વડોદરાના ગોઝારા અકસ્માત પહેલા રક્ષિત, પ્રાંશુ અને સુરેશે 45 મિનિટ ઘરમાં શું કર્યુ હતુ?
વડોદરાના રક્ષિતકાંડમાં ‘અનધર રાઉન્ડ’ના રહસ્ય પરથી પડદો હટ્યો
પણ મિસ્ટ્રી ગર્લ નિકિતા કોણ છે
Vadodara Raxitkand : આખા દેશમાં વડોદરાના અકસ્માતની ચર્ચા ચાલી રહી છે. લોકો અકસ્માત કરનાર રક્ષિત ચોરસિયા પર ધિક્કાર વરસાવી રહ્યા છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં પકડાયેલા આરોપી રક્ષિત અને તેના બે મિત્રોના ઘરે પોલીસે રવિવારે તપાસ કરી હતી. તેમના ઘરેથી મળેલી શંકાસ્પદ વસ્તુઓનું પંચનામું કરી કબજે લેવામાં આવી હતી. આ વસ્તુઓની તપાસ માટે પોલીસે મોકલી આપવામાં આવી છે. આ કેસમાં માહિતી એવી પણ મળી રહી છે કે, રક્ષિત હોળીની રાત્રે રિક્ષામાં એરપોર્ટ સર્કલ ગયો હતો. સુરેશ ત્યાંથી ટુ-વ્હીલર પર રક્ષિતને તેના ઘરે લઈ અને ત્યારબાદ પ્રાંશુ પણ ત્યાં આવ્યો હતો. રક્ષિત, પ્રાંશુ અને સુરેશ પોણો કલાક તેના ઘરમાં જ રહ્યા હતા. જોકે, ત્યાં આ લોકોએ શું કર્યું તે પણ તપાસનો વિષય છે. નોંધનીય છે કે, અકસ્માતની જાણ થયા બાદ મુખ્ય આરોપી રક્ષિત ચોરસિયાના પરિવારમાંથી કોઈપણ તેને મળવા આવ્યા નથી.
- વડોદરાના રક્ષિતકાંડમાં ‘અનધર રાઉન્ડ’ના રહસ્ય પરથી પડદો હટ્યો, પણ મિસ્ટ્રી ગર્લ નિકિતા કોણ છે?
Vadodara Hit And Run : વડોદરામાં હિટ એન્ડ રન કેસમાં રક્ષિતને ફરી કોર્ટમાં રજૂ કરાશે… બે દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થશે કોર્ટમાં રજૂ કરાશે… રક્ષિત પોલીસ તપાસમાં નથી આપી રહ્યો સહયોગ… અકસ્માત બાદ રક્ષિતે પાડેલી બૂમો પર હજુ કોઈ જવાબ નહીં
વડોદરા શહેરમાં થયેલા રક્ષિત કાંડ હવે નેશનલ સ્તરે ચમકી રહ્યો છે. બોલિવુડ હસ્તીઓ પણ આ મામલે નિવેદન આપી ચૂક્યા છે. ત્યારે આરોપી રક્ષિત હાલ બે દિવસના પોલીસ રિમાન્ડ પર છે. આજે રક્ષિતના બે દિવસમાં રિમાન્ડ પૂરા થશે. પરંતું જાણવા મળ્યું કે, પોલીસ તપાસમાં આરોપી રક્ષિત સહકાર નથી આપી રહ્યો. આરોપી પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યો છે. જોકે, રક્ષિત ચૌરસિયાના અનધર રાઉન્ડનું રહસ્ય ખૂલી ગયુ છે, પરંતુ નિકિતા કોણ છે તે રહસ્ય પરથી હજી પડદો ઉંચકાયો નથી.
નિકિતા કોણ છે
ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 25 જેટલા સીસીટીવી ચેક કર્યા છે. આરોપી કેટલી સ્પીડમાં કાર લઈને નીકળ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. રક્ષિતે અકસ્માત બાદ ‘અનધર રાઉન્ડ’ અને નિકિતા શબ્દનો બૂમો પાડી હતી. ત્યારે ‘અનધર રાઉન્ડ’ નું રહસ્ય ખૂલી ગયું છે, પરંતું નિકિતાના નામ પર હજુ રહસ્ય અકબંધ છે. નિકિતા રક્ષિતની કોણ લાગે છે તે હજી જાણવા મળ્યું નથી.
