યુવાનોમાં હાર્ટ-અટેક દિવસે-દિવસે સામાન્ય બનતા જાય છે. યુવાનોમાં હાર્ટ-અટેક માટે જવાબદાર કારણોમાં ૮૦ ટકા કોરોનરી આર્ટરી ડિસીઝ જવાબદાર રહે છે. વીસ ટકા અન્ય કારણો હોઈ શકે છે. હૃદયમાં ત્રણ કોરોનરી આર્ટરી રહેલી છે. આ ત્રણમાંથી એકમાં પણ બ્લોકેજ હોય તો હૃદય પર અસર આવી શકે છે
જેને લીધે યુવાન વયે હાર્ટ-અટેક આવતો હોય છે. આ કોરોનરી આર્ટરી ડિસીઝ એક લાઇફ-સ્ટાઇલ ડિસીઝ ગણાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે એ યુવાનોમાં જોવા મળતો હોય. ઘણાં રિસર્ચ થયાં છે, જે આ સંબંધોને સ્થાપિત કરી ચૂક્યાં છે. આજે સમજીએ કે કયાં કારણોસર યુવાન વયે આ રોગ ઘર કરી રહ્યો છે. ત્રણ મહત્વની તકલીફો છે, જે ઘણી નાની ઉંમરે આજકાલ લોકોમાં જોવા મળે છે અને એ છે હાઈ બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ અને કોલેસ્ટરોલ. આ ત્રણેય રોગ મોટા ભાગે ખરાબ લાઇફ-સ્ટાઇલને કારણે લોકોમાં ઘર કરી જાય છે. આ ત્રણેય રોગોની અસર શરીરમાં લોહીની નસો પર થાય છે, જેને કારણે આ નસો ડેમેજ થાય છે અને એ નસોમાં કોલેસ્ટરોલ જમા થતો જાય છે. એને લીધે નસોમાં બ્લોકેજ બને છે. આ બ્લોકેજ લોહીને આગળ વધતું રોકે છે.
જેને લીધે આ બ્લોકેજ હાર્ટ સુધી લોહી પૂરતા પ્રમાણમાં પહોંચવા દેતું નથી. સ્ત્રી અને પુરુષ બન્નેમાં આ રોગ ઘણી યુવાન વયે ઘર કરતા જોવા મળી રહ્યા છે અને આટલી યુવાન વયે આ રોગો થઈ શકે છે એવો સ્વીકાર સમાજમાં હજી જોવા મળતો નથી. એને કારણે ઘણા યુવાનો રેગ્યુલર ચેક-અપ કરાવતા નથી, જેને લીધે ઘણાને આ રોગ છે એવી ખબર હાર્ટ પર અસર થયા પછી પડે છે. આ રોગોનાં કોઈ ખાસ ચિહ્નો જોવા મળતાં નથી. આમ સાઇલન્ટ કિલર્સની જેમ શરીરમાં વધતા રહે છે અને શરીરને નુકસાન પહોંચાડ્યા કરે છે. આ રોગો અને એને કારણે આવતા હાર્ટ-અટેક પાછળ આપણી કઈ ખોટી લાઇફ-સ્ટાઇલ જવાબદાર છે એ સમજીએ.
ડાયટ
આપણો ખોરાક આજકાલ ઘણો બદલાઈ ગયો છે, જેને કારણે આવા રોગો આપણા શરીરમાં ઘર કરી રહ્યા છે. એ વિશે સમજાવતાં ક્રિટિકેર હોસ્પિટલ, જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, આજકાલ આપણા ખોરાકમાં મીઠું અને ખાંડનું પ્રમાણ અતિ વધી ગયું છે. આ સિવાય પેકેટ ફૂડ, જન્ક ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, બેકરી પ્રોડક્ટ્સ, રેડી ટુ ઈટ ફૂડ, વગેરે ખાવાનું ચલણ પણ વધી ગયું છે. આ બધો જ ખોરાક પોષણ વગરનો અને હાનિકારક ફેટ્સ અને બીજાં તત્વો ધરાવતો હોય છે, જે આપણા શરીરમાં જઈને મોટું નુકસાન કરે છે. ખાસ કરીને સેચ્યુરેટેડ ફેટ્સ અને ટ્રાન્સ ફેટ્સનું પ્રમાણ આપના ખોરાકમાં એટલું વધી ગયું છે કે હાર્ટ પર એની અસર દેખાવા લાગી છે.
