન અને શારીરિક ક્ષમતાઓ પર અસર થાય છે, સામાન્ય રીતે દર 1000માંથી બે બાળકો સી.પી. ની સ્થિતિ સાથે જન્મે છે, કે પછીથી તેનો ભોગ બંને છે.આવા બાળકોમાં સંતુલનનો અભાવ જોવા મળે છે. આ બાળકો ચાલી શકે પરંતુ, ચાલતાં ચાલતા પડી જાય છે, મગજનો લકવા થયેલ બાળકના સ્નાયુઓ અકકડ બની જાય છે. આ સ્નાયુઓને યોગ્ય રીતે કસરત કરાવવાથી અકકડપણું દૂર થાય છે. ઘણા સ્નાયુઓ ખુબ જ નબળા હોય તેને પણ જરૂરી કસરત કરવાથી સામાન્ય રીતે કાર્યરત કરી શકાય છે.
સ્વલીનતાની વિકલાંગતા
સ્વલીનતા ધરાવતા બાળકની દુનિયા જ અલગ હોય છે, તે પોતાનામાં જ મશગુલ હોય છે, તેની આજુબાજુ જે કંઇ થતું હોય તેમાં તેનું બિલકુલ ઘ્યાન હોતું નથી., તે શાંતિપ્રિય છે. વધુ પડતો અવાજ, ઘોંઘાટ તેને ગમતો નથી., કલાસરૂમમાં તે બીજા બાળકો સાથે ભળી શકતો નથી. તેમજ બીજા બાળકો જે પ્રવૃતિ કરતા હોય તેમાં તેનું ઘ્યાન પણ ન હોય એવું પણ બને છે.
બહુવિધ વિકલાંગતા
એક બાળકમાં એક કરતાં વધુ વિકલાંગતા જોવા મળે ત્યારે તેને બહુવિધ વિકલાંગતા ધરાવતું બાળક કહેવાય, આવા બાળકોને શીખવા માટે શીખવવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. કેટલીકવાર મંદબુઘ્ધિ સાથે શ્રવણની ખામી, દ્રષ્ટિની ખામી સાથે શ્રવણની ખામી, સી.પી. સાથે મંદબુઘ્ધિની ખામી, જયારે અમુક કેસમાં મંદબુઘ્ધિ સાથે શ્રવણની અને દ્રષ્ટિની ખામી પણ જોવા મળે છે. આવા બાળકને હેન્ડલ કરવું ખુબ મુશ્કેલરૂપ બને છે.
રકતપિત્ત રોગગ્રસ્ત વ્યકિત
આ એક ખૂબ જ ચેપી રોગ છે., જે માઇક્રોબેકટેરિયમ લેપ્રે નામના બેકટેરિયા દ્વારા થાય છે. આ રોગ માનવી દ્વારા જ માનવીમાં ફેલાતો ચેપી રોગ છે. પ્રારંભિક તબકકે શરીરના કોઇ ભાગ પર ડાઘ પડવો કે શરીરનો કોઇ ભાગ સુન્ન થઇ જવાથી તે ભાગમાં કોઇ પ્રકારની સંવેદના જેમ કે ઠંડુ, ગરમ કે કોઇ ઇજાની અસર થતી નથી., રકતપિત્ત રોગગ્રસ્ત વ્યકિતના હાથ અને પગની આંગળીઓ ધીરે ધીરે ખવાઇ જાય છે, આ વ્યકિત ધીમે ધીમે વિકલાંગ થતી જાય છે, આ રોગગ્રસ્ત વ્યકિતને દુ:ખાવો પણ થતો નથી, તેમજ લોહી પણ નીકળતું નથી , ધીમે ધીમે સમય જતાં શરીરના અંગો ક્ષીણ થઇ જાય છે.
