દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર હજુ પણ યથાવત છે. આવી સ્થિતિમાં ધણા રાજ્યોમાં પણ ઓક્સિજનની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ઓક્સિજન સિલિન્ડરોની વ્યાપક અછત છે. આના સ્થાને ઓક્સિજન કન્સન્ટ્રેટરની માંગ વધી રહી છે, જેનો ઉપયોગ ખાસ કરીને હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓમાં અને ઓક્સિજનની અછતનો સામનો કરતી હોસ્પિટલોમાં કરવામાં આવી રહ્યો છે. તો ચાલો જાણીએ કે ઓક્સિજન કન્સન્ટ્રેટર શું છે અને તે કેવી રીતે કામ કરે છે.
આ કેવી રીતે કામ કરે છે ?
ઓક્સિજન કન્સન્ટ્રેટર એક મેડિકલ ડિવાઈસ છે, જે આજુબાજુની હવાથી એક સાથે ઓક્સિજન એકત્રીત કરે છે. પર્યાવરણીય હવામાં 78 ટકા નાઇટ્રોજન અને 21 ટકા ઓક્સિજન ગેસ હોય છે. બીજો ગેસ બાકીનો 1 ટકા છે. ઓક્સિજન કન્સન્ટ્રેટર આ હવાને અંદર લે છે અને તેને ફિલ્ટર કરે છે, નાઇટ્રોજનને હવામાં મુક્ત કરે છે અને બાકી બચેલો ઓક્સિજન દર્દીઓને ઉપલબ્ધ કરાવે છે.
કન્સન્ટ્રેટર એક મિનિટમાં કેટલું ઓક્સિજન આપી શકે છે?
ઓક્સિજન કન્સન્ટ્રેટર અલગ-અલગ ક્ષમતાનું હોય છે. નાના પોર્ટેબલ કન્સન્ટ્રેટર એક મિનિટમાં એક કે બે લિટર ઓક્સિજન પ્રદાન કરી શકે છે, જ્યારે મોટા કન્સન્ટ્રેટર પ્રતિ મિનિટ 5 અથવા 10 લિટર ઓક્સિજન સપ્લાય કરવાની ક્ષમતા ધરાવે છે. આમાંથી તેમને મળતો ઓક્સિજન 90થી 95 ટકા શુદ્ધ હોય છે. પરંતુ મહત્તમ રેટથી સપ્લાઈ કરવા પર સુદ્ધતામાં થોડો ઘટાડો થઈ શકે છે.
કન્સન્ટ્રેટર ઓક્સિજન સપ્લાયને નિયંત્રિત કરવા માટે પ્રેશર વાલ્વ ફીટ કરવામાં આવ્યો હોય છે. 2015 માં WHO દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટ મુજબ, કન્સન્ટ્રેટરને સતત સંચાલિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે લાંબા સમય સુધી સતત ઓક્સિજનની સપ્લાય કરી શકે છે.
ઓક્સિજન કન્સન્ટ્રેટર કોરોનાના દર્દીઓ માટે કેટલુ કારગર છે ?
નિષ્ણાતો માને છે કે કોવિડ -19ના હળવા અને મધ્યમ લક્ષણોવાળા દર્દીઓ માટે ઓક્સિજન કન્સન્ટ્રેટર ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને આવા દર્દીઓ માટે જેમના ઓક્સિજન સંતૃપ્તિનું સ્તર 85 ટકા અથવા તેથી વધુ હોય છે. પરંતુ તે ગંભીર સ્થિતિમાં કોરોના દર્દીઓ માટે કારગર નથી. જે દર્દીઓને આઈસીયુમાં દાખલ કરવાની જરૂર હોય તેમના ઓક્સિજન કન્સન્ટ્રેટર કામ કરી શકતા નથી, કારણ કે તેમને એક મિનિટમાં 24 લિટર અથવા વધુ ઓક્સિજનની જરૂર પડી શકે છે. જો કે, જ્યાં સુધી સિલિન્ડર દ્વારા દર્દીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપવાની કોઈ સારી વ્યવસ્થા ન થાય, ત્યાં સુધી કન્સન્ટ્રેટર દર્દીઓના જીવ બચાવવા માટે કામ આવી શકે છે.
જો જરૂર હોય તો ઓક્સિજન કન્સન્ટ્રેટરને ઘણી નળીઓ સાથે જોડી શકાય છે, જેથી તે એક સાથે બે અથવા વધુ દર્દીઓને ઓક્સિજન આપી શકે. પરંતુ નિષ્ણાતોના મતે, આ કોરોનાના કેસમાં થવું જોઈએ નહીં, કારણ કે તે ક્રોસ-ઇન્ફેક્શનનો ખતરો રહે છે.