વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બુધવારે સૌરાષ્ટ્ર પ્રવાસ કર્યો હતો. તેમણે પ્રથમ જૂનાગઢમાં જંગી સભા સંબોધી હતી અને ત્યારબાદ તેઓ રાજકોટ પહોંચ્યા હતા.
રાજકોટ ખાતે વડાપ્રધાનનું ઉમળકાભેર સ્વાગત કરવા લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ એરપોર્ટથી રેસકોર્સ મેદાન સુધીનો આશરે દોઢ કિલોમીટર લાંબો રોડ શો કરી પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું.
ત્યારબાદ વડાપ્રધાને રેસકોર્સ મેદાન ખાતે રૂ. ૬૬૮૮ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. રેસકોર્સ ખાતે સભાનું સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનેકવાર રાજકોટનો ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંબોધન કરતાની સાથે જ કહ્યું હતું કે, આજે રાજકોટે રંગ રાખી દીધો છે. રાજકોટના આવકારને સત સત નમન કરું છું.
વડાપ્રધાને કહ્યું હતું કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિકાસ અર્થે ભેટ આપવામાં આવી રહી છે, જે નવા સંકલ્પોનો આધાર છે રાજકોટને શક્તિશાળી બનાવશે અને લોકોની જીવનશૈલી આ તમામ ભેટો રાજકોટની સુખાકારીમાં વધારો કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, મારુ સૌભાગ્ય છે કે સત્તા અને રાજકરણની પાઠશાળામાં રાજકોટે મને તક આપી અને મને વધાવ્યો જે મને આશીર્વાદ મળ્યા તેના લીધે હું આજે વડાપ્રધાન બની શક્યો.
રાજકોટના ઋણનો ભૂલી શકું, હું રાજકોટનો કરજદાર છું તેવું વડાપ્રધાને જાહેરમંચ પરથી કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજકોટ પાસેથી જે શીખ્યો એ ભારત દેશને કામ આવી રહ્યું છે.
વડાપ્રધાને કહ્યું હતું કે, રાજકોટ ઉદ્યોગ ક્ષેત્રે નામ કમાઇ રહ્યું છે : રાજકોટ, મોરબી અને જામનગર મીની જાપાન બનશે. ગુજરાતને તાકાતવાર બનાવવાની તાકાત સૌરાષ્ટ્રની ધરતીમાં છે.
તેમણે કહ્યું કે, રાજકોટ આધુનિક બને તેની ચિંતા અને ક્રાંતિકારી પગલાઓ લેવામાં આવી રહ્યા છે. તેમણે પમ્પ ઉત્પાદન કરતા રાજકોટની વિવિધ કંપનીઓના વ્યક્તિગત નામ લેતા તમામ એકમોને સફળતાનાં શિખર પ્રાપ્ત કરવા શુભેચ્છા પાઠવી હતી.