અનધર રાઉન્ડ શું છે
પોલીસે રક્ષિત ચૌરસિયાના ઘરની તપાસ કરી હતી. જેમાં Another Round લખેલી એક ફ્રેમ મળી આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે Another Round ડેનિશ ભાષાની એક જાણીતી ફિલ્મ છે, જે 2020માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનો પ્રધાન વિષય છે – ચાર મિત્રો, જે એક વૈજ્ઞાનિક પ્રયોગના આધારે નશાનું સ્તર જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. ફિલ્મના મુખ્ય પાત્રો માનતા હોય છે કે શરીરમાં નાનકડું આલ્કોહોલ લેવલ જાળવવાથી માણસ વધુ આત્મવિશ્વાસી અને સર્જનાત્મક બની શકે. આ સિદ્ધાંત માનસશાસ્ત્રી ફિન સ્કોર્ડેસડના અભ્યાસ પર આધારિત છે, જે જણાવે છે કે 0.05% બ્લડ આલ્કોહોલ લેવલ જાળવવાથી માણસની કાર્યક્ષમતા વધે છે. પોલીસ તપાસ દરમિયાન એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે રક્ષિત ચૌરસિયા આ ફિલ્મથી પ્રભાવિત હતો. તેના મકાનમાં ‘Another Round’ નામની ફોટોફ્રેમનો અસ્તિત્વ એ દર્શાવ છે કે તે આ વિચારધારા સાથે સંકળાયેલો હતો.
જોકે, સમગ્ર કેસમાં અકસ્માત સર્જ્યા બાદ ગાડીમાંથી ઉતરીને રક્ષિતે નશાની હાલતમાં Another Round’ શબ્દો કેમ બોલ્યો તે વિષય પર તપાસ ચાલુ છે. અકસ્માત અને અનધર રાઉન્ડ વચ્ચે શું સંબંધ છે તે પોલીસ શોધી રહી છે.
અકસ્માત પહેલા શું કર્યું હતું
મળતી માહિતી પ્રમાણે, હોળીની રાત્રે આ અકસ્માત કરતા પહેલા રક્ષિત રિક્ષામાં એરપોર્ટ સર્કલ પહોંચ્યો હતો. એરપોર્ટ સર્કલ પાસે સુરેશ ભરવાડ આવ્યો અને ટુ-વ્હીલર રક્ષિતને ગધેડા માર્કેટ વિસ્તારના તેના ઘરે લઈ ગયો હતો. ત્યારે રક્ષિત જ ટુ-વ્હીલર ચલાવ્યું હતું અને સુરેશ પાછળ બેઠો હતો. પાર્કિંગ કરતી વખતે રક્ષિતે સ્લોપને કારણે ત્રીજા પ્રયાસમાં વાહન લઈ ગયો હતો. વાહન પાર્ક કયાં બાદ રક્ષિત હાથમાં પ્લાસ્ટિકની બોટલ લઈ સુરેશ સાથે ઘરની અંદર ગયો હતો. જે બાદ લગભગ 13 મિનિટ બાદ પ્રાંશુ ફોક્સ વેગનને લઈને સુરેશના ઘરે પહોંચ્યો હતો. રક્ષિત, સુરેશ અને પ્રાંશુ રાત્રે 10.30થી 11.25 કલાક સુધી ઘરની અંદર હતાં. આ લોકોએ પોણો કલાક ઘરમાં શું કર્યું તે અંગેની પણ તપાસ ચાલી રહી છે. સુરેશના ઘરેથી નીકળ્યા બાદ રક્ષિતે કાર ચલાવી હતી અને પ્રાંશુ બાજુમાં બેઠો હતો. જે બાદ મોડી રાત્રે આમ્રપાલી પાસે અકસ્માત થયો હતો. સુરેશ સ્ટાફ સિલેક્શનની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે.
