અબતક, રાજકોટ: લોકડાઉન લંબાવાતા સરકારે ખેડૂતોને ખેત જણસી વેચવામાં મુશ્કેલી પડી રહી હોય નવી વ્યવસ્થા ગોઠવી છે આ વ્યવસ્થામાં ખેડૂતોને દલાલો તથા વેપારીઓને કઇ કઇ મુશ્કેલી પડશે તે અંગે ખેડૂત, યાર્ડના સત્તાધીશો, દલાલ વેપારીઓનું શું કહેવું છે તે અત્રે પ્રસ્તુત છે
ડિજીટલ માધ્યમથી ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે: ટી.સી. તીરથાણી
આ તકે રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર ટી.સી.તીરથાણીએ જણાવ્યું હતું કે, લોકડાઉનની પરિસ્થિતિમાં ખેડૂતો હાલાકી ન ભોગવે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા એપીએમસી શરૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. પરંતુ એપીએમસી ખાતે મોટી સંખ્યામાં ખેડૂત-મજૂર-દલાલ-વેપારીઓની હાજરી હોવાને કારણે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી શકાય તે શક્ય નથી ત્યારે રાજકોટ જિલ્લાના તમામ એપીએમસીના ચેરમેનની હાજરીમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ખેડૂતો ટેલીફોનિક રજિસ્ટ્રેશન કરાવી શકશે. જેમાં તેમણે તેમનું નામ, સંપર્ક અને જણસીનો ઉલ્લેખ કરવાનો રહેશે. ત્યારબાદ યાર્ડ દ્વારા ખેડૂતોને ટોકન આપવામાં આવશે અને નિયત સમયે યાર્ડ ખાતે તાલુકાવાઈઝ બોલાવવામાં આવશે. જે કોઈ વેપારી માલની ખરીદી કરવા ઈચ્છતા હોય તે જે તે ગામડે જઈને ખરીદી કરી શકશે. વેપારીઓને પરિવહનની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે. તેને ધ્યાને લઈ આ નિર્ણય કરવામાં આવ્યો છે જે અંતર્ગત આગામી તા.૨૧ એપ્રીલ સુધી ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે અને ત્યારબાદ પોતાની ખેત પેદાશોનું વેંચાણ પણ કરી શકશે.
ખેડૂત-વેપારી પરિવહન માટે હાલાકી ન ભોગવે તેવી વ્યવસ્થા ઉભી કરાશે: ડી.કે. સખીયા
આ તકે રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકડાઉનની પરિસ્થિતિમાં જગતનો તાત હેરાન-પરેશાન ન થાય, આર્થિક સંકળામણ ન અનુભવે તે હેતુસર રાજ્યના તમામ માર્કેટીંગ યાર્ડ શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. ત્યારે લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને લઈ કોઈપણ જાહેર સ્થળ ખાતે લોકોની ભીડ એકત્રીત ન થાય તે હેતુસર રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર તેમજ રાજકોટ જિલ્લાના તમામ માર્કેટીંગ યાર્ડના ચેરમેનની હાજરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતો ટેલીફોનિક રજિસ્ટ્રેશન કરાવી પોતાનો માલ વેંચી શકશે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે વિગતવાર જણાવતા કહ્યું હતું કે, ખેડૂતો માટે ટેલીફોનિક નંબર જાહેર કરવામાં આવશે જેના માધ્યમથી