તંત્રનો પન્નો ટૂંકો પડ્યો: 48 કલાકે અપાય છે આરટીપીસીઆર રિપોર્ટ
જ્યાં સુધીમાં રીપોર્ટ મળે ત્યાં સુધીમાં પોઝિટિવ દર્દી અનેક લોકોને લગાડી રહ્યાં છે ચેપ: એક તરફ તંત્રે ટેસ્ટ કરાવવા લોકોને જાગૃત કર્યા બીજી તરફ જાગૃત થયેલા લોકો ટેસ્ટ માટે આવતા વેઈટીંગ ચાલુ થયું
રાજકોટમાં કોરોના બેકાબુ બન્યો છે, બીજી તરફ તંત્રનો પન્નો ટૂંકો પડતા હવે જોખમ વધી રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે કારણ કે તંત્ર દ્વારા આરટીપીસીઆર રીપોર્ટ 48 કલાક બાદ આપવામાં આવી રહ્યાં છે. આટલા સમયમાં તો પોઝિટિવ દર્દી અનેક લોકોને ચેપ લગાવી રહ્યાં હોય શહેરની સ્થિતિ વધુ વણસે તેવા અણસાર મળી રહ્યાં છે.
રાજકોટ શહેરમાં કોરોનાની સ્થિતિ વધુને વધુ ગંભીર બનતી જાય છે. આરટીપીસીઆર ટેસ્ટમાં વેઈટીંગ તેમજ રિપોર્ટ મેળવવામાં થતી 48 કલાકના કારણે સંક્રમણ વધી રહ્યાંનું જાણવા મળી રહ્યું છે. અગાઉ આરટીપીસીઆર રિપોર્ટ 15 થી 24 કલાકમાં મળી જતો હતો જે હવે 48 કલાકે આવતો હોય, પોઝિટિવ દર્દી બધે ફરીને વાયરસનો ફેલાવો કરી રહ્યાંના અનેક દાખલા સામે આવ્યા છે.
બીજી તરફ રાજકોટમાં સરેરાશ રોજના પાંચેક હજાર એન્ટીજન ટેસ્ટ તેમજ 700 જેટલા આરટીપીસીઆર ટેસ્ટ થઈ રહ્યાં છે. આ ટેસ્ટની કામગીરીમાં તંત્રનો પન્નો ટૂકો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ અગાઉ તંત્ર દ્વારા લોકોને જાગૃત કરી ટેસ્ટ કરાવતા થાય તેવા પ્રયાસો હાથ ધરાયા હતા.
હવે લોકો જાગૃત થઈને થોડા પણ લક્ષણો દેખાય એટલે તુરંત ટેસ્ટ કરાવતા થઈ ગયા છે પણ કમનસીબે હવે તંત્ર ટેસ્ટની કામગીરીમાં પહોંચી શકતું ન હોય અનેક કેન્દ્રો પર અંધાધૂંધી સર્જાયાના દ્રશ્યો સામે આવે છે. ખાસ કરીને એન્ટીજન ટેસ્ટ માટે જે જે કેન્દ્રો નિયત થયા છે તે કેન્દ્રો પર દરરોજ લાંબી કતારો જોવા મળે છે. અગાઉ એન્ટીજનલ કીટો ખાલી થઈ ગઈ હોય લોકોએ ટેસ્ટ વગર પરત ફરવું પડ્યાના બનાવો બન્યા છે.