બેઠાડુ જીવન
એક સમય હતો જ્યારે સ્ત્રીઓ પાણી ભરવા માટે બેડલાં લઈને એકાદ કિલોમીટર ચાલતી. આજે તો પાણીનો ગ્લાસ પણ માટલામાંથી ન ભરવો પડે એટલે બોટલ્સ ભરીને રાખીએ છીએ. વિચારવા જઈએ તો આપણે દિવસના ૧૦-૧૨ કલાક બેઠાં-બેઠાં પસાર કરીએ છીએ, જેને કારણે હાર્ટ નબળું બની રહ્યું છે. થોડું પણ ચાલીએ તો હાંફી જઈએ એવી પ્રજા બનતા જઈ રહ્યા છીએ ત્યારે હાર્ટની હેલ્થ માટે વિચારવું જરૂરી છે. એ વિશે વાત કરતાં ડો. એલ. એચ. હીરાનંદાની હોસ્પિટલના ક્ધસલ્ટન્ટ અને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. હૃષીકેશ પાટીલ કહે છે, હાર્ટ-હેલ્થ માટે બેઠાડુ જીવન એક શ્રાપ છે. આજે દિવસે-દિવસે હાર્ટના પ્રોબ્લેમ્સ વધતા જાય છે એનું મુખ્ય કારણ આ બેઠાડુ જીવન છે. ટેક્નોલોજી આપણા માટે આર્શીવાદરૂપ છે તો સાથે-સાથે એને જ કારણે આપણને સહન પણ કરવું પડી રહ્યું છે. બેઠાડુ જીવનને લઈને આવતી ઓબેસિટી હાર્ટ-પ્રોબ્લેમને આવકારે છે.
સ્ટ્રેસ
કોઈ પણ પ્રકારનો ડર, દરરોજની ચિંતાઓ, જીવનના દરરોજ લેવા પડતા મહત્વના નિર્ણયો, કંટાળો કે ફ્રસ્ટ્રેશન, એકબીજા માટેની અને ખુદ પ્રત્યેની પણ વધુ પડતી અપેક્ષાઓને કારણે જે પ્રકારની લાગણીઓ ઉદ્ભવે છે એને કારણે સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. એ સમજાય એવી વાત છે કે જેમના કામના કલાકો ખૂબ વધારે છે તેમના કામનું સ્ટ્રેસ પણ વધારે જ હોવાનું. પરંતુ આ સ્ટ્રેસ હૃદય પર કઈ રીતે ભારે પડે છે? આ પ્રરનનો જવાબ આપતાં વોક્હાર્ટ હોસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલના કાર્ડિયોલોજિસ્ટ ડો. પ્રતીક સોની કહે છે, જ્યારે સ્ટ્રેસ થાય ત્યારે હૃદયના ધબકારા ખૂબ વધી જાય છે અને એનો રિધમ ખોરવાય છે, બ્લડ-પ્રેશર ઊંચું આવે છે, પેટમાંનો ઍસિડ વધે છે; જેને કારણે પેટમાં દુખાવો, અપચો અને છાતીમાં બળતરા થઈ શકે છે. આ ઉપરાંત સ્નાયુઓમાં ટેન્શન વધે છે; જેને કારણે માથાનો દુખાવો, ગરદન અને પીઠનો દુખાવો પણ થાય છે. સ્ટ્રેસને કારણે શ્વાસ ટૂંકા થઈ જાય છે, લોહી જાડું બને છે અને ક્લોટિંગની શક્યતા વધે છે.
અપૂરતી ઊંઘ
ઊંઘને લગતા પ્રોબ્લેમ્સ અને હાર્ટ-અટેક વચ્ચે સીધો સંબંધ છે એ વાત સાથે સહમત થતાં જસલોક હોસ્પિટલનાં સ્લીપ ડિસઑર્ડર ક્લિનિકના ડિરેક્ટર અને ન્યુરોલોજિસ્ટ ડો. પ્રીતિ દેવનાણી કહે છે, જ્યારે કોઈ પુખ્ત વ્યક્તિ ૬ કલાકથી ઓછું અને ૧૦ કલાકથી વધુ સૂવે ત્યારે તેની કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમમાં પ્રોબ્લેમ આવે છે. જ્યારે તમને ઊંઘ લીધા પછી ઊઠીને ફ્રેશ ન લાગે, થાક લાગે, કંટાળો આવે, દિવસના સમયે પણ ઊંઘ જ આવ્યા કરે તો સમજવું કે તમે જે ઊંઘ લો છો એ કાં તો વધારે છે અથવા ઓછી. ઘણી વખત વ્યક્તિ ૮ કલાકની ઊંઘ લે છે, પરંતુ એ ઊંઘ ક્વોલિટી ઊંઘ હોતી નથી. ખૂબ વધારે સપનાં આવવાં, રાત્રે વારંવાર ઊંઘ ઊડી જવી, એકધારી ઊંઘ ન થવી વગેરે કારણો પણ વ્યક્તિના હૃદયને અસરકર્તા છે. જો તમે ઇચ્છતા હો તમારું હૃદય સ્વસ્થ રહે તો એ માટે તમારી ઊંઘના કલાકો પૂરા થાય છે કે નહીં એ જોવું ખૂબ જ જરૂરી છે. એની સાથે-સાથે તમને ઊંઘ ગુણવત્તાવાળી મળે છે કે નહીં એ વિશે પણ સજાગ રહો.