તેઓ ટેલીફોનિક રજિસ્ટ્રેશન કરાવી શકશે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કુલ ત્રણ તાલુકામાંથી મુખ્યત્વે ખેડૂતો પોતાની ખેદ પેદાશ વેંચાણ અર્થે લઈ આવતા હોય છે. જે મુજબ ત્રણેય તાલુકાના ૧-૧ અધિકારી સતત માર્કેટીંગ યાર્ડ ખાતે હાજર રહી સમગ્ર તાલુકાનું સંચાલન કરશે. ખેડૂતોને રજિસ્ટ્રેશન બાદ ટોકન આપવામાં આવશે અને નિયત સમય મર્યાદામાં તેમને સેમ્પલ લઈ યાર્ડ ખાતે આવવાનું જણાવાશે. જે બાદ વેપારીઓ જે તે ગામડાની મુલાકાત લઈ ખરીદી કરશે અને યાર્ડ ધમધમતુ થશે. તેમણે ખેડૂત-વેપારીઓના પરિવહન વિશે જણાવ્યું હતું કે, ખેડૂત અને વેપારી હાલાકી ન ભોગવે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તેમજ અગાઉ રાજ્ય સરકાર દ્વારા જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ તેમજ કૃષિ ક્ષેત્ર સાથે સંલગ્ન ચીજવસ્તુઓના પરિવહન માટે છુટછાટ આપવામાં આવી છે. તેમણે સેમ્પલના આધારે થતી ખરીદી વિશે જણાવતા કહ્યું હતું કે, સેમ્પલ પ્રક્રિયામાં કોઈપણ જાતની છેતરપિંડી થવાની શકયતા નથી. કેમ કે જ્યારે ખેડૂત સેમ્પલ લઈને આવશે ત્યારે સંપૂર્ણ ચકાસણી થશે તેમજ વેપારી જ્યારે ખરીદી કરવા જશે ત્યારે માલની તપાસ કરીને જ ખરીદી કરશે.
હાલની પરિસ્થિતિ પ્રમાણે યાર્ડ ધમધમતુ કરવું અશક્ય: અતુલ કમાણી
આ અંગે માર્કેટીંગ યાર્ડ વેપારી એસોશીએશનના પ્રમુખ અતુલ કમાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં પણ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની ચિંતા કરવામાં આવી છે તે ખૂબજ પ્રશંસનીય છે પરંતુ લોકડાઉન સમયે યાર્ડ શરૂ કરવું એ પણ અશક્ય છે. કેમ કે, પ્રથમ તો ખેડૂતો યાર્ડ સુધી કઈ રીતે પહોંચશે તે સળગતો સવાલ છે. ઉપરાંત યાર્ડ ખાતે કાર્યરત તમામ મજૂરો પરપ્રાંતિય હોવાને કારણે તેઓએ હિઝરત કરી છે. જેના પરિણામે હાલ યાર્ડ ખાતે મજૂરોની ખુબજ મોટી ઘટ છે. તે ઉપરાંત પણ સેમ્પલ સીસ્ટમથી ખરીદી કરવી પણ વેપારી અને ખેડૂતો માટે અશક્ય છે. કેમ કે, કોઈપણ ખેડૂત જ્યારે પોતાની ખેત પેદાશનું સેમ્પલ લઈને આવશે તો તે સેમ્પલ પ્રમાણે માલ હશે તેની કોઈ ખાતરી નથી તેવા સંજોગોમાં વેપારીઓએ ધક્કા ખાવા પડશે અને વેપારીઓની સાથે સાથે સેમ્પલ લઈને આવવામાં પણ ખેડૂતોએ ખુબ હાલાકી ભોગવવી પડશે. તેમણે કહ્યું હતું કે, હાલના સંજોગોમાં યાર્ડ શરૂ નહીં કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકડાઉનના નિર્ણયને વધાવવો જોઈએ. કેમ કે, માર્કેટીંગ યાર્ડ એવું સ્થળ છે કે જ્યાં દરરોજ હજ્જારોની સંખ્યામાં લોકોની અવર-જવર રહેતી હોય છે જેના પરિણામે મહામારી વધુ ફેલાય તેનો પણ ભય રહેલો છે. તો કહી શકાય કે, હાલની પરિસ્થિતિ પ્રમાણે યાર્ડ ધમધમતું કરવું અશ્ક્ય છે.
