છેલ્લા સવા-દોઢ વર્ષથી સમગ્ર વિશ્વને ધમરોળતી કોરોના મહામારીના જડબામાં કંઇક માતા-પિતાના વ્હાલ સોયા યુવાન પુત્રો, કંઇક બહેનના એકના એક ભાઇ કંઇક નવોઢાના પતિ. કાળનો કોળીયો બની ગયા છે. કેટલાય પરિવારનો માળો વિખાયો આનાથી વધારે કરૂણતા બીજી કઇ કહી શકાય…? છેલ્લા સો એક વર્ષના ગાળામાં જોવામાં ન આવી હોય તેવી આ મહામારીથી વિશ્વના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આવી પરિસ્થિતિમાં ગિજુભાઇ ભરાડએ કોરોના વૈશ્વિક મહામારી અંગે બહુ લખવાનો વિચાર કર્યો.
આ વિચારને અમલમાં મુકી સમાજમાં કોરોના અંગે મંથન અને માર્ગદર્શન પુરૂ પાડતી પૂછો તો કહું? કોરોના વૈશ્વિક મહામારી મંથન અને માર્ગદર્શન નામની બુક સમાજ સમક્ષ મુકી છે.
જો કે કોરોના અંગે અનેક ગીતોની રચના જુદા-જુદા કવીઓ દ્વારા થઇ તેને સંગીતમાં મઢી અનેક કલાકારોએ ગીતો રજૂ કર્યાં, કવિઓએ કોરોના વિશે અનેક કવિતાઓ લખી પરંતુ કોરોના મહામારીના આ કપરા કાળમાં આ પ્રકારનું પુસ્તક-ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ ગિજુભાઇ ભરાડે લખ્યું છે. આ બુકમાં વિજ્ઞાન સંદર્ભે કોરોના સાથે કંઇ કંઇ બાબતો જોડાયેલ છે તે બાબતને ધ્યાનમાં લીધેલ છે અને શક્ય એટલી ઓથેન્ટીક મુકવાનો ગિજુભાઇનો પ્રયાસ આવકાર દાયક છે.
જેમાં ઉત્તમ વૈજ્ઞાનિકોના મંતવ્યો તેમના જુદા-જુદા લેખો, પ્રવચનો તથા યુટ્યુબ પરના ઓથેન્ટીક સંસ્થાના વિડીયોનો સહારો લેવા ઉપરાંત કેટલાક નિષ્ણાંતો સાથે ચર્ચા-વિચારણાના સંદર્ભો પણ મુકવામાં આવ્યા છે. જેથી દરેક શાળા-કોલેજોએ વસાવવા જેવી આ બૂક ગિજુભાઇએ લોકડાઉનના ફ્રી સમયમાં તૈયાર કરી છે. આ બૂકની અનુક્રમણિકામાં લખ્યા મુજબ 140 જેટલી જુદી જાણકારી મુકવામાં આવી છે. જેઓ આ વિષયમાં રસ ધરાવતા હશે તેઓને ચોક્કસ ઉપયોગી થશે તેવું પણ ગિજુભાઇનું મક્કમ પણે માનવું છે.
જો કે હજુ પૃથ્વી પર અનેક વાયરસો ભવિષ્યમાં આવશે કેટલાક સારા તો કેટલાક ભયંકર પણ હશે એ વખતે આ બુકની કેટલીક બાબતો ઉપયોગી થશે તેવું પણ ગિજુભાઇ ભરાડ લિખીત ‘કોરોના વૈશ્વિક મહામારી મંથન અને માર્ગદર્શન’માં ઉલ્લેખ કર્યો છે અને આ બુક આ કાળઝાળ મહામારીમાં વાંચવી ગમશે.