સ્મોકિંગ અને આલ્કોહોલ
હાર્ટ પર આ બન્ને કુટેવોની અસર સીધી અને આડકતરી બન્ને રીતે થાય છે. એ વિશે વાત કરતા સર ણ્ફ્ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ક્ધસલ્ટન્ટ કાર્ડિયાક સજ્ર્યન ડો. બિપિનચંદ્ર ભામરે કહે છે, સ્મોકિંગને કારણે હાર્ટ-ડિસીઝનું રિસ્ક ચારગણું વધી જાય છે. સ્મોકિંગની સીધી અસર વેસ્ક્યુલર તંત્ર એટલે કે લોહીની નસો પર થાય છે. એના થકી લોહીની નળીઓ સાંકડી થતી જાય છે, જેની સીધી અસર શરીરમાં થતા લોહીના પરિભ્રમણ પર પડે છે. આલ્કોહોલ પણ એક એવી કુટેવ છે, જે સીધી નહીં તો આડકતરી રીતે પણ હૃદય પર અસર કરે છે. આલ્કોહોલ ઓબેસિટી માટે જવાબદાર બને છે અને ઓબેસિટી હૃદયરોગને આવકારનારા રોગોને તાણી લાવે છે. આમ તકલીફો વધે છે.
જિનેટિક્સ
જે લોકોના ઘરમાં હાર્ટ-અટેકની હિસ્ટરી જોવા મળે છે એ લોકોને અટેક આવવાની શક્યતા વધુ રહે છે, કારણ કે તેઓ જિનેટિકલી આ પ્રકારનું રિસ્ક ધરાવતા હોય છે. પરંતુ આ બાબતે એ પણ સમજવું જરૂરી છે કે જીન્સ આપણી અંદર હોય એટલે આપણને અટેક નથી આવતા. જીન્સ છે એનો અર્થ એ છે કે તમારા શરીરની ટેન્ડન્સી એટલે કે એ પ્રકૃતિ એવી છે. પરંતુ એ પ્રકૃતિને જગાડનાર પરિબળ ન હોય તો એ જીન્સ એટલા અસરદાર ન પણ સાબિત થાય એવું બને ખરું. એટલે કે જે લોકો પર જિનેટિકલ રિસ્ક છે એવા લોકો પોતાનું પૂરતું ધ્યાન રાખે તો તેમના પરનું આ રિસ્ક ઘણું ઓછું થઈ જાય છે અને જો તેઓ પોતાની લાઇફ-સ્ટાઇલ ખરાબ જ રાખે તો આ રિસ્ક નાની ઉંમરે જ પોતાની અસરકારકતા સિદ્ધ કરે છે. આમ અહીં પણ લાઇફ-સ્ટાઇલ ઠીક રહેવી એ મહત્વનો ભાગ ભજવે છે.
કઈ રીતે બચશો?
સ્મોકિંગ અને આલ્કોહોલ જેવી ખરાબ આદતોથી દૂર જ રહો
જીવવા માટે ખાઓ, ખાવા માટે ન જીવો. એટલે કે પોષણયુક્ત ખોરાક જ ખાઓ
બેઠાડુ જીવન ન છોડી શકો તો કંઈ નહીં, પરંતુ દિવસમાં ૪૦-૪૫ મિનિટ કાર્ડિયો એક્સરસાઇઝ કરો. જેમ કે સિમ્પલ વોકિંગ, જોગિંગ, સ્વિમિંગ વગેરે.
ગમે તેટલું કામ હોય કે બીજાં કોઈ પણ કારણો હોય, તમારી રાતની ઊંઘને હંમેશાં તમારી પ્રાથમિકતાના લિસ્ટમાં સૌથી ઉપર રાખો. નીરોગી જીવનની એ ચાવી છે.તમારા વજનને પ્રમાણમાં રાખો. થોડું પણ વધે તો આ બાબતે સજાગ રહો, કારણ કે વજન એક વખત ખૂબ વધી ગયું તો ઉતારવું અઘરું છે.
૩૦ વર્ષની ઉંમરથી રેગ્યુલર ચેક-અપની આદત પાડો. એને લીધે ડાયાિબટીઝ, બ્લડ-પ્રેશર કે કોલેસ્ટરોલ જેવી સમસ્યા હોય તો એનું સમયસર નિદાન થઈ શકે.
સ્ટ્રેસને ઓળખો અને એને દૂર કરવા માટે પ્રાણાયામ, યોગ અને ધ્યાન અપનાવો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,