અદ્યતન રેલવે સ્ટેશન બનશે ગુજરાતની ‘શાન’
યાત્રિકોના મનમાં અંકિત થયેલી રેલવે સ્ટેશનની છાપથી તદ્ન વિપરીત એરપોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ ગાંધીનગરનું રેલવે સ્ટેશન ગુજરાતની ગરીમા
બેબી ફિડીંગ રૂમ, પ્રાર્થના કક્ષ, આર્ટ ગેલેરી હોલ, દિવ્યાંગ ફ્રેન્ડલી જેવી સુવિધા રેલવે સ્ટેશનને વધુ વાયબ્રન્ટ બનાવવાનો પ્રથમ પ્રકલ્પ
આધુનિક રેલવે સ્ટેશન ઉપર બનાવાયેલી 11 માળની 318 રૂમની સુવિધા ધરાવતી હોટલ “મોદીનું વિઝન”
રેલવે સ્ટેશન શબ્દ કાને પડતાની સાથે જ સૌ કોઇના મનમાં લોકોની ભીડ, ચા-નાસ્તાની લારી, ઠેર-ઠેર ગંદકી તથા અસુવિધાના અભાવે મુસાફરોની પરેશાની વગેરે જેવા દ્રશ્યો સામે આવી જતા હોય છે. પરંતુ ગાંધીનગરમાં ઉત્તમ સુવિધાઓ ધરાવતું વિશ્ર્વકક્ષાના રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે.
આ રેલ્વે સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે 16 જુલાઇએ ઇ-લોકાર્પણ થવા જઇ રહ્યું છે. આ રેલ્વે સ્ટેશન વિશ્ર્વકક્ષાનું શા માટે છે તથા તેમાં આપવામાં આવેલી વિવિધ સુવિધાઓ જેવી કે બેબી ફિડીંગ રૂમ, પ્રેયર રૂમ, દિવ્યાંગ ફ્રેન્ડલી તેમજ વિશ્ર્વકક્ષાએ ગણી શકાય તેવું પિલર ફ્રી વગેરેથી રેલવે સ્ટેશનની અદ્ભૂત ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.
‘અબતક’ સાથેની વાતચીતમાં આ અદ્ભૂત રેલવે સ્ટેશનની વિશેષ માહિતી આપતા રેલવે સ્ટેશનમાં આર્ટિટેક્ટ રવિભાઇ રામપરીયાએ વિસ્તૃત જાણકારી આપી હતી.
જેમાં તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગરનું આ રેલવે સ્ટેશન તદ્ન અલગ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં બેબી ફિડિંગરૂમ, પ્રેયર રૂમ, દિવ્યાંગો માટેની સુવિધા તથા કોલમ ફ્રી જેવી વિશ્ર્વ કક્ષાની વિશેષતા છે.મિનીસ્ટ્રી ઓફ રેલવેની ગાઇડલાઇન મુજબ કુલ 800 રેલવે સ્ટેશનો પૈકીનું પ્રથમ એવું આ પ્રથમ ગુજરાતના પાટનગર ગાંધીનગરનું રેલવે સ્ટેશન છે.
એરપોર્ટ જેવી સુવિધા ધરાવતું રેલવે સ્ટેશન
ગાંધીનગરના આ રેલવે સ્ટેશનમાં એરપોર્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. એટલે કે એરપોર્ટ પરથી પ્રેરણા લેવામાં આવી છે. જૂના જમાનાના પ્લેટફોર્મ સાંકળા બનાવાયા હતાં પણ ગાંધીનગરનું રેલ્વે સ્ટેશન ભવ્યતાથી ભરપૂર છે. જેમાં 24 બોગીઓ એક સાથે આવી શકે તેવી ઉત્તમ સુવિધા છે અને લંબાઇ-પહોંળાઇનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેથી પેસેન્જર્સ એકબીજા સાથે અથડાય નહીં એરપોર્ટ જેવી વિશાળ ફ્લોરીંગ પેટર્નથી સજ્જ ગાંધીનગરનું આ રેલ્વે સ્ટેશનમાં પ્રાર્થના કક્ષ, બેબી ફિડીંગ રૂમ, ફસ્ટ એઇડ રૂમ, એટીએમ સુવિધા, બુકિંગ ઓફિસ કક્ષ, વર્ટીકલ વોલ, આર્ટ ગેલેરીરૂમ વગેરે આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓથી સજ્જ બનાવાયું છે.
