જીવનમાં ઊંઘનું વિશેષ મહત્વ છે. જીવ માત્રની જાગૃત અવસ્થા જેટલી મહત્વની છે તેટલી જ નિદ્રાવસ્થા જરૂરી છે. આખા દિવસના કામના થાક પછી ઓછામાં ઓછી સાત કલાક ઊંઘ બધા માટે જરૂરી છે. ઊંઘને સિધો સંબંધ આરોગ્ય સાથે છે તેમાં થોડી ખલેલ પણ આપણા મુડ કે હેલ્થ પર અસર કરે છે. આજની બદલાતી જીવનશૈલીમાં દરેકને કોઇને કોઇ પ્રકારે માનસિક તણાવ હોય છે. જે તેની ઊંઘ પર અસર કરે છે.
આપણને પ્રશ્ર્ન થાય કે ઊંઘ કેમ જરૂરીને રાત્રે સુતા પછીને ઉઠતા પહેલાની ઊંઘની વાત-સપનાઓ વિશે ઘણી રોચક વાતો છે. ઘણી લોક-વાયકા પણ તેની સાથે જોડાયેલી છે. નિંદ્રાના પણ વિવિધ તબક્કાઓ છે. પૃથ્વી પર વસતા તમામ જીવ રાત્રે મીઠી નિંદર માણે છે. નિશાચાર પશુ-પંખી દિવસે આરામ કરે ને રાત્રે જાગે છે. આજના યુગમાં હવે બધાને રાત્રીના બાર તો સામાન્ય જોવા મળે છે. પહેલાના જમાનામાં કે આજે પણ ગામડામાં રાત્રે 10 વાગે સુઇ જાય છે.
આપણી ઊંઘ દરમ્યાન શરીરના તમામ અંગો પણ આરામ કરે છે. તેથી આપણાને રિલેક્સ ફીલ થાય છે. આપણી શ્ર્વસનક્રિયા, બ્લડપ્રેશર કે હૃદ્યની ગતીની ચલા સ્તરે જોવા મળે છે. નિંદ્રામાં મગજ સક્રિય હોય છે. સપનામાં આંખોની હિલચાલ, દ્રશ્યો વગેરે ખૂબ જ તીવ્ર બની જાય છે. અજાગૃત અને જાગૃત જેવી બંને અવસ્થા નિંદ્રામાં જોવા મળે છે. પ્રાણીઓ ઊંઘમાં ખુબ જ સચેત જોવા મળે છે. પુખ્ય વયના લોકોએ આઠ કલાક ઊંઘ લેવી જ જોઇએ. આખી રાતના ત્રણ પ્રહરોમાં પહેલા કરતાં બીજા-ત્રીજા પ્રહરની ઊંઘ વધુ ગાઢ હોય છે.
સવારથી સાંજ કે 24 કલાક આપણે સમયચક્રની સાથે સક્રિય કાર્યરત હોય છીએ, પરંતુ રાત્રીના મધ્યભાગથી સૂર્યોદય વચ્ચેનો ગાળો નિંદ્રાનો આમ જોઇએ તો અસ્થિર ગાળો છે. આપણાં સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડમાં લોકો બપોરે જમ્યા બાદ પણ ત્રણ કલાકનો આરામ કરે છે. પૂર્ણ નિંદ્રા અને અલ્પ નિંદ્રાએ બંને જુદી વાત છે. આજના યુગમાં રૂપિયા કમાવવાની દોડમાં પોતાની ઊંઘ હરામ કરી દે છે. આપણે દરરોજ ઊંઘ લઇએ છીએ પણ તેના વિશે પુરેપુરૂ જાણતા જ નથી.
પથારીમાં આળોટ્યા છતાં ઊંઘ ન આવે તો શું? જેવા વિવિધ પ્રશ્ર્નો આપણી ઊંઘ ઉડાડી દે છે. હાર્ટ એટેક અને લકવા જેવા ઘણા રોગો ઓછી ઊંઘને કારણે જ થઇ શકે છે. ઓછી ઊંઘ આયુષ્ય પણ ઘટાડે છે. ઘણાની એવી માન્યતાઓ હોય કે આલ્કોહોલ લેવાથી નિંદર સારી આવે જે સો ટકા ખોટી વાત છે. વધુ પડતા નસફોરા જોરથી બોલાવો તે જોખમની નિશાની છે. આપણાં મુડ, સુખ જેવી વિવિધ આરોગ્ય બાબતો સારી ઊંઘ સાથે જોડાયેલી છે. ‘સ્લીપ વેલ-હેલ્થ વેલ’ આ સૂત્ર તંદુરસ્ત જીવનની નિશાની છે. થાકનો એકમાત્ર ઉપાય શ્રેષ્ઠ ઊંઘ છે. આજના જમાનામાં રાત્રે ઘસઘસાટ આવી જતી ઊંઘ શ્રેષ્ઠ સુખ ગણી શકાય છે.
