રાત્રે 11:15 એ પોલીસ સ્ટેશને એક ફોન આવ્યો કે લોખંડવાલા ફેમિલીના એક મેમ્બર નું ખૂન થઈ ગયું છે. લોખંડવાલા બહુ મોટા હીરા ઉદ્યોગના માલિક છે. ઇન્સ્પેક્ટર ત્યાં તેની ટીમ સાથે તપાસ કરવા પહોંચે છે. ફેમિલી મેમ્બરમાં મહેશભાઈ , તેમની પત્નિ , તેમનો એક છોકરો, એક છોકરી અને નાના ભાઈ રાકેશ, એમના પત્ની, એમનો એક છોકરો, મોટાભાઈ વિનીત જેમનું ખૂન થયું છે, એમની પત્ની, એમની છોકરી, અને દાદીમાં આમ કુલ 11 મેમ્બર છે. સાથે 2 રસોઈયા, 2 ચોકીદાર અને 3 ડ્રાઇવર મળીને 7 નોકર છે.
મહેશભાઈ એ કહ્યું કે તેમના મોટાભાઈ વિનીત 11:00 વાગે બધા સાથે નીચે ગાર્ડનમાં બેઠા હતા અને બધા સાથે વાતો કરી રહ્યા હતા. ખબર નહીં કેમ પણ એ બહુ ગુસ્સામાં હતા. પોતાના રૂમમાં ગયા અને મને થોડું ટેન્શન થયું. 11:15 હું એમના રૂમમાં ગયો અને જોયું તો એમનું ખૂન થઈ ગયું હતું. એમનું ગળું કાપી નાખ્યું હતું.
મેં બધાને બૂમ પાડી ને બોલાવ્યા બધાને આઘાત લાગ્યો કે અચાનક આ શું થઈ ગયું. બધા રડવા લાગ્યા. દાદીમાં તો બેભાન જ થઈ ગયા. તેમના ચહેરા પર પાણી છાંટી તેમને ભાનમાં લાવ્યા તરત ઇન્સ્પેક્ટરને ફોન કર્યો.
ઇન્સ્પેક્ટર : તમને કોઈ પર શંકા છે ? તમારું કોઈ દુશ્મન છે?
મહેશ લોખંડવાલા : ના મારું કોઈ દુશ્મન નથી અને અમને ખબર જ નથી પડતી કે અચાનક આ શું થઈ ગયું.
ઇન્સ્પેક્ટર : તમારા બિઝનેસ વિશે જણાવો. માલિક કોણ છે ?
મહેશ લોખંડવાલા : અમે ત્રણેય ભાઈ અમારી કંપનીના માલિક છીએ.
પણ નાના ભાઈનો અને મારો હિસ્સો 25% છે જ્યારે મોટા ભાઈનો હિસ્સો 50% હતો.
ઇન્સ્પેક્ટર : આવું કેમ ?
મિસ્ટર લોખંડવાલા : એ કામ બહુ વધારે કરતાં અને એમણે જ આ ઇન્ડસ્ટ્રીને ઊભી કરી છે.
ઇન્સ્પેક્ટર શંકાસ્પદ નજરથી બંને ભાઈ સામે જુએ છે અને એમની પત્ની તરફ પણ જુએ છે ( બધા એકબીજા સાથે ઇશારાથી વાત કરી રહ્યા હોય તેવું ઇન્સ્પેક્ટરને લાગ્યું )
પહેલા ઇન્સ્પેક્ટરને થયું કે આ બે ભાઈ માંથી કોઈએ મિલકત માટે મોટા ભાઈનું ખૂન કર્યું હોઈ શકે. થોડા ટાઇમ પછી ઇન્સ્પેક્ટર ઘરની તપાસ કરે છે.
