પૃથ્વી પર 70 ટકા પાણી અને બાકી જમીન હોવાથી દરિયા અને જમીનના તળમાં થતા ફેરફારને કારણે ભૂકંપ આવે છે: ઋતુઓના બદલાવની અસરથી પણ ભૂ-કંપ આવે છે
કચ્છનો ભૂકંપ આપણને યાદ છે . કચ્છ ઝોનમાં અવારનવાર ભૂકંપ આવતા રહે છે. લોકોમાં હવે તો જનજાગૃતિ આવી ગઇ છે તેથી બચાવ કામગીરી ઝડપી બની છે. ધરતીકંપ, ભૂકંપ, આંચકા કે આફટર શોક જેવા શબ્દો આપણે બોલીયે છીએ. ભૂકંપ જયાંથી ઉત્પન થાય તે ભંગાણના બિંદુને તેનું કેન્દ્ર બિંદુ કહે છે. પૃથ્વીના પડોમાં અચાનક ઉર્જા મુકત થવાથી સર્જાતા ધ્રુજારીના કંપનોને ધરતી કંપ કહે છે. પરંતુ આ ધરતીકંપને ઠંડી સાથે શુ લેવા દેવા કગે તેનાથી આપ સૌ અજાણ હશો. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ઠંડીનો કાતિલ દોર શરૂ થઈ ચૂક્યો છે અને ઠંડી વધવાની સાથોસાથ ભૂકંપના આંચકા પણ વધી રહ્યા છે તે દર વર્ષે થતી પ્રકિયા છે. શિયાળાની ઋતુમાં દર વર્ષે આંચકો અનુભવાતા હોય છે ત્યારે ગીરના તાલાલા પંથકમાં છેલ્લા અઠવાડિયામાં 50થી વધુ નાના મોટા આચકાઓ આવ્યા છે.જો કે શિયાળામાં ઠંડી વધવાની સાથોસાથ જ આંચકાઓ કેમ વધે છે તે સવાલ છે ખાસ તો સૌરાષ્ટ્રમાં ગીર પંથક અને કચ્છના વિસ્તારોમા સૌથી વધુ કંપનો અનુભવાઇ રહ્યા છે. ગીર પંથકના પેટાળમાં કાળમીંઢ પથ્થરો અને ખડકો હોવાનું અગાઉના સમયમાં સામે આવ્યું હતું.ચોમાસાની ઋતુ દરમિયાન ભૂગર્ભમાં ઉતરતું પાણી હવે શિયાળામાં ઠંડા પવન ફૂંકાવાની સાથે ખેડુતો પિયત માટે પાણીનો વપરાશ કરે છે ત્યારે પાણીના વધતા વપરાશને કારણે ભૂગર્ભ જળ ઓછું થવા લાગ્યું છે. જેથી ખડકોના ઘસારાથી થતી હિલચાલ ને કારણે હળવા થી મધ્યમ આંચકાઓ અનુભવાઇ છે. ચોમાસા બાદ શિયાળો શરૂ થતાં પાણીનો વપરાશ વધે છે જેથી જમીનની અંદર રહેલી પ્લેટો જગ્યા બનાવે છે જેથી પ્લેટોનું હલન ચલન થાય છે અને આચકાઓ આવે છે. ત્યારે ગીરના તાલાલા પંથકમાંના 11 થી 15 કિમીના એરિયા માં જ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાય છે કેમ કે તાલાલા વિસ્તાર ગિરનો ગરવો ડુંગર અને ઘોઘાની વચ્ચે આવેલો વિસ્તાર છે ઘોઘામાં તાજેતરમાં જ 2 લાખ સ્કેવરમીટર જગ્યા જમીનથી 40 ફૂટ ઊંચી આવી જતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે તેનું એક કારણ જ્વાળામુખી પણ હોઈ શકે. ગિરનો ડુંગર પણ જ્વાળામુખીની લાવાથી બનેલો છે જેથી તાલાલા વિસ્તાર માં સૌથી વધુ આંચકાઓ અનુભવાઇ રહ્યા છે. તાજેતરમાં જ છેલ્લા અઠવાડિયામાં તાલાલામાં કુલ 50 જેટલા આંચકા આવ્યા છે જેનું મૂળ પેટાળમાં આવેલા ખડકો અને કાળા પથ્થરોના હલન ચલનનું માનવામાં આવી રહ્યું છે. તાલાલા સાહિતમાં ગ્રામ્ય પંથકોમાં ઠંડા પવનોનો કાતિલ દોર શરૂ થયો છે જેથી આંચકાઓનું પ્રમાણ પણ વધ્યું છે. ભૂસ્તરિય હિલચાલ થતા ગીર પંથકમાં રાજ્ય સરકાર નિષ્ણાતો પાસે સર્વે કરાવે અને માહિતગાર કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
એકદમ સામાન્ય ભાષામાં કહીએ તો, જેનાથી ભૂ-કંપનો ઉભા થાય એવા ધરતીના પેટાળમાં થતાં કોઇપણ પ્રકારના હલનચલનને દર્શાવવા ધરતીકંપ શબ્દ ચલણમાં છે. પછી ભલે તે કુદરતી ધટના હોય કે માનવ સર્જીત ધટનાને કારણે સર્જાયા હોય, મોટા ભાગે ભૂસ્તરોમાં ભંગાણ થવાથી ભૂ-કંપ પેદા થાય છે. ધ્રુજારી આંચકા દ્વારા અને કોઇક વખત જમીન ખસેડીને ભૂકંપ ધરતીની સપાટી પર બહાર આવે છે.
