શુભ અને માંગલિક કાર્યો કમુરતામાં શા માટે વર્જ્ય ગણાય છે?
શુભ અને માંગલિક કાર્યો કરવાના સમયને મુહૂર્ત કહેવાય છે. તેનાથી ઊલટું જ્યારે સારા કાર્યો ન કરી શકાય એવા સમયને કમુરતા કહેવાય છે. કમુરતા ક્યારે અને શા માટે હોય, તેમજ કેટલો સમય ચાલે? એ આજે આપણે વિસ્તારથી જાણીએ.
“કમુરતા” શબ્દ બધા બોલતા સાંભળતા આવ્યા હોવા છતાં બહુ ઓછા લોકોને કમુરતા વિશે જાણકારી હોય છે. આવતીકાલે 16 ડિસેમ્બર થી કમુરતાનો પ્રારંભ થાય છે, જે 14 જાન્યુઆરી સુધી ચાલશે. લગભગ એક મહિના જેટલો સમય કમુરતાનો હોય છે અને દર વર્ષે આ જ સમયે કમુરતા હોય છે. વાચકો, એવી કઈ ઘટના આ દિવસોમાં બને છે? કે જેથી શુભ અને માંગલિક કાર્યો આ સમયે મુલતવી રાખવા પડે છે.
વેદિક જ્યોતિષમાં જણાવ્યા પ્રમાણે આપણી પૃથ્વીની આકાશગંગામાં 9 ગ્રહ અને 12 રાશિઓ આવેલી છે. તેમાં સૂર્યને ગ્રહોના રાજા તરીકે ઓળખાવ્યા છે. આ સૃષ્ટિનું સનાતન સત્ય સૂર્ય અને ચંદ્ર જ છે, જેને આબાલવૃદ્ધ બધા ઓળખે છે.
સૂર્ય જગતનો આત્મા છે, સૂર્યથી જ સવાર થાય છે. દરેક જીવ સૂર્ય પર જ નિર્ભર છે, આખા જગતનું કલ્યાણ કરવાની જવાબદારી સૂર્ય પર જ છે. સૂર્યના પ્રકાશ વડે જ જગતને જીવન મળે છે તેથી આખા જગતનો આધાર સૂર્ય છે એમ કહીએ તો પણ કશું ખોટું નથી. પ્રાણી માત્રનો જીવન આધાર સૂર્ય હોવાથી તેને નારાયણ કહેવાય છે. આ સૃષ્ટિમાં સૂર્યનારાયણનું આટલું બધું મહત્વ હોવાથી તેને દેવ કે ભગવાન માનીને આપણે પૂજિએ છીએ. દરેક ધર્મ અને વિજ્ઞાન પણ સૂર્યને માને છે, કારણ કે આ સૂર્ય નરી આંખે દેખાતો અને અનુભવાતો ગ્રહ છે.
જ્યોતિષશાસ્ત્રમાં જે 12 રાશિઓ આવેલી છે તેમાં સૂર્યને ભ્રમણ કરતા એક વર્ષ એટલે કે 12 મહિના લાગે છે, આ હિસાબે એક રાશિમાં સૂર્ય એક મહિના સુધી વિચરણ કરે છે. 15 કે 16 ડિસેમ્બર થી 14 જાન્યુઆરી સુધી સૂર્ય ધનુ રાશીમાં રહે છે. ઉતરાયણ આવતા સૂર્યદેવ મકર રાશિમાં સંક્રાંતિ કરે છે, ત્યારે કમુરતા પૂર્ણ થાય છે. ધનુ રાશિમાં સૂર્ય જ્યાં સુધી રહે તે સમયને કમુરતા કહેવાય છે. ધનુ રાશિનો માલિક ગ્રહ બૃહસ્પતિ છે, જે દેવતાઓના ગુરુ કહેવાય છે.
આપણા જીવનના દરેક શુભ અને માંગલિક કાર્યો ગુરુ ગ્રહના બળથી જ થાય છે. ગુરુ ગ્રહ માટે કહેવાય છે કે,
“ગુરુ કદી ન કરે બૂરું”, આવા મહાન અને શુભ ગ્રહ ની રાશિમાં જ્યારે સૂર્યદેવનું વિચરણ થાય છે, ત્યારે સૂર્યના તેજમાં ગુરુ ગ્રહ અસ્ત થાય છે, એટલે કે શુભ ગ્રહ ગુરુની શક્તિ કે બળ સૂર્ય રાજા ના તેજમાં ઢંકાઈ જાય છે, દબાઈ જાય છે. ટૂંકમાં ગુરુનું તેજ પૂરું થઈ જાય છે અને ગુરુ નિર્બળ બની જાય છે. હવે જો શુભકર્તા ગુરુ જ નબળો પડે, તો શુભ કાર્યો ક્યાંથી થઈ શકે? તેથી શુભ અને માંગલિક કાર્યો અટકી જાય છે.
