વેક્સિન માટે હવે વેઇટિંગ નહિ: સ્લોટ બુકિંગ ખાલી..!!
એક માસમાં ૧૮થી ૪૪ વર્ષની વયના ૩.૧૫ લાખ લોકોને કોરોનાની વેક્સિન આપી સુરક્ષિત કરાયા: ગઈકાલથી સ્લોટ ખાલી રહેવા માંડ્યા:વેક્સિનેશન માટે યુવાનોને આગળ આવવા મહાપાલિકાની અપીલ
છેલ્લા એક પખવાડિયાથી શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે.કોરોના સામેનું કવચ એકમાત્ર વેક્સિનેશન છે.ત્યારે સંક્રમણ ઘટતા હવે લોકો વેકસીન લેવામાં પણ આળસ દાખવી રહ્યા હોય તેવું લાગી રહ્યો છે.વેકસીનના રજીસ્ટ્રેશન માટે રોજ સાંજે મહાપાલિકા દ્વારા સ્લોટ ખોલવામાં આવે છે.મંગળવાર સુધી આ સ્લોટ ખોલતાની સાથે જ વ બુકિંગ થઇ જતું હતું. પરંતુ કાલથી સીનારીયા ફર્યો છે અને વેકસીન માટેના સ્લોટ બુકીંગ વિના ખાલી રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુ માહીતી આપતા મહાપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ.લલિત વાજાએ જણાવ્યું હતું કે ગત ૧લી મેથી ૧૮ થી ૪૪ વર્ષ સુધીના લોકોને કોરોનાની વેકસીન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.ગઇકાલ સુધીમાં કુલ શહેરમાં આ વય જૂથના ૩.૧૫ લાખ લોકોને વેકસીન આપી દેવામાં આવી હતી જ્યારે ૪૫ વધુ વયના ૨.૫૦ લાખ લોકોને કોરોનાની વેક્સિન આપી દેવામાં આવી છે.કુલ ૫.૬૫ લાખ લોકોને કોરોનાની વેક્સિન આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે.શહેરમાં ૧૮ વર્ષથી વધુ વયના લોકોની કુલ સંખ્યા દસ લાખ આસપાસ થવા પામે છે.
ગઇકાલ સુધીમાં ૫૨ ટકા જેટલી કામગીરી પણ થઇ જવા પામી છે. અત્યાર સુધી વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન કરાવવાના સ્લોટ સાંજે જ્યારે ખોલવામાં આવતા હતા ત્યારે ગણતરીની મિનિટોમાં જ આ સ્લોટ ફૂલ થઇ જતા હતા. દરમિયાન ગઈકાલથી સીનારીયો ચેન્જ થયો છે અને સ્લોટ બુકીંગ વીના ખાલી રહ્યા છે.૧૮થી ૪૪ વર્ષ વચ્ચેના કુલ ૬ લાખ લોકો હોવાનો અંદાજ છે. જેની સામે હજી માત્ર ત્રણ લાખ ૧૫ હજાર લોકોને જ વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.જ્યારે ૪૫થી વધુ વયના ૩.૫૦ લાખ લોકો હોવાનો અંદાજ છે. જેની સામે અઢી લાખ જેટલા લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે.
તેઓએ ભારપૂર્વક ઉમેર્યું હતું કે, કોરોના સામેનો એકમાત્ર કવચ વેક્સિનેશન છે.આવામાં હવે જ્યારે સંક્રમણ ઘટી રહ્યું છે.ત્યારે શહેરીજનો વધુ જાગૃત બને તે આવશ્યક છે. ૧૮ વર્ષથી લઈ ૪૪ વર્ષ સુધીના લોકો વેક્સિન લેવા માટે આગળ આવે અગાઉ એક મહિના સુધી જે રીતે મહાપાલિકા દ્વારા વેક્સિન રજિસ્ટ્રેશનના સ્લોટ ખોલતાની સાથે જ બુકિંગ થઇ જતું હતું.તેજ રીતે જો પ્રક્રિયા ચાલુ રહેશે તો તમામ લોકોને આગામી એકથી દોઢ મહિનામાં વેકસીન આપી શકશે. પરંતુ ગઈકાલથી રજીસ્ટ્રેશન સ્લોટ ખાલી જઈ રહ્યા છે. યુવાનોને વેક્સિનેશન માટે આગળ આવવા તેઓએ અપીલ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટની ૧૫ લાખની વસ્તી સામે આજ સુધીમાં ૫.૬૫ લાખ લોકોને ગઈકાલ સુધીમાં વેકસીન આપી દેવામાં આવી છે.
કોરોનમુક્ત થયાના ત્રણ મહિના પછી વેકસીન લેવાના નિર્ણયના કારણે પણ વેક્સિનેશન ઘટયું હોવાની સંભાવના
કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય પહેલા વેક્સિનેશન માટે જાહેર કરવામાં આવેલી નવી ગાઇડલાઇનમાં એવું જણાવવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય અને કોરોના મુક્ત થયા બાદ તે ત્રણ મહિના પછી વેકસીન લે તો તેની અસર વધુ સારી રહે છે. કેન્દ્ર સરકારની આ નવી ગાઇડલાઇનના કારણે પણ શહેરમાં વેક્સિનેશનનું પ્રમાણ ઘટી રહ્યું હોવાનું કારણ છે કોરોનાની બીજી શહેરમાં ઘર દીઠ કોરોનાના કેસ હતા.
કોરોનાથી સાજા થયેલા લોકો હવે એડવાન્સમાં વેક્સિન લેવાના મૂડમાં નથી તે ત્રણ મહિના સુધી રાહ જોયા બાદ જ વેક્સિન લેવા માંગે છે જેના કારણે ગઈકાલથી ૧૮ થી લઇ ૪૪ વર્ષ સુધીના લોકોના વેક્સિનેશન રજીસ્ટ્રેશન માટેના સ્લોટ ખાલી જઈ રહ્યા છે.જો બીજી તરફ હિસાબ કરવા આવે તો આ ગણતરી મુજબ શહેરમાં અંદાજે 2 લાખ લોકો કોરોનાગ્રસ્ત થયા હોય તેવું કહી શકાય.