રસોડામાં એક ચાકુ મળે છે જેના પર લોહીના ડાઘ હોય છે. એ ચાકુને ફોરેન્સિક લેબમાં તપાસ કરવા માટે મોકલવામાં આવે છે. એના પર ઘરના ત્રણ લોકોના ફિંગર પ્રિન્ટ મેચ થાય છે. દાદી, નાનો ભાઈ અને મોટાભાઈ ની પત્ની.
આ જાણીને ઇન્સ્પેક્ટર ક્રોસ ચેકિંગ કરવા માટે આ ત્રણેય લોકોને ઘરના લોકો વિશે અલગ અલગ રીતે પ્રશ્ન કરે છે અને તેને જાણવા મળે છે કે મોટા ભાઈ વિનીતને તેમના પત્ની, દાદી અને નાનાભાઈ સાથે વધારે બનતું ન હતું. દાદીમાં મોટાભાઈ કરતાં નાના ભાઇ અને વચલા ભાઈને સારી રીતે બોલાવતા.તેના પત્નિ સાથે એમનો રોજને રોજ કોઈને કોઈ વાતને લઈને ઝઘડો થતો રહેતો. નાનાભાઈ હંમેશા પોતાનો હિસ્સો વધારવા બાબતે ઝઘડો કરતા રહેતા.
ઇન્સ્પેક્ટરને નાનાભાઈ અને વિનીતના પત્ની પર વધારે શંકા જાય છે થોડી વધારે તપાસ કરે છે પણ બહુ મહેનત કર્યા પછી પણ તેને કોઈ પુરાવા મળતા નથી. ફરી એકવાર ઇન્સ્પેક્ટર વિનીતના રૂમમાં જાય છે. ફરીથી તપાસ કરે છે તો એને વિનીતના બેડ પાસેની કોઠીના ખૂણામાં એક કાપડનો નાનકડો ટુકડો મળે છે. આ ટુકડો એક ટી શર્ટનો હોય છે. ઘરના લોકો સાથે અલગ અલગ રીતે ઇન્સ્પેક્ટર પૂછપરછ કરે છે.
જાણવા મળે છે કે મહેશભાઈની દીકરી રશ્મિ પાસે આવા કલરનું ટી-શર્ટ હોય છે.
રશ્મિ પર પૂરેપૂરી રીતે દબાવ કરતા અને ગુસ્સો કરતા એ ડરી જાય છે પછી તે સ્વીકારી લે છે કે હા એણે જ એના મોટા પપ્પા ને માર્યા છે.
કારણ આપતા જણાવે છે કે મોટા પપ્પા માણસ નથી રાક્ષસ છે રાક્ષસ. નાનપણથી જ એમની ખરાબ નજર મારા પર હતી. નાનપણથી જ એ મને પરેશાન કરે છે.
નાની હતી ત્યારે તો મને બહુ ખબર ન પડતી પણ થોડી સમજણ આવી ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. એ મારા ફોટોઝ અને વિડિયોઝ બધાને બતાવી દેશે એવી ધમકી મારતા અને મારો ઉપયોગ કરતાં. હું કોને કહું કે મેં શું શું સહન કર્યું છે. હું હજી માત્ર 17 વર્ષની જ છું અને એ 35 વર્ષના. તમે વિચારી તો જુઓ મે કેટલી હદે એમને સહન કર્યા છે અને દુઃખ સહન કર્યું છે. ગઈ કાલ તો હદ થઈ ગઈ. તે તેના મિત્ર સાથે મને સંબંધ બાંધવા માટે બ્લેકમેલ કરતા હતા. મને ખૂબ જ ગુસ્સો આવ્યો અને મેં તેમનું ગળું કાપી નાખ્યું અને એ ચાકુને ગાર્ડનમાં ખાડો કરી દાંટી દીધું.
દુઃખ, માનસિક ત્રાસ, શારીરિક ત્રાસ આ બધું સહન કરીને થાકી ગઈ હતી અને ગુસ્સામાં આવીને મેં એમને મારી નાખ્યા. રશ્મિ એ પોતાનો ગુનો કબુલી લીધો.
– આર. કે. ચોટલીયા