કોરોના વિરુદ્ધની હાલ ઘણી બધી રસીઓ વિકસિત થઇ ચૂકી છે. અલગ-અલગ દેશોમાં અલગ-અલગ પ્રકારની રસીઓ ઉત્પાદિત થઈ રહી છે. ઘણી રસીઓ રોગપ્રતિકારક શક્તિ ઉપર તો ઘણી રસીઓ આર.એન.એ ઉપર તો ઘણી રસીઓ પ્રોટીન ઉપર વિકસિત કરવામાં આવી છે. હાલ ભારતમાં સૌથી વધુ સિરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેકસીનના ડોઝ આપવામાં આવી રહ્યા છે. હાલ આપણને કઈ રસી લેવી તેની પસંદગી માટેનો વિકલ્પ તો આપવામાં આવતો નથી પરંતુ જો આ અલગ-અલગ રસીના બે ડોઝ લેવાય જાય તો ?? આપણા શરીરમાં બે વિપરીત રસી પ્રવેશી જાય તો તે શું કરે ??
મહારાષ્ટ્રના જલ્ના જિલ્લામાં એક વ્યક્તિને બે જુદી જુદી રસી આપવામાં આવી હોવાનો એક બનાવ સામે આવ્યો છે. 72 વર્ષીય એક વૃધ્ધને પ્રથમ ડોઝ કોવાક્સિન અને બીજો કોવિશિલ્ડનો ડોઝ અપાઈ ગયો. તેમના પરિવારે આરોપ મૂક્યો છે કે દર્દીને અલગ-અલગ રસીના ડોઝ આપી દેવાથી નાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ અંગે જણાવી દઈએ કે રસીના મિશ્રણ અંગે ભારતમાં હજુ સુધી કોઈ અભ્યાસ કરાયો નથી. યુકે સરકાર અને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા કરાયેલા એક અભ્યાસના પ્રાથમિક તારણોથી બહાર આવ્યું છે કે સ્વયંસેવકોને, જેમને બે જુદી જુદી રસી આપવામાં આવે તેઓને પ્રતિકૂળ પ્રતિક્રિયાઓનું એટલે કે આડસરનુ જોખમ વધારે છે.
આ અભ્યાસમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા-યુનિવર્સિટી દ્વારા વિકસિત સિરમ ઈન્સ્ટિટ્યૂટની રસી કોવિશિલ્ડનો એક ડોઝ અને ફાઈઝર-બાયોએનટેક દ્વારા વિકસિત રસીનો એક ડોઝનો સમાવેશ કરાયો હતો. ત્યારબાદ આ બંને રસીના ડોઝને ઉલટાવી દઈ પહેલા બાયોટેક અને પછી ઓક્સફર્ડ યુનિવર્સિટીનો ડોઝ આપવામાં આવ્યો. આ પ્રયોગમાં એવું જોવા મળ્યું કે મિશ્ર ડોઝ મેળવનારા લોકોએ ઠંડી અનુભવવી, થાક, તાવ, માથાનો દુખાવો, સાંધાનો દુખાવો, અસ્થિરતા, સ્નાયુમાં દુખાવો અને પીડા જેવી આડઅસરનો સામનો કરવો પડી શકે છે.