જય વિરાણી, કેશોદ
આખું વિશ્વ અત્યારે કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે બીજી લહેર અંત તરફ તથા ત્રીજી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. આવી પરિસ્થ્તિમાં લોકોને સુરક્ષાકવચ આપવા માટે કોરોના વેક્સિન લેવી અત્યંત જરૂરી છે. સમગ્ર ભારતમાં રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. લોકોને પણ વેક્સિનના બને ડોઝ લેવા પ્રત્યે જાગૃત કરવામાં આવે છે ત્યારે કેશોદના લોકોમાં વેક્સિન લેવા પ્રત્યે કઈંક વધુ જ જાગૃતતા જોવા મળી કે લોકો કોવિડ ગાઈડલાઈનને જ ભૂલી ગયા.
કેશોદની સિવિલ હોસ્પિટલમાં લોકોને વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે મેસેજ કરવામાં આવ્યો હતો. વેક્સિન માટેનો મેસેજ જોઈને લગભગ 300 થી વધુ લોકો વેક્સિન લેવા માટે ઉમટી પડ્યા હતા. હોસ્પિટલની બહાર ડોઝ લેવા માટે ધક્કા-મુક્કી કરતાં લોકો જોવા મળ્યા. લોકોએ કોવિડ ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટન્સના લીરે-લીરા ઉડાડયા.
વેક્સિન લેવા આવેલા લોકોને તંત્રએ જણાવ્યુ કે અત્યારે અમારી પાસે ફક્ત 40 ડોઝ જ છે. આ વાત સાંભળતા લોકોમાં રોષ જોવા મળ્યો. આ મામલાને કાબૂ કરવા માટે અંતે પોલીસ બોલાવવામાં આવી અને અંતે મામલો થાળે પડ્યો હતો. સ્થાનિક વાસીઓએ વેક્સિનનો જથ્થો વધારવા માટે માંગ કરી છે.