શિક્ષણની સાથે સુરક્ષા ઉત્થાન અંતર્ગત તાલીમ સત્રમાં ઝરપરા – દેશલપર શાળાના 100 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા
આગ લાગે ત્યારે શું કરશો? આગ લાગે ત્યારે કુવો ન ખોદાય! આગ સાથે રમત નહી! અવારનવાર સંભળાતા આવા પ્રશ્નોનો જવાબ ભલે લાગતો હોય પરંતુ જ્યારે ખરેખર આવી બને ત્યારે તેનું મહત્વ સમજાય છે. અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત ફાયર સેફ્ટીની તાલીમાર્થે સત્ર યોજવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં ફાયરસેફ્ટી અને તેમાં કારકિર્દી બનાવવા અંગેની સમજ વિકસે તેવા ઉમદા હેતુથી આયોજીત સત્રમાં ઝરપરા અને દેશલપર માધ્યમિક શાળાના 100થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા.
શિક્ષણની સાથે સુરક્ષા પણ જરૂરી છે. મુંદ્રા ખાતે ફાયર સેફ્ટી સપ્તાહની ઉજવણી દરમિયાન અદાણી પોર્ટ ફાયર સ્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને સલામતીના વિવિધ વિષયો અગે માર્ગદર્શન અને પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી. જેમાં આગના પ્રકારો, ફાયર સેફ્ટીના સાધનો આગથી અને ધુમાડાથી બચવાના ઉપાયો વગેરે વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી. આપત્તિજનક સમયે બાળકોને સ્વબચાવ અને લોકોને બચાવવા કરવા શું કરવું અને શું ન કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.
આગ નિવારણ માટે ફાયર ટેન્કર દ્વારા પાણી છાંટવાની અલગ-અલગ પદ્ધતિઓ અને તેના સાધનો જોવામાં વિદ્યાર્થીઓએ રસ દાખવ્યો હતો. ફાયર સેફ્ટીના ડો. રાકેશ ચતુર્વેદીએ વિભાગનું મહત્વ, કામગીરી અને તેમાં કારકિર્દી બનાવવાની તકો અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. ઉત્સાહી વિદ્યાર્થીઓને ફાયર સ્ટેશન દ્વારા પ્રોત્સાહક ગિફ્ટ આપવામાં આવી હતી.
આવી તાલીમથી વિદ્યાર્થીઓમાં જ્ઞાન-કુશળતા વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા ઉત્થાન સહાયક વનરાજસિંહ રાઠોડે ફાયર સ્ટેશનનો આભાર માન્યો હતો. વિદ્યાર્થીઓ પોતાના ઘર-પરિવારમાં સલામતીનું મહત્વ સમજાવતા થશે અને તેનાથી સમાજમાં જાગૃતિ ફેલાશે. લોકો આગથી થતા નુકશાન અને તેના સંભવિત જોખમથી બચી શકશે.
દેશલપર માધ્યમિક શાળાના આચાર્ય મલયભાઈ સાસાણીએ આ સત્રને ખુબજ ઉપયોગી ગણાવતા ફાયર સ્ટેશન અને અદાણી ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો. ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓને આંગણવાડીથી હાઈસ્કૂલ સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા અનેક લાભો પ્રદાન કરવામાં આવે છે.