વહીવટી તંત્ર ખેડૂતના ખેતર સુધી કેમ નથી પહોંચતું? : મનિષ દોશી
કોંગ્રેસના પ્રવકતા મનિષ દોશીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સરકાર ચૂંટણી સમયે એમ કહે છે કે, અમે પછાત વિસ્તારો સુધી પણ પહોંચ્યા છીએ અને વિકાસ કામો કર્યા છે. ત્યારે હવે પ્રશ્ર્ન એમ થાય છે કે, સરકારના હાથ નીચે કામ કરતું વહીવટી તંત્ર ખેડૂતના ખેતર સુધી કેમ પહોંચી શકતું નથી. હાલના સમયમાં ખેડૂતને વાહનની તકલીફ, સિટી સુધી પહોંચવાની તકલીફ છે. આવા સમયે યાર્ડ સુધી તેઓને લંબાવવા અયોગ્ય છે. સરકારને આ મહામારી દરમિયાન ખરેખર ખેડૂતને મદદરૂપ થવું છે કે, ખેડૂતને પાયમાલ કરવા છે તે ખબર નથી પડતી. આ મહામારી વચ્ચે ખેડૂત જનજીવનને ટકાવે છે ત્યારે સરકારની ફરજ બને છે કે, તે પણ ખેડૂતને ટકાવે.
યાર્ડ શરૂ કરવા મુદ્દે ખેડૂત-વેપારી બન્ને હાલાકી ભોગવશે: હિતેશ પટેલ
આ તકે રાજકોટ માર્કેટીંગ યાર્ડના વેપારી હિતેશ પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલના સમયમાં માર્કેટીંગ યાર્ડ શરૂ કરવું એ હિતાવહ નથી. કેમ કે, પ્રથમ તો સોશ્યલ ડિસ્ટન્સનો મુદ્દો ખુબજ ગંભીર છે જે યાર્ડ ખાતે જાળવવો અસંભવ છે. તે ઉપરાંત મજૂરની પણ મોટી ઘટ છે જે મુદ્દો પણ ખુબ અસરકર્તા છે. તેમણે વિગતવાર જણાવતા કહ્યું હતું કે, જો સેમ્પલ સીસ્ટમ શરૂ કરવામાં આવે તો પ્રથમ તો પરિવહનનો મુદ્દો પડકારજનક બનશે. કેમ કે, જ્યારે ખેડૂત યાર્ડ ખાતે આવવા નીકળશે તો તેમને રસ્તામાંથી જ પરત મોકલી દેવામાં આવશે. ઉપરાંત સેમ્પલ સીસ્ટમમાં અગાઉ પણ વેપારીઓ છેતરાયા છે. તો સેમ્પલ સીસ્ટમ પણ હાલના સમયમાં ફાયદાકારક સાબીત નહીં થાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યેનકેન પ્રકારે જો યાર્ડ શરૂ કરી દેવામાં આવે તો પેમેન્ટ માટે પણ ખેડૂતોએ હાલાકી ભોગવવી પડશે. કેમ કે, જ્યારે ફિઝીકલી સોદો કરવામાં આવતો હતો ત્યારે કેશ સીસ્ટમથી નાણાની ચૂકવણી કરાતી હતી પરંતુ હાલ ફક્ત આરટીજીએસ સીસ્ટમથી જ પેમેન્ટ કરી શકાશે તો ખેડૂતોએ પેમેન્ટ માટે પણ રાહ જોવી પડશે. તેમણે ઉકેલ વિશે જણાવતા કહ્યું કે, કોઈપણ વેપારી જે તે તાલુકામાં થતી ખેતપેદાશો વિશે અવગત હોય છે ત્યારે વેપારીઓની ટીમ બનાવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વેપારીઓના પાસ ઈસ્યુ કરવામાં આવે અને જો વેપારીઓ જે તે ગામડામાં જઈને વેપાર કરે તો જ આ પરિસ્થિતિમાં યાર્ડ ધમધમતું થઈ શકે છે.