શુભ અને માંગલિક કાર્યો માટે ત્રણ ગ્રહોના બળની જરૂર પડે છે. સૂર્ય, ચંદ્ર અને ગુરુ. આ ત્રણ ગ્રહોમાંથી કોઈપણ ગ્રહનું બળ ઓછું હોય ત્યારે શુભ કાર્યોમાં વિઘ્નો આવે છે અને તે બાબતે ભવિષ્યમાં તકલીફોનો સામનો કરવો પડે છે.આવતીકાલે 16 ડિસેમ્બરે સૂર્ય, ગુરુની ધનુ રાશિમાં પ્રવેશતા જ કમુરતા ચાલુ થઈ જાય છે, પરિણામે શુભ કાર્યો પર બ્રેક લાગી જાય છે. ગૃહપ્રવેશ, સગાઈ, લગ્ન કે નવો વ્યાપાર શરૂ કરવા જેવા કાર્યો આ એક મહિના દરમિયાન કરી શકાતા નથી. સોના ચાંદીની ખરીદી, કોમ્પ્યુટર કે નવા વાહનની ખરીદી કે પછી અન્ય મોટી ખરીદી લોકો કમુરતામાં કરતા નથી.
કમુરતા વિશે પૂર્ણ જાણકારી ન હોવાને કારણે લોકોમાં અંધશ્રદ્ધા વધતી જાય છે. ઇમર્જન્સી ન હોય તેવા મોતિયો કે બીજા અન્ય ઓપરેશનો કરવાનું પણ લોકો ટાળે છે અને કમુરતાને અશુભ સમય માનીને બેદરકારી દાખવે છે. જો કે આ સમય ધાર્મિક કાર્યો કરવા માટે ઉત્તમ સમય છે. ભાગવત કથા – પારાયણ, સત્સંગ, ભજન – કીર્તન જેવા ધાર્મિક કાર્યો વધુને વધુ કરવાથી આત્મા નિર્મળ બને છે.
ગુરુ આધ્યાત્મ અને જ્ઞાનનો કારક છે, સૂર્ય આત્માનો કારક છે. આથી ગુરુની રાશિમાં સૂર્યના આગમનને “ધનાર્ક કમુરતા” કહેવાય છે. આ સમય સામાજિક કાર્યોથી થોડા દૂર રહીને, આત્માના ઉધ્ધાર માટે જીવનનું સત્ય જાણવાનો અને આત્મચિંતન કરવાનો છે. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણએ આ સમયે જ અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો હતો.
ખરમાસ
કમુરતા ને “ખરમાસ” પણ કહેવાય છે. તેની પાછળ એક પૌરાણિક કથા છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે સૂર્યદેવ સાત ઘોડા ના રથમાં સવાર થઈને અવિરત ગતિએ સતત ભ્રમણ કરતા હોય છે. તેમના થોભવા કે અટકવાથી પ્રાણી માત્રનું જીવન અટકી જાય છે. એક વખત સૂર્યદેવના રથ સાથે જોડાયેલા ઘોડા સતત દોડતા હોવાથી થાકી જાય છે અને તેઓ ભૂખ્યા તરસ્યા પણ થયા હોય છે. સૂર્યદેવને તેમની દયા આવે છે, તેઓ રથને એક તળાવ પાસે લઈ જાય છે અને ઘોડાઓને પાણી પીવા માટે છોડે છે કે તરત જ તેમને યાદ આવે છે કે રથ થોભવો જોઈએ નહીં, તેમના થોભવાથી આ સૃષ્ટિમાં અનર્થ થઈ જશે. ઘોડાના સદનસીબે તળાવ પાસે બે ખર એટલે કે ગધેડા હોય છે. સૂર્યદેવે આ ગધેડાને રથમાં જોડયા અને ભ્રમણ ચાલુ કર્યું. ગધેડા ઘોડા જેટલી ઝડપે દોડી શકતા નથી, પરંતુ ધીમે ધીમે ચાલે છે. તેથી આ સમયને ખરમાસ કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં આ સમયને સારો ગણવામાં આવતો નથી.