ભારતનું પ્રથમ ભવ્યતાથી ભરપૂર રેલ્વે સ્ટેશન
ગાંધનગર રેલવે સ્ટેશનને વધુ વાયબ્રન્ટ બનાવવાનો આ પ્રથમ પ્રકલ્પ એ વડાપ્રધાનનું વિઝન હતું જેમાં ભવ્યતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં 105 મીટર કોલમ ફ્રી ડિઝાઇન તૈયાર કરાઇ છે. જે તદ્ન નવી જ ડિઝાઇન છે.
આ અંગે વધુ માહિતી આપતા આર્કિટેક્ચરે જણાવ્યું હતું કે આગામી ચાલીસ વર્ષને ધ્યાનમાં રાખીને આ રેલવે સ્ટેશનની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.
દિવ્યાંગ ફ્રેન્ડલી, બેબી ફિડીંગ રૂમ, પ્રાર્થના કક્ષ, આર્ટ ગેલેરીની ઉત્તમ સુવિધા
એરપોર્ટ જેવી વિશેષતા ધરાવતા આ રેલવે સ્ટેશનમાં બેબી ફિડીંગ રૂમ, પ્રાર્થના કક્ષ, દિવ્યાંગ ફ્રેન્ડલી તથા આર્ટ ગેલેરીની સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આર્ટ ગેલેરીની સુવિધા દ્વારા કોઇ સેમીનાર કે એક્ઝિબિશન રાખવું હોય તો તેના માટે મલ્ટીપર્પસ સ્પેસ ફાળવવામાં આવી છે તથા સ્ટેજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
એ સિવાય કોઇ એક ધર્મને ધ્યાનમાં ન રાખતા પ્રાર્થના કક્ષ કે જેમાં અધ્યાત્મિક સંદેશ મળે તથા મોટીવેશન મળે તે રીતે વોલ પર ગ્રાફિક્સ મૂકવામાં આવ્યા છે.એ સિવાય દિવ્યાંગો માટે ખાસ રેમ્પ, લીફ્ટ અલગ બાથરૂમ, અલગ પાર્કિંગ તથા અલગ સીટીંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તથા એ પ્રકારે ફ્લોરીંગ ટાઇલ્સ ગોઠવવામાં આવી છે. જેના વડે દિવ્યાંગોને જાણકારી મળી શકે.
ભવ્યતાની દ્રષ્ટિએ વિશાળ કહી શકાય તેવું પીલર એટલે કે કોલમ ફ્રી બનાવાયેલું આ રેલવે સ્ટેશન ભારતનો સૌથી પ્રથમ ક્ધસેપ્ટ છે. જેમાં નવું જ સ્ટ્રક્ચર તૈયાર કરાયું છે. ગુજરાત સરકાર અને મિનિસ્ટ્રી ઓફ રેલવેનું આ કોલાબ્રેશન છે. જેને ગરૂડ એસ.પી.વી. નામ આપવામાં આવ્યું છે. એ સિવાય રેલ્વે સ્ટેશન ઉપર પ્રધાનમંત્રી મોદીના સ્વપ્નને સાકાર કરાતી 318 રૂમની એક હોટલ તૈયાર કરવામાં આવી છે.
11 માળની આ હોટલ બનાવવામાં આવી છે. આ હોટલના નિર્માણમાં રેસ્ટોરન્ટ, 8 સીટીંગ રૂમ તથા કોન્ફરન્સ રૂમનું વિશાળ વિઝન તૈયાર કરાયું છે. જેમાં વર્લ્ડના ડેલીગેશન રહી શકે તેમજ બિઝનેસ કોન્ફરન્સ કરી શકે તેવી ઉમદા વ્યવસ્થા કરવામાં આવી છે.
સારામાં સારા સ્ટ્રક્ચર એન્જીનીયર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ 12 થી 15 કોન્ટ્રાક્ટર્સ તથા 1000 મજૂરો દ્વારા છેલ્લા ચાર વર્ષથી કરવામાં આવતી કામગીરી દ્વારા તૈયાર કરાયેલી આ હોટેલ ભવ્યતાનો બેનમૂન નમૂનો છે.