જુસ્સો અને મોરલ તોડવા ખાતાકીય તપાસની આંટી ઘુંટીમાં ફસાવાના પ્રયાસો

સામાન્ય રીતે ફોજદાર જયદેવ પોતાની રીતે ગુન્હા અને ગુન્હેગારો અંગે માહિતી મેળવતો હતો પરંતુ અમુક નવા ઉમંગવાળા યુવાન કોન્સ્ટેબલો પણ જયદેવને ખાનગીમાં મળી ધોરાજી શહેર વિસ્તારમાં શું શું ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલે છે તેની માહિતી આપતા હતા.

એક દિવસ ચંદ્રભાણ નામના કોન્સ્ટેબલે તેને માહિતી આપી કે પોલીસ સ્ટેશનની બાજુમાં જ આવેલ બ્લ્યુ સ્ટાર સિનેમામાં વર્ષોથી એક બજજર નામનો દાદો એટલે કે માથાભારે શખ્સ સિનેમાની ટીકીટોના કાળાબજાર કરાવે છે. આઝાદી પહેલાનું આ ધોરાજી કોમ્યુનલ કેન્દ્ર હતું. તે સમયે આ શખ્સે કોઈ તોફાનોમાં આગેવાની લઈ ભાગ ભજવેલ તેથી તે દાદો કહેવાતો હતો બાકી આમ તો તેની વાતમાં કોઈ દમ ન હતો. ધોરાજીમાં ગુન્હાનું પ્રમાણ વધારે હોય અધિકારીઓ તથા કર્મચારીઓ સતત તેમાં જ વ્યસ્ત રહેતા તેથી આ ટીકીટોના કાળાબજારના સામાન્ય ગુન્હા માટે સમય ન હતો અને અન્ય પોલીસવાળા આ બજજરની દાદાની છાપ ના કારણે રેઈડ કે કેસ કરતા નહી તેથી તેનું પ્રમાણ ખૂબ વધી ગયેલું અને કાળા બજારીયા બેફામ થઈ ગયેલા. ચંદ્રભાણે કહ્યું કે બજજર માણસો રાખીને આયોજનપૂર્વક કાળાબજાર કરે છે અને તેને સંસદસભ્ય સાથે પણ ઘનિષ્ઠ સંબંધ છે આમ તેણે આડકતરી ચેતવણી આપી. વધુમાં કહ્યું કે આને કારણે પોલીસ સ્ટેશન બાજુમાં જ હોય ખાતાની છાપ પણ બગડે છે. તેથી કેસ કરવો જ‚રી છે.

વાત ચાલુ હતી ત્યારે મેટરની શોનો જ સમય હતો. જયદેવે કહ્યું ચાલો થોડા માણસો લઈને રેઈડ જ કરી નાખીએ ચંદ્રભાણે કહ્યું કે જુના જમાદારોને અત્યારે જ રેઈડ પહેલા વાત કરતા નહી કેમ કે તો રેઈડ જ નિષ્ફળ જશે અને વળી આ વાત કરશો તો સાથે આવવાની પણ શંકા છે. બીજા ખોટા બહાના કાઢશે. એમ કરો બળવંતસિંહને સાથે લઈ લો. આમ ત્રણે જણા ચુપચાપ ચાલીને બ્લ્યુસ્ટાર સિનેમાના કમ્પાઉન્ડમાં આવ્યા ત્યાં પુષ્કળ લોકો હતા અને એક દિવાલ પાસે મોટુ ટોળુ વળેલ હતું વચ્ચે એક યુવાન કાંઈક આપ-લે કરતો હતો અને લોકો તે લેવા પડાપડી કરતા હતા. ત્રણે જણા ટોળામાં જઈ આ યુવાનને પકડી લીધો તેના દરેક ખીસ્સા ચલણી નોટો અને સિનેમાની ટીકીટોથી ભરેલા હતા. ચાલુ મેટરની શોની કુલ ૧૦૫ ટીકીટો જુદા કલાસની હતી તથા ચલણી નોટો પુષ્કળ હોય તેને પોલીસ સ્ટેશને જ લઈ લેવા માટે જયદેવે કહ્યું પણ આ તો પેલા બજજર દાદાનો ભત્રીજો હતો તે બિન્દાસ હતો. તેણે કહ્યું ચાલો શું છે ? તેને એમ કે અગાઉની માફક આ પણ નાટક જ હશે. તેથી દરવાજા પાસે લઈ જઈને જવા દેશે પરંતુ જયદેવ પોલીસ સ્ટેશન તરફ વળતા જ તે યુવકે પોલીસ સ્ટેશને આવવાની આના કરી અને પોલીસે બળજબરી કરી તો તે જમીન ઉપર સુઈ ગયો. તેને લાગ્યુ કે હવે ચાલે તેમ નથી જેલમાં પુરી જ દેશે. જયદેવે તેને સમજાવ્યો પણ તે માન્યો નહી. ચંદ્રભાણ અને બળવંતસિંહે તેને પરાણે ખેંચતા રાડારાડ કરી મુકી. આથી સિનેમા જોવા આવેલા માણસોનું ટોળુ એકઠુ થવા લાગ્યું અને એવી છાપ પડવા લાગી કે પોલીસ કાંઈ કરી શકતી નથી. જેથી જયદેવે તેનો ચમત્કાર બતાવ્યો. આથી તે ભોઠો પડયો અને ઉભો થઈ ચાલવા લાગ્યો પણ ચાલતા ચાલતા ટોળામાંના તેના સાગ્રીતને કહ્યું કે કાકાને કહે જે કે મારી બરાબર સર્વિસ થઈ ગયેલ છે.

