- ડ્રીમ સીટી પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાનું નિવેદન
- હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ
- રત્ન કલાકારોને સહાય માટેની રજૂઆત સરકારમાં કરાઈ
ડ્રીમ સીટી પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાએ નિવેદન આપ્યું હતું કે, હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ સર્જાયો છે, આશા છે કે આવનારા સમયમાં પરિસ્થિતિ સુધરશે. રત્ન કલાકારોને સહાય માટે મારા દ્વારા રજૂઆત સરકારમાં કરી છે, જેથી આ રજુઆત સરકારની વિચારણા પર હશે. આ ઉપરાંત હીરા ઉદ્યોગની પરિસ્થિતિ સુધારા પર આવે તેવી આશા છે. જેથી આગામી દિવસોમાં ડાયમંડ બુર્સની વધુ 100 જેટલી ઓફિસો શરૂ થવા જઈ રહી છે. ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના શરૂ થવાથી અહીં વેપારીઓ સુરક્ષા અનુભવશે. જેથી ડ્રીમ સીટી પોલીસ સ્ટેશનના શરૂ થવાથી વેપારીઓ અને કરોડોના હીરાની સુરક્ષા સલામતી જળવાઈ રહેશે.
સુરત શહેરના હદ વિસ્તારમાં જે રીતે વધારો થઈ રહ્યો છે, તેને કારણે હવે નવા પોલીસ સ્ટેશનની જરૂરિયાતો પણ ઊભી થઈ રહે છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 39 પોલીસ સ્ટેશનનો કાર્યરત હતા ત્યારે હવે એક નવું 40મુ પોલીસ સ્ટેશન ડ્રીમ સીટી સ્વરૂપે શરૂ થઈ રહ્યું છે. કેન્દ્રીય જળસંપતિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સુરત ડાયમંડ બુર્સ તેમજ આવનાર દિવસોમાં ડ્રીમ સીટી શરૂ થશે ત્યારે આ વિસ્તારની અંદર કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ તે ખૂબ જ જરૂરી છે, જેના ભાગરૂપે અત્યારથી જ ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન તૈયાર કરી દેવામાં આવ્યું છે.
સુરત શહેર અને એરપોર્ટ નજીક આવેલા સુરત ડાયમંડ બુર્સને કારણે અહીં હીરા ઉદ્યોગ આગળ વધી રહ્યો છે. હીરા ઉદ્યોગમાં જોખમ લઈને આવતા વ્યક્તિઓ તેમજ અહીં આવનારા હીરા ઉદ્યોગપતિઓની સુરક્ષા જળવાઈ રહે તથા કાયદા વ્યવસ્થા માટે અનુકૂળ વાતાવરણ રહે તેને ધ્યાનમાં રાખીને ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું. હીરા ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગો ડ્રીમ સિટીમાં હવે આવવા જઈ રહ્યા છે ત્યારે પોલીસ સ્ટેશનની સ્વાભાવિક રીતે જ જરૂરિયાત આગામી દિવસોમાં પણ વધશે. હીરા વેપાર કરવા આવનાર દરેક વ્યક્તિ પોતાને સુરક્ષિત અનુભવ કરે તે માટે ગૃહ વિભાગ દ્વારા નવું પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે.
ત્યારે આ અંગે રાજ્યસભાના સાંસદ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું કે, ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન ની જરૂરિયાત હોવાથી આજે શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં આવનાર તમામ વ્યક્તિની સુરક્ષા ખૂબ જ જરૂરી છે. હાલ હીરા ઉદ્યોગની અંદર ખૂબ જ મંદિર ચાલી રહી હોવાથી સુરત ડાયમંડ બુર્સમાં ધીરે ધીરે ઓફિસે શરૂ થઈ રહી છે. 22મી ફેબ્રુઆરીથી વધુ 100 ઓફિસ શરૂ થવા જઈ રહી છે. હાલ હીરા ઉદ્યોગમાં મંદીઓ હોવાને કારણે થોડો ઉત્સાહ ઓછો દેખાઈ રહ્યો છે. મંદીને કારણે રત્ન કલાકારોને આર્થિક રીતે મદદરૂપ કેન્દ્ર સરકાર થાય તેના માટે રજૂઆત કરી દેવામાં આવી છે પરંતુ, હજી સુધી કોઈ જવાબ પ્રાપ્ત થયો નથી. આશા રાખીએ કે જે રજૂઆત કરવામાં આવી છે તે બાબતે કેન્દ્ર સરકાર વિચારતી હશે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય