નવી પ્રાઇવસી પોલિસીથી યૂઝર્સને વાંધો હોય તો એકાઉન્ટ ડિલીટ કરી નાખે- વોટ્સએપ

આરોગ્ય સેતુ, આઇઆરસીટીસી સહિતની એપ્લિકેશનમાં પણ આ રીતની પ્રાઇવેસી પોલીસીનો અમલ છે તો પછી વોટ્સએપના અપડેટ પર સવાલ શું કામ ??

આજના આધુનીક યુગમાં દરેક પાસા ડિજિટલ બની ગયા છે. એમાં પણ ખાસ સંદેશા વ્યવહારનું માધ્યમ સંપૂર્ણપણે ડિજિટલ બની ગયું હોય, તેમ યૂઝર્સ રાત દિવસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રચ્યા પચ્યા રહે છે. એમાં પણ વોટ્સએપનો વ્યાપ ખૂબ મોટા પ્રમાણમાં છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપ સામે યુઝર્સએ નારાજગી દર્શાવી છે, કારણકે દોઢેક માસ પહેલા વોટ્સએપ દ્વારા નવી પ્રાઇવસી પોલિસી જારી કરવામાં આવી હતી. જેનાથી વપરાશકર્તાઓના ખાનગી ડેટાને હાનિ પહોંચતી હોવાના આક્ષેપ સાથે વોટ્સએપની આ પોલિસીનો મુદ્દો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો છે.

તાજેતરમાં દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી દરમ્યાન આ પોલીસી અંગે દલીલ કરતા વોટ્સએપે જણાવ્યું કે અમે કોઈને પોલીસીનું ફરજીયાત પાલન કરવા અને સહમત થવા દબાણ કરતા નથી. જો કોઈ યુઝર્સને નવી પ્રાઇવસી પોલિસીથી વાંધો હોય તો યુઝર્સ એકાઉન્ટ ડિલીટ કરી નાખે. ટે ટે શું કરો છો….એવા કડક વલણ સાથે વોટ્સએપએ હાઇકોર્ટમાં જવાબ આપ્યો કે અમે કોઈ યુઝર્સને આમંત્રણ આપવા નથી જતા કે તેઓ અમારું પ્લેટફોર્મ યુઝ કરે.

દિલ્હી હાઈકોર્ટ સમક્ષ ફાઇલ કરેલા સોગંદનામામાં, વોટ્સએપએ રજૂ કર્યુ કે, ‘નવી અપડેટ કરવામાં આવેલી પ્રાઇવેસી નીતિ(વર્ષ 2021) અનુસાર યૂઝર્સને તેમના પર્સનલ ડેટાને કોઈ નુકસાન પોહ્ચતું નથી. અને આ સાથે વપરાશકર્તાઓની ગોપનીયતાને કોઈ પણ પ્રકારની અસર કરતું નથી. ફેસબુકની માલિકીની કંપનીએ એફિડેવિટમાં જણાવ્યું કે, ‘અપડેટ કરવું ફરજિયાત નથી, અને વોટ્સએપ કોઈને પણ અપડેટ કરવા માટે મજબુર કરતુ નથી. નવી વોટ્સએપ પોલિસી યુઝરને અપડેટ સ્વીકારવા કે ન સ્વીકારવાની સ્વતંત્રતા આપે છે. તેઓ અપડેટ “ના” કરવાનું પસંદ કરી શકે અથવા મેસેજિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનું બંધ કરી શકે છે. આ સાથે યુઝરને તેમનું વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ કરવાનો વિકલ્પ પણ આપ્યો છે.

મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપએ સોગંદનામામાં એમ પણ જણાવ્યું છે કે, ‘કંપનીએ બહાર પડેલા નવા અપડેટ કોઈ કાનૂની બંધારણ હેઠળ નથી. આરોગ્ય સેતુ, આઈઆરસિટીસી સહિતના બીજા અન્ય પ્લેટફોર્મ દ્વારા જે શરતો અને ગોપનીયતા નીતિ બહાર પાડવામાં આવી છે, તેનું પાલન દરેક વપરાશકર્તા દ્વારા કરવામાં આવ્યું છે. તો હવે વ્હોટ્સએપના નવા અપડેટ પર સવાલ કેમ ઉઠાવવામાં આવે છે. જો તેના 2021ના ​​અપડેટમાં કોઈ દખલ કરવામાં આવશે, તો તે ઇન્ટરનેટ આધારિત એપ્લિકેશન અને વેબસાઇટ્સના સમગ્ર ઉદ્યોગ સાથે અન્યાય ગણાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.