આ આરોપીને પોલીસ સ્ટેશને લાવતા જ કડકસીંગ વિગેરે જમાદારોને ખબર પડી કે ફોજદાર જયદેવ મોટા ‘સાપ’ને પકડી લાવેલ છે આથી તમામ ધીમે-ધીમે પોલીસ સ્ટેશનથી રફુચકકર થઈ ગયા કે આ દાદા જોડે કોણ દુશ્મની કરે. જયદેવે મળેલ ટીકીટો તથા મળેલ ચલણી નોટો ગણીને મુંબઈ પોલીસ એકટ (ક) ૩૩,૧૩૧ મુજબ કાર્યવાહી ચાલુ કરી દીધી.

થોડીવારમાં જ ગામમાંથી પોલીસ સ્ટેશનમાં ટેલીફોન આવવા લાગ્યા. આથી જયદેવે પી.એસ.ઓને કહ્યું કે તમે જ દરેક સાથે વાત કરી લો કે કાયદેસરની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. જયદેવ લઈને મુકે તેવો ન હતો.

પોલીસ સ્ટેશનેથી ચાલ્યા ગયેલા જમાદાર કડકસિંહ થોડીવારે પાછા પોલીસ સ્ટેશને આવ્યા અને જયદેવ પાસે આવી ધીમેથી કહ્યું કે આ તો વર્ષોથી ચાલે છે કોઈ કાંઈ કરતુ નથી તમે શા માટે દુશ્મની વહોરો છો ? જયદેવે તેમને કહ્યું શાની દુશ્મની ? ગુનેગાર સામે કાયદેસર કાર્યવાહી કરવાની તે દુશ્મની છે ? પરંતુ બજજર દાદાએ કડકસિંહને

ખુબ દબાણ કરેલુ કે ગામ આખામાં વર્ષોથી રહેલી પ્રતિષ્ઠા નો સવાલ છે ગમે તે કરી ફોજદાર ને સમજાવી છોકરાને પાછો લઈ આવો કડક સિંહે પોતાના અવાજનો ટોન નમ્ર બનાવી વિનંતી કરી કે જે થયું તે હવે પડતુ મુકોને પરંતુ જયદેવે જરા પણ મચક આપી નહિ આથી કડકસિંહે ફરિયાદ લખી રહેલા બળવંતસિંહને કહેવા લાગ્યા કે સાહેબ નવા છે તેથી નથી જાણતા તમે જુના થઈ કાંઈ નથી સમજતા? આતો ગામનું બેલેન્સ છે. બળવંતસિંહને પોતાની મર્યાદાની ખબર હતી. જયદેવ હવે છોડે તેમ હતો નહી આથી ગુન્હો દાખલ થઈ બધી કાર્યવાહી પુરી થયા બાદ બળવંતસિંહે જયદેવને આ આરોપીને જામીન ઉપર છોડી દેવા સમજાવી લીધો જયદેવને પણ બળવંત સિંહ પાસેથી હજુ ઘણા કામ કરાવવાના હતા આથી તેણે બાંધ છોડ કરી આરોપીને જામીન ઉપર છોડી દીધો.