અકસ્માત પહેલા રક્ષિત અને પ્રાંશુ સુરેશના ઘરે ગયા હતા
હોળીની રાત્રે શહેરના કારેલીબાગ મુક્તાનંદ સર્કલથી ચંદ્રાવલી તરફ જવાના રસ્તા પર રક્ષિત ચોરસિયાએ ત્રણ ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે બે બાળકીઓ સહિત સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ગુનામાં પોલીસે રક્ષિત ચોરસિયાની ધરપકડ કરી રિમાન્ડ લીધા છે. ગુનો થયા પહેલા રક્ષિત અને તેના મિત્રો પ્રાંશુ ચૌહાણ તથા સુરેશ ભરવાડ મળ્યા હતા. તેઓએ મળીને શું કર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
કાર પ્રાંશુના પિતાની હતી
રક્ષિત મૂળ વારાણસીનો છે. જે હાલ વડોદરાના નિઝામપુરામાં ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતો હતો અને એલ.એલ.બી.નો અભ્યાસ કરે છે. હોળીની રાત્રે તે પકડાયા પછી તેના ઘરે પોલીસે ઘટનાની રાત્રે જ સર્ચ કર્યું હતું. ત્યારે તેના ઘરેથી માત્ર લેપટોપ મળી આવ્યું હતું. લેપટોપની પોલીસ તપાસ કરી રહી છે. રક્ષિત પાસે વારાણસીથી કઢાવેલું ડ્રાઇવિંગ લાયસન્સ હતું.
રક્ષિતના પરિવારજનો હજી નથી આવ્યા મળવા
આ ઉપરાંત પોલીસે રવિવારે સુરેશ, પ્રાંશુ અને રક્ષિતના ઘરે સર્ચ કર્યું હતું. જેમાં પોલીસને કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. જેના પરીક્ષણ કરવા માટે તે તમામ વસ્તુઓને કબજે કરવામાં આવી છે. જોકે, આ વસ્તુઓમાં શું છે તે અંગે પોલીસે હાલ કોઈ ખુલાસો કર્યો નથી. ઉલ્લેખનીય છે કે, વૈભવી જીવનશૈલી જીવતા રક્ષિતને છેલ્લા ત્રણ દિવસથી પોલીસ લોકઅપમાં સરકારી ટિફિન ખાવાનો વારો આવ્યો છે. તેને મળવા માટે તેના પરિવારજનો પણ હજી આવ્યા નથી.
શું હતો મામલો
પ્રાપ્ત વિગતો અનુસાર, એકાદ મહિના પહેલા ફતેહગંજ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રક્ષિત અને તેના મિત્રો પાર્ટી માટે એકઠા થયા હતા. જે દરમિયાન જોર-શોરથી દેકારો કરવામાં આવી રહ્યો હતો. જેનાથી ત્રાસેલા એક વકીલ દ્વારા તેમને શાંતિ જાળવી રાખવા જણવવામાં આવ્યું હતું. વકીલ દ્વારા કરવામાં આવેલી વાતથી રક્ષિત અને તેના દોસ્તો ગુસ્સે ભરાયા હતા અને વકીલ સાથે ગેરવર્તણૂક કરી હતી અને વકીલને ધમકાવ્યા હતા. જેના પગલે વકીલે સમગ્ર બાબતે પોલીસને જાણ કરી હતી. પોલીસ આવી હતી અને રક્ષિત તથા તેના મિત્રોને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. જ્યાં માફીનામુ લખ્યા બાદ પોલીસે તેમને છોડ્યા હતા.
કોણ છે રક્ષિત ચૌરસિયા
રક્ષિત ચૌરસિયા અંગે મળતી વિગતો અનુસાર, તે ઉત્તર પ્રદેશના વારાણસીનો રહેવાસી છે. તેનો પરિવાર નળના વ્યવસાય સાથે સંકળાયેલો છે. હાલ તે લોનો અભ્યાસ કરી રહ્યો છે અને વડોદરામાં પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે. રક્ષિતની લિંક્ડિન પ્રોફાઇલ અનુસાર તે એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેણે 2021માં એડ્મિશન લીધું હતું.
હોળીની રાત્રે ત્રણ વાહનોને મારી હતી ટક્કર
મળતી માહિતી અનુસાર, તમને જણાવી દઇએ કે રક્ષિત અને તેનો મિત્ર કાર લઇને નીકળ્યો હતો અને ત્રણ વાહનોને ટક્કર મારી હતી. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય લોકોને ઇજા પહોંચી હતી. બનાવ બાદ તેણે જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું. સ્થાનિકો દ્વારા તેને પકડવામાં આવ્યો હતો અને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં 37 વર્ષીય હેમાલી પટેલનું મોત નીપજ્યું હતું. અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કાર ચાલક નશામાં હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામા આવ્યો હતો.