ઠીંગણાપણું
ડવારફિસમ વિકલાંગતામાં બાળક કે વ્યકિતનો તેની ઉમરના પ્રમાણમાં શારીરિક વિકાસ ઓછો થયેલ હોય, ડવારફિસમ વિકલાંગતામાં બાળક કે વ્યકિતની ઉંચાઇ 4 ફુટ 10 ઇંચ અથવા 148 સે.મી. અથવા એનાથી પણ ઓછી હોય, ડવારફિસમ વિકલાંગતા ધરાવતા બાળક કે વ્યકિતનું માથું મોટું હોય છે., ડવારફિસમ વિકલાંગતા ધરાવતા બાળક કે વ્યકિતનું માથું મોટું હોય છે, દાખલા તરીકે સર્કસમાં આવા વ્યકિત જોવા મળે છે.
બૌઘ્ધિક મંદતા – મંદબુઘ્ધિ
નોંધપાત્ર રીતે સરેરાશ કરતાં ઓછી બૌઘ્ધિક કાર્યક્ષમતા ધરાવતા હોય તેમજ પરિસ્થિતિને અનુરૂપ વર્તન કરવામાં મુશ્કેલી અનુભવે અને આ ક્ષતિ વિકાસના તબકકા (0 થી 18 વર્ષ) દરમિયાન ઉદ્વવેલી હોય તેને મંદબુઘ્ધિ કહેવાય, તે ધીમો પ્રતિભાવ આપે છે, સ્પષ્ટતાનો અભાવ, સમજવાની ગતિ મંદ, નિર્ણયશકિતનો અભાવ, ગુસ્સાવાળું વલણ, યાદ રાખવાની અક્ષમતા , ધીમો વિકાસ, સંકલનનો અભાવ, ઘ્યાન કેન્દ્રિત કરવાનો અભાવ, ઝડપી શીખવામાં અક્ષમતા જેવી મુશ્કેલી હોય છે.
સ્નાયવિક કૃપોષણ
આ વિકલાંગતામાં બાળક કે વ્યકિતના સ્નાયુઓને પૂરતું પોષણ ન મળેલ હોય, આ વિકલાંગતામાં બાળક કે વ્યકિતના સ્નાયુઓ ખેચાતા હોય તેવું જોવા મળે છે, આ પરિસ્થિતિમાં બાળક કે વ્યકિતને ચાલતી વખતે પગની પાનીનો ભાગ ઊંચો રહે છે તેમજ છાતીના ભાગેથી આગળની બાજુ નમેલા રહે છે. તેમજ હાથ કોણીમાંથી વળેલા રહે છે.
ર્જીણ સ્નાયવિક સ્થિતિ
ર્જીણ સ્નાયવિક સ્થિતિ, આ વિકલાગતામાં બાળક કે વ્યકિતના મગજની એક કરતાં વધુ ચેતામાં ખામી હોય, (ચેતાતંતુમાં ખામી), ધીમે ધીમે આ તકલીફમાં વધારો થાય અને શરીર સંપૂર્ણપણે ડેમેજ થઇ જાય.
બહુવિધ સ્નાયવિક
મલ્ટીપલ કલેરોસીસ એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર એટેક કરે છે, જે બ્રેઇન, સ્પાઇનલકોર્ડે તથા ઓપ્ટિક નર્વસ સિસ્ટમને નુકશાન કરે છે, બ્રેઇન, સ્પાઇનલકોર્ડના સ્નાયુઓના કોટિંગ (માલીનેશન) ને નુકશાન કરે છે, જેના કારણે આંખની દ્રષ્ટિ હલનચલનને નુકશાન થાય છે, જે શરીરને ક્ષણિક કે કાયમી નુકશાન કરી જાય છે.
ઓછા હિમોગ્લોબીન અને ઓછા રકતકણો સંબંધિત
થેલેસેમીયાએ આનુવંશિક છે, જે માતા-પિતાના રંગસૂત્રો દ્વારા બાળકમાં આવતો રોગ છે, જે લોહી સંબંધી વિકાર છે, લોહીની કમી અથવા લોહીમાં ચેપ કે લીવરમાં ઇન્ફેકશનના કારણે બાળકનો વિકાસ બરોબર થતો નથી, જો થેલેસેમિયા મેજર (વધારે) હોય, તો તે વ્યકિતને જીવનભર લોહી ચડાવવાની જરૂર રહે છે, ગર્ભાવસ્થા દરમિયાન જેનેટિક દ્વારા થેલેસેમીયાનું નિદાન થઇ શકે છે.
