કોવિડ-19ની બીજી લહેર સમગ્ર દેશ માટે ઘાતકી નીવડી છે. નવા કેસ અતિ ખતરનાક ગતિએ વધતા મૃત્યુઆંક વધ્યો હતો તો સામે સ્વાસ્થ્ય કટોકટી સર્જાઈ હોય તેમ આરોગ્ય સેવાની ઘટ ઉભી થઈ હતી. મોટાભાગના રાજયોમાં લોકડાઉન લાદી દેવાયું. આવી સ્થિતિમાં ઔદ્યોગિક એકમો બંધ રહ્યા, આર્થિક ગતિવિધિ મંદ પડી. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘લોકડાઉન અંતિમ વિકલ્પ’ છે. એવા સૂચનથી સમગ્ર દેશ લોકડાઉનમાં સપડાયો નથી. જરૂરી એવા સ્થળો પર કડક પ્રતિબંધો લદાયા અને અંતે હવે બીજી લહેર કાબુમાં આવી. આ અંગે ખાતરી આપતા આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે કહ્યું છે કે, બીજી લહેરની વધુ કોઈ અસર અર્થતંત્ર પર થશે નહીં. પરંતુ આ માટે ફીસ્કલ અને નાણાંકીય તરલતાની ખૂબ આવશ્યકતા રહેશે.
જીડીપી આંકડા જારી કરતાં જાન્યુઆરીથી માર્ચની વચ્ચેનો જીડીપી વૃદ્ધિ દર 1.6% હતો. જ્યારે સમગ્ર નાણાકીય વર્ષમાં એટલે કે નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી વૃદ્ધિ દર -7.3% રહ્યો છે. નાણાકીય વર્ષ 2021-21માં રાજકોષીય ખાધનો આંકડો જીડીપીના 9.3% રહ્યો, જ્યારે સરકારે અંદાજ લગાવ્યો હતો કે નાણાકીય વર્ષ 2020-21માં તે જીડીપીના 9.5%ની બરાબર હોઈ શકે છે. એકાઉન્ટ્સના નિયંત્રક જનરલ સીજીએ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, સરકાર દ્વારા આ સમયગાળા દરમિયાન પૂરા પાડવામાં આવેલા આંકડા મુજબ, 2020-21 માટે ભારતની રાજકોષીય ખાધ રૂ. 18.21 લાખ કરોડ હતી. કુલ ખર્ચ 35.11 ટ્રિલિયન રૂપિયા હતો. જોકે, કેન્દ્ર સરકારની આવક ખાધ 7.42 ટકા રહી છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ 56.1% વધ્યું
વાર્ષિક ધોરણે એપ્રિલમાં ભારતનું માળખાગત ઉત્પાદન 56.1% વધ્યું છે. દેશના ઓદ્યોગિક ઉત્પાદનમાં માળખાગત ઉત્પાદનનું યોગદાન લગભગ 40% છે. જો કે, કોરોનાના બીજા તરંગને કારણે માસિક ધોરણે એપ્રિલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉત્પાદન 15.1% ઘટી ગયું છે. બીજી તરંગને કારણે ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ દરને અસર થઈ છે અને સરકારના ખર્ચમાં વધારો થયો હોવા છતાં, રાજકોષીય ખાધ 9.3% રહી છે, જે સરકારે નક્કી કરેલા 9.5% કરતા ઓછી છે, જે દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર છે.
GDP 7. 3% ઘટયો પણ અનુમાન કરતા ઓછો
સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી.સુબ્રમણ્યમે કહ્યું કે કોરોનાની બીજી લહેર દેશના અર્થતંત્ર પર વધારે અસર કરશે નહીં. સરકારે નાણાકીય વર્ષ 2020-21ના જીડીપીના આંકડા જાહેર કર્યા છે. જે મુજબ પાછલા નાણાકીય વર્ષ દરમિયાન જીડીપીમાં 7.3 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડો છેલ્લાં 4 દાયકામાં સૌથી વધુ ઘટાડો છે પણ મહામારીના સમયમાં તે સ્વભાવિક પણ છે. પરંતુ તેમ છતાં રાહતપૂર્ણ વાત એ છે કે અર્થતંત્રને ફટકો અને જીડીપીમાં ઘટાડોએ તો અગાઉની ધારણા અનુસાર નિશ્ચિત જ હતો. અગાઉ ધારણા કરવામાં આવી હતી કે કોરોના મહામારીને કારણે નાણાંકીય વર્ષ 2020-21માં ભારતીય અર્થતંત્રને મોટો ફટકો પડશે. જો કે આ અનુમાન 8 ટકાએ રાખવામાં આવ્યું હતું પરંતુ તેની સામે 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે જે રાહતરૂપ છે. અસલ નુકસાન ધારણાં કરતા ઓછું થયું છે.
નાણાંકીય વર્ષ 2021-22માં GDP ડબલ ડીજીટમાં રહેવાની ધારણા
નાણાંકીય વર્ષ 2020-21 દરમિયાન દેશના અર્થતંત્રને ફટકો જરૂર પડ્યો છે. જેની પાછળ કોરોના મહામારી જવાબદાર છે. ગત વર્ષે જીડીપીમાં 7.3 ટકાનો ઘટાડો થયો છે. જો કે હવે ચાલુ નાણાંકીય વર્ષ 2021-22માં હવે જીડીપી ડબલ ડિજિટમાં રહેવાની ધારણાં છે. દેશના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમએ જીડીપી આંકડા જારી કરતા કહ્યું કે ચાલુ વર્ષે દેશનો વૃદ્ધદર બે આંકમાં રહે તેવી ધારણા છે જે 11ટકા દરનું અનુમાન છે.
સરકાર-આરબીઆઈની દુરંદેશી નીતિ અન્ય વિકાસશીલ દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ સારી
કોરોના મહામારી આવ્યાને બે વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે. તેમ છતાં આ કપરોકાળ હજુ સમી રહ્યો નથી. ખરાબ સ્થિતિમાં આર્થિક નુકસાન થવુંએ પણ સ્વાભાવિક છે. પરંતુ આ નુકસાન કેમ વધુ ને વધુ ઓછું કરી શકાયએ મહત્વપૂર્ણ છે. ભારતે પણ કંઈક આ દિશામાં કામ કરી નુકસાન મહંદઅંશે ઘટાડયું છે. કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના સમન્વયી નિર્ણયને કારણે અર્થતંત્રને વધુ ફટકો પડતાં રોકી શકાયો છે. કારણ કે અન્ય દેશોની તુલનાએ ભારતમાં વસ્તી અને એમાં પણ યુવા વસ્તી વધુ છે.
દક્ષિણ એશિયાઈ દેશમાં ચીન સામે ભારત ઉભરી રહ્યું છે. પાકિસ્તાનની વાત કરીએ તો પાક સાવ તળિયે પટકાઈ ગયું છે. પાકિસ્તાનની જીડીપી તળિયે ઝાટક થઈ ગઈ છે. પાકિસ્તાન જેટલું કમાઈ છે એના કરતાં તેના પર 109 ટકા વધુ તો દેવું છે જ્યારે આ સરખામણીએ ભારતની સ્થિતિ ઘણી સારી છે. પાકિસ્તાનને 109 ટકા ફટકો પડયો છે જ્યારે ભારતને તો માત્ર 7.3 ટકા જ ફટકો પડયો છે.
હજુ વણનોંધાયેલી બચતની મૂડી તો ગણનામાં આવતી નથી!!
ભારતીય અર્થતંત્રની નક્કર અને મજબૂત સ્થિતિને લઈ અત્યારે વિશ્ર્વ જ્યારે આર્થિક મંદીની કસોટીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ભારતમાં મુડી બજાર, ઉદ્યોગ જગતથી લઈને તમામ આર્થિક પરિબળો અડીખમ ઉભા છે. દેશની વણ નોંધાયેલી બચતની પૂંજી પણ કોઈ દેશના જીડીપી કરતા કમ નથી. ભારતીયો કરકસરયુક્ત જીવન અને બચતને પોતાનો ભાઈ માને છે. સોનાની ખરીદીથી લઈ આર્થિક બચતમાં વણ નોંધાયેલી મુડીનો આંક ક્યારેય બહાર આવતો નથી પરંતુ કુબેરના ભંડાર પણ જ્યાં વામણા લાગે તેવી વણ નોંધાયેલી બચતની મુડી પણ અર્થતંત્રનો ખરો આધાર ગણાય છે.