ગામડાઓની હાલની પરિસ્થિતિમાં અને અગાઉ ની પરિસ્થિતિમાં શું કોઈ બદલાવ દેખાય છે?
ગામડાઓ માં પહેલા મુખી પ્રથા હતી જ… પંચ પણ રહેતું… ગામ તે સહુની આમન્યા પણ રાખતું. ને કોઈ એ નાનકડો ગુનો કર્યો હોય તો ચબૂતરે અમુક મણ દાણા કે પછી અબોલ જીવ ને ઘાસચારો નાખવાની સજા કરી અને તે વ્યક્તિ ને સુધરવાની તક આપવામાં આવતી. ટૂંક માં માણસ જે ભૂલો કે ગુન્હો કરતો તેનો લાભ અન્ય જીવ સૃષ્ટિ ને મળતો .આ અભણ કહેવાતા ગામડા ની અદભુત વ્યવસ્થા નો પુરાવો છે.
ઘેર ઘેર ફાળા ઉઘરાવી ને નિયમિત ગામ કૂવા અને હવાડા નિયમિત સાફ કરાવતા. પરોઢીયે પ્રભાતીયા ગાતા ગાતા ફેરી લઈ ને નીકળતા હરી હરી બોલ ની ધૂન ની મંડળીઓ સહુ ને વહેલા જગાડતા ને બદલા માં પ્રભાત ફેરી માં જે અનાજ મળતું એ ચબૂતરે નાખી દેતા. આ કોઈ ચૂંટાયેલા નહોતા કે નહોતી તેમને કોઇ એ તાલીમ આપવી પડતી … સહુ કોઈ પોતાનું કર્તવ્ય ગણી ને સેવા કરતા.
પંચાયતી રાજ આવ્યું અને ધીમેધીમે ચૂંટણી ની આડમાં ગામડાઓ ખરડાયા. આજે શું સ્થિતિ છે એ કઈ લખવાની જરૂર નથી. ગ્રામ સભા ઓ કેવી ખાલી ખમ હોય છે. જાણે કે ગ્રામ સભા એ અગિયારસ કરી હોય. ગામડા ને તો તેના અસલ મિજાજ માં જીવવા દેવા માં આવે એજ ઇચ્છનીય છે.
બાકી તો આપણા ગામડાઓ ની સંસ્કૃતિની તોલે એકે ય વ્યવસ્થા ન આવે . ગામડું મજબૂત જ હતું એ ગામડાં ને મજબૂત કરવાના નામે જાત ભાત ના નિષ્ણાતો ની બેઠકો અને શિબિરો માં એ નિષ્ણાતો ને બોલતા સાંભળીયે એટલે એવું લાગે કે મિનરલ વોટર ની બોટલ ‘ગાગર’ ની સમસ્યા ઉપર બોલે છે…શબ્દો નો સારાંશ અંબુ પટેલ ખારાઘોડાના શબ્દોમાં