ત્રણ અધિકારીઓની ટીમ ગીરના જંગલની મૂલાકાત લઇ દિલ્હી પરત ફરી
દિલ્હીના કેન્દ્રીય વન વિભાગના ત્રણ અધિકારીઓની ટીમ ગીર વિસ્તારમાં સિંહોના મોતના મામલે જૂનાગઢ આવી પહોંચ્યા બાદ વન વિભાગના રેસ્કયું સેન્ટર, હોસ્પિટલ તથા વન વિસ્તારની મુલાકાત લઈ, અધિકારીઓ પાસેથી વિગતો મેળવી ગઈકાલે સોમવારે દિલ્હી પરત ફરી છે.
ગીર જંગલના પૂર્વ વિસ્તારમાં થયેલ સિંહના મોત અને સકરબાગ, જસાધાર એનીમલ કેર સેન્ટર સહિતના અન્ય વિસ્તારમાં સિંહોના થતાં મોતના આંકડા છુપાવતા હોવાના અનેક આક્ષેપો સહિતના સવાલો ઉઠવા પામ્યા હતા અને સિંહપ્રેમીઓ તથા પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે નારાજગી પ્રસરી હતી.
જેના પગલે દિલ્હીથી કેન્દ્રીય વન વિભાગની એક ઉચ્ચ અધિકારીઓની ટીમ જૂનાગઢ ખાતે આવી પહોંચી હતી અને સાસણના મોનીટરીંગ યુનિટ, હોસ્પિટલ, જશાધાર એનિમલ કેર સેન્ટરની સાથે અમુક વન વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ સિંહો માટેની સગવડ, વ્યવસ્થા અને કાર્યવાહી સહિતની વિગતો સાથે પી.એમ. અને સેમ્પલોના ટેસ્ટિંગની વિગતો મેળવી બાદમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હોવાનુ જુનાગઢના સી.સી.એફ. વસાવડા દ્વારા જાણવા મળેલ છે.
દિલ્હીથી કેન્દ્રીય વન વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર ગોપીનાથ તથા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટના સભ્ય અને વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટયૂટના સભ્યોની બનેલી આ ટીમ રવિવારે જુનાગઢ ખાતે આવી પહોંચી હતી અને બે દિવસ ગીર જંગલના અમુક વિસ્તારોની મુલાકાત મેળવી હતી અને એમાં પણ વેટરનરી હોસ્પિટલમાં સિંહોને કેવી રીતે સારવાર અપાઇ રહી છે તેનું નિરીક્ષણ કર્યું હતું.જો કે, સિંહ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓમાં વન તંત્ર દ્વારા સિંહના મોતના આંકડા છુપાવાતા હોવાના આક્ષેપો બાદ પણ વનવિભાગ દ્વારા દિલ્હીથી આવેલ ઉચ્ચ અધિકારીઓની ટીમે શું રિપોર્ટ ભર્યા, કે શું સૂચનો આપવામાં આવ્યા આ બાબતે અધિકારીઓએ મૌન સેવ્યું છે.
દરમિયાન જુનાગઢના સી.સી.એફ. વસાવડાના વધુમાં જણાવ્યા અનુસાર, કેન્દ્રીય વન વિભાગની ઉચ્ચ અધિકારીઓની આ ટીમ પોતાનો રિપોર્ટ સેન્ટ્રલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને રજૂ કરશે.