હિમોફિલિયા વાગ્યા બાદ લોહી જામવું નહિ
હિમોફિલિયા એ આનુવંશિક રોગ છે, જે માતા-પિતા દ્વારા બાળકમાં આવે છે, હિમોફિલિયા ધરાવતા વ્યકિતને ઇજા થતાં લોહી વધારે પ્રમાણમાં વહે છે.આ એક ખતરનાક બીમારી છે. જેમાં લોહીના કણો જામતા નથી. પરિણામે લોહી વહેતું જ રહે છે, નાકમાંથી લોહી નીકળવું એ તેનું મુખ્ય લક્ષણ છે, આ વ્યકિતને સાંધામાં દુ:ખાવ, સોજો, મળ-મૂત્રમાં લોહી આવવું, ગળામાં તેમજ માથામાં દૂ:ખાવો જેવી તકલીફનો સામનો કરવો પડતો હોય છે, આ વ્યકિતને ઘણીવાર બધી વસ્તુ ડબલ દેખાવી, વિકનેસ લાગવી તેમજ હલન ચલનમાં મુશ્કેલી પડે છે, હિમોફિલિયાને એન્ટીહીમોફીલિક દવાથી નિયંત્રણમાં રાખી શકાય છે. પરંતુ આ દવા ખુબ જ મોંધી હોય છે.
સિકલસેલ – રકતકણોનું તૂટી જવું
સિકલસેલ એ લોહી સંબંધી આનુવંશિક રોગ છે, આ તકલીફ ધરાવતા વ્યકિતની શરીરમાં લાંબો સમય લોહી રહેતું નથી., આ તકલીફ ધરાવતા વ્યકિતના રકતપેશીનો આકાર ગોળાકાર મટીને ચન્દ્રકોર બની જાય છે, જે કયારેક રકતવાહિનીમાં રૂકાવટ લાવે છે. આ વ્યકિતને લોહીની ઊણપ કે વારંવાર લોહી ચડાવવું પડે છે, હાથ, પગ, પીઠ કે છાતીમાં પીડા, લીવર પર સોજો, શ્ર્વાસની તકલીફ, આંખની દ્રષ્ટિને નુકશાન કે પેરાલિસીસ થઇ શકે છે.
એસિડના હુમલાનો ભોગ બનનાર
ભારતમાં પ્રથમ એસિડના હુમલાનો ભોગ બનનાર સ્ત્રી લક્ષ્મી અગ્રવાલ છે, 2005માં 1પ વર્ષની ઉંમરે ભોગ બનેલ, એસિડ હુમલાનો ભોગ બનનાર વ્યકિતની ચામડી બળી જાય છે, તે આજીવન એમ જ રહે છે, વિશ્ર્વમાં એસિડ હુમલાનો ભોગ બનનાર દેશોની યાદીમાં ભારતનો પણ સમાવેશ થાય છે, ભારતમાં એસિડ હુમલા સૌથી વધારે સ્ત્રી પર થયાં છે, જે સમાજ માટે લાલ બત્તી સમાન છે.
લકવો
પારકીન્સન એ મગજનો વિકાર છે. આ રોગ મોટાભાગે 60 વર્ષની વ્યકિતમાં જોવા મળે છે, આ રોગના કારણે મગજમાં અતિ આવશ્યક એવું ડોપોમાઇન પેદા કરતું ન્યુરોન ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે, જેનાથી કેન્દ્રિય નર્વસ સિસ્ટમના કામકાજ પર અસર પડે છે, આ વ્યકિતને હાથ-પગમાં ધ્રુજારી, સ્નાયુઓમાં કઠોરતા, ધીમી રફતાર, મુશ્કેલીથી અવાજ નીકળવો સાંધાના ભાગોમાંથી વળી જવું સ્વભાવમાં કર્કશતા વગેરે જેવી તકલીફનો સામનો કરવો પડે છે, આજ સુધી આ બીમારીનો કોઇ સચોટ ઇલાજ શોધયો નથી.