બપોરે સૂવું એ અકુદરતી ઊંઘ છે. આપણે તેને વામકૃક્ષી પણ કહીએ છીએ. રોજનો ઉજાગરો લાંબે ગાળે ભયંકર નુકશાન કરે છે. અપૂરતી ઊંઘ હૃદ્ય, ચેતાતંત્ર, ઇમ્યૂનસિસ્ટમ, યુવાની અને પાચનની ક્રિયા નબળી પાડે છે. આ ક્રિયા ધીમી હોવાથી તેની અસરો લાંબે ગાળે દેખાય છે. ઊંઘવાથી શરીરનો ઘસારો અને થાક સરભર થઇ જાય છે ને બીજા દિવસની સવારે તાજગી ભર્યું લાગે છે. ઊંઘને લગતી બિમારીને સ્લીપ ડિસઓર્ડર કહેવાય છે. ઊંઘમાં ખલેલ પહોંચવા માટે રાતનો ભય કે દાંત કચડવા જેવી ઘણી સમસ્યા છે. ઘણાને ઊંઘની ગોળી રોજ લેવી પડે છે તો આપઘાત કરવા ઊંઘની ગોળીઓનો પણ ઉપયોગ કરે છે.
ઊંઘ વિશે આપણે જાગૃત નથી હોતા નિંદ્રા કરવી તો કેટલી? તેવા પ્રશ્ર્નો થાય, પણ સામાન્ય રીતે 7 થી 8 કલાકની નિંદર જરૂરી છે. ઉંમરના હિસાબે શરીરને ઊંઘની જરૂર પડે છે. આપણાં શરીરને શક્તિ અને તાજગી માટે પણ ઊંઘ જરૂરી છે. શરીરના તાકાત માત્ર બહારના કામે નહીં પણ અંદરનાં શરીરના અંગોના હલન-ચલન માટે પણ વપરાય છે. વયના વિવિધ પડાવે ઊંઘની જરૂર અલગ-અલગ હોય છે.
0 થી 3 મહિનાનું બાળક 14 થી 17 કલાક તો 4 થી 11 મહિનાનું 12 થી 15 કલાક ઊંઘે છે. જેમ-જેમ મોટું થાય તેમ કલાકો ઘટવા લાગે છે. 1 થી 2 વર્ષે 11 થી 14, 3 થી 5 વર્ષે 10 થી 13 કલાક ઊંઘ લે છે. બાળકો રમવા-કૂદવા કે ગેમ્સ જોવાની ટેવ તેની ઊંઘ ઘટી જાય છે. 6 થી 13 વર્ષના 8 થી 10 કલાક તો 14 થી 17 વર્ષના 8 થી 10 કલાક નિંદર માણે છે. બાળકોમાં ઊંઘમાં પથારી ભીની કરવાની સમસ્યા સામાન્ય રીતે જોવા મળે છે. બાળકોને વિવિધ રમતોમાં સક્રિય રાખવાથી તેમને સારી ઊંઘ આવે છે.
આજકાલ તો નાની ઉંમરના બાળકો પણ ટીવી, મોબાઇલના રવાડે ચડી જવાથી મધ્યરાત્રી સુધી જાગતા જોવા મળે છે. બાળકોને નાનપણથી જ સારી રીતે સુવાની ટેવ પાડવાથી તેને માંદગી ઓછી આવે છે.
પૃથ્વી પરના જીવ માત્રને સારી ઊંઘ સારી તંદુરસ્તી આપે છે. સુતા જેવું સુખ નહીં એ કહેવત બહુ જાણીતી છે. નિંદ્રા ઉપર ફિલ્મમાં પણ ઘણા ગીતો સાથે બાળકો માટે લોરીનો એક જમાનામાં બહુ ટ્રેન્ડ હતો. આજનો યુગ સૂર્યવંશીઓનો છે. લોકો મોડા સુવે છેને મોડા ઉઠે છે. એક જમાના સૌ કહેતા વ્હેલા જે સુવે તે વ્હેલા ઉઠે તે વીર કહેવાય જેની સામે આજે સાવ ઉલ્ટું થઇ ગયું છે. જેમ-જેમ રાત્રી પુરી થવામાં આવેને સવાર પડે તેવા સમય સૌને પ્રગાઢ નિંદર આવે છે. શિયાળાની રાતમાં ગોદડામાંથી બહાર નીકળવાની ઇચ્છા જ ન થાય.
તબિબોના મતે માનવ શરીરની વિવિધ શારીરીક ક્ષમતાઓની ગુણવત્તા જાળવી રાખવા ખોરાક, પાણીની સાથે ઊંઘની પણ અગત્યતા છે. અપૂરતી ઊંઘ આપણું માનસિક સંતુલન બગાડે છે. નિંદ્રાના ચાર સ્ટેજમાં પ્રથમ તંદ્રાવસ્થા બાદમાં હળવી નિંદ્રા અને પછીના ત્રીજા ચોથા તબક્કાને ગાઢ નિંદ્રા કહે છે. રાત્રીનો ત્રીજો પ્રહર જેને મળસ્કુ પણ કહેવાય છે તે સમય ગાઢ નિંદ્રાનો કહેવાય છે. આજે બદલાતી જીવનશૈલીએ આપણી શરીર સાયકલ પણ બદલી નાંખી છે. આપણા પૂરાણોમાં કુંભકર્ણની વાત ઊંઘ માટે ખૂબ જ પ્રચલિત છે. જે લોકો સતત તાણ, બેચેની અનુભવે તેને અનિંદ્રારોગની અસર થાય છે. શારીરીક સ્વસ્થતા સાથે માનસિક સ્વસ્થતા સારી રાખવા પૂરતી ઊંઘ જરૂરી છે.