આ બ્લ્યુસ્ટારનાં બજ્જરદાદાના અડ્ડાને તોડી નાખ્યાના સમચાર આખા ધોરાજી તાલુકામાં ફેલાઈ જતા સન્નાટોથઈ ગયો ચર્ચા થવ લાગી કે એમપીનું પણ ફોજદારે ન રાખ્યું? અને વધારામાં સર્વીસ પણ થઈ ગઈ.

પોલીસ સ્ટેશનનાં તમામ કર્મચારીઓને જયદેવની આ રેઈડની વાતમાં બાંધછોડ નહી કરવાની હિંમત બદલ ગૌરવ થયું આ રેઈડની વાત ગુનેગાર આલમો અને દાદાઓ પાસે બહારપૂરા, ખાટકીવાડ, પીરખાના ચોકમાં તથા રાજકીય અડ્ડા ખળાવાડ પ્લોટ અને અવેડા ચોકમાં પણ પહોચી ગઈ અને ખૂબ ચર્ચા થઈ તેના તિવ્ર પ્રત્યાઘાત પડયા પરંતુ આ પ્રત્યાઘાત પોલીસની નૈતીક હિંમત વધારતા પડયા હતા.

બે ચાર દિવસતો બજ્જરદાદાએ કોઈ કાર્યવાહી કરી નહી પરંતુ તેના હિતેચ્છુઓ આ બનેલ બનાવનો ખરખરો કરવા આવવા લાગ્યા તથા ખોટુ થયું તેમ વાતો થતા બજ્જરને ખૂબ લાગી આવ્યું અને પોતાની જીંદગીમાં પ્રથમ વખત બેઈજજતીની લાગણીની અનુભૂતી થતા તેણે જયદેવ વિ‚ધ્ધ લેખીત અરજીઓ ઉચ્ચ અધિકારીઓને કરી જ દીધી આ ઈન્કવાયરી ઘણો લાંબો સમય ચાલી પરંતુ જયદેવે સમાધાન કરવા માટે કોઈ મચક આપી જ નહિ. તેણે તેની ‘બહુજનહીતાય બહુજન સુખાય’ કાર્ય પધ્ધતિ ચાલુ જ રાખી.

સામાન્ય રીતે પોલીસ ખાતામાં કોઈ અધિકારી કે કર્મચારી વિ‚ધ્ધ અરજી થાય એટલે જે તે ને સમાધાન માટે મજબુર થવું પડે છે. જો ઈન્કવાયરી કરનાર અધિકારીને કયારેય કોઈક પૂર્વ ગ્રહ થયો હોય તો તે કર્મચારીને આ અરજી વડે પાડી દેવાના પેંતરા બદલો લેવા માટે કરે છે. આથી જેના વિ‚ધ્ધ અરજી થયેલ હોય તે અધિકારીએ બચવા માટે કાંતો અરજી કરનાર ગુનેગાર સાથે સમાધાન કરવું પડે અથવા તો ઈન્કવાયરી અધિકારીના ગોઠણીયે પડીને તેના કાયમી તાબેદાર બનવાનું રહે અને પોતાની આગવી કાર્ય શૈલીને તીલાંજલી આપી જેતે ઈન્કવાયરી અધિકારી જે સુપીરીયર જ હોય છે તેના આદેશ મુજબ ઈચ્છા મુજબ કાર્ય કરવું પડે છે.

આ બંનેને તાબે નહિ થનાર કર્મચારી અધિકારીને ખાતાકીય તપાસનો સામનો કરવો પડે છે. તેની અર્ધન્યાયીક તપાસ સુનાવણી (ટ્રાયલ) થાય છે. તેમાં વકીલને બદલે મિત્ર રાખવા પડે છે. મફત તો ભાગ્ય શાળી હોય તો મીત્ર મળે. વળી આ ખાતાકીય તપાસની તેની સર્વીસ બુકમાં પણ નોંધ થાય તે જુદી એકંદરે એમ કી શકાય કે પોલીસ ખાતામાં તલવારની ધાર ઉપર જ ચાલવું પડે છે.

પરંતુ જયદેવ ભાગ્યશાળી હતો તેને સુથાર જેવા સીનીયર ફોજદાર મળ્યા હતા તેથી જયદેવ પોતાની રીતે જ કામ કરવાનું ચાલુ રાખ્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.