3.5ની સુધીની તીવ્રતાના ભૂકંપનું કોઈ મહત્વ હોતું નથી
છેલ્લા અઠવાડિયામાં સૌરાષ્ટ્રના તાલાલામાં ભૂકંપના 50થી વધુ આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે જો કે હવામાન શાસ્ત્રીઓની દ્રષ્ટિએ 3.5 સુધીની તીવ્રતા ધરાવતા ભૂકંપનું કોઈ મહત્વ હોતું નથી કેમ કે, દુનિયાભરમાં દરરોજ 500 થી લઇ 1 હજાર સુધીમાં 2 થી 2.5ની તીવ્રતાના આંચકા આવતા હોય છે આવા આંચકા સામાન્ય હોય છે. આ આંચકાઓથી કોઈ જાનહાનીના સમાચાર આજ સુધી પ્રાપ્ત થયા નથી જેથી આવા આંચકાનું કોઈ મહત્વ નથી અને લોકોએ ગભરાવાની જરૂર નથી.
ધરતીકંપ અને જ્વાળામુખી
જવાળામુખી ધરાવતા વિસ્તારોમાં વારંવાર ધરતીકંપ થતા હોય છે. આવા વિસ્તારોમાં ટેકટોનિક ભંગાણો અને જ્વાળામુખીમાં લાવાના હલનચલન એમ બંને કારણોસર ભૂકંપ આવી શકે છે. આવા ધરતીકંપ જવાળામુખી ફાટવાની ચેતવણીરૂપ હોય છે. જવાળામુખી ધરાવતા વિસ્તારોમાં વારંવાર ધરતીકંપ થતાં હોય છે. મોટાભાગે ધરતીકંપ એકબીજા સાથે સ્થળ અને સમય સંદર્ભે સંબંધીત હોય છે. અને કોઇક શ્રેણીનો ભાગ હોય છે. ધરતી કંપના મુખ્ય આંચકા પછી આવતા આંચકાઓને અનુવર્તી આંચકા કે આફટર શોક કહેવાય છે. જે એક પ્રકારનો ધરતી કંપ જ છે. એટલે જ જયાં ભૂકંપ આવે ત્યાં આવા આંચકા આવતા જ રહે છે. જે મોટા ભાગે ઓછી તીવ્રતા વાળા હોય છે. ચોકકસ વિસ્તારમાં કોઇ ટુંકા સમયગાળા દરમ્યાન જો શ્રેણી બઘ્ધ ધરતી કંપો આવે તો તેને ધરતી કંપની હારમાળા કહે છે.
ચોમાસામાં પણ ધરતીનું કંપન વધે છે
ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં વરસાદની સાથોસાથ ભૂકંપના આંચકોઓ નવી જગ્યાએ નોંધાયા હતા. જામનગરના લાલપુર, મોરબી અને રાજકોટ સહિતના વિસ્તારોમાં આંચકાઓ આવ્યા હતા ત્યારે વધુ વરસાદ પણ ભૂકંપનું મુખ્ય કારણ છે કેમ કે જેમ વરસાદનું પ્રમાણ વધે તેમ ધરતીના પેટાળમાં પાણીની સપાટી વધે છે ત્યારે પાણી જમીનમાં જયારે જગ્યા કરે છે ત્યારે ખડકો અને પથ્થરો વચ્ચે હિલચાલ ઉભી થવાથી કંપન અનુભવાય છે.