આ રોગ પાછળ જવાબદાર કારણોમાં શરીરમાં આવતા બદલાવ અને જીન્સ બન્ને જવાબદાર હોઈ શકે છે. આ સિવાય બાળકો પર વધતું જતું સ્ટ્રેસ, અતિ ઝડપથી ભાગતી જિંદગી, મમ્મી-પપ્પા પાસે તેમના માટે સમયનો અભાવ, ગળાકાપ હરીફાઈઓ, અપૂરતી ઊંઘ, ખરાબ ડાયટ વગેરે ઘણાં પરિબળો જવાબદાર છે.
આજે આ પરિબળોને સમજીએ અને કોશિશ કરીએ કે આપણાં બાળકોને આ બીમારીથી કઈ રીતે દૂર રાખી શકાય ૧૩ વર્ષ જેવી નાની ઉંમરે ડિપ્રેશન જેવી મોટી બીમારી આવી શકે છે. એટલું જ નહીં, નિષ્ણાતોએ કહ્યું કે નવથી દસ વર્ષની નાની ઉંમરે પણ આ બીમારી આવી શકે છે.
આ માહિતી કોઈ પણને ડરાવી દે એવી છે, કારણ કે ડિપ્રેશન જેવી બીમારી જેમાં વ્યક્તિને આપઘાત સુધીના વિચારો પણ આવી શકે છે એનો ભોગ જો નાની ઉંમરનાં બાળકો બનવા લાગ્યાં તો એ ઘણું જ ચિંતાજનક કહી શકાય છે. આજે જાણીએ નાની ઉંમરે ડિપ્રેશન આવવા પાછળનાં મહત્વનાં કારણો. એની સાથે-સાથે સમજીએ કેટલાક ઉપાયો જેના વડે આપણે આપણાં બાળકોને માનસિક સ્વસ્થતા આપી શકીએ અને ડિપ્રેશન જેવી ગંભીર બીમારીઓથી બચાવી શકીએ.
જીન્સ
નાની ઉંમરે ડિપ્રેશન આવવા પાછળ આમ તો ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે, પરંતુ સૌથી મોટું કારણ હોય છે જિનેટિક. એ વિશે વાત કરતાં ડો. કહે છે, નાની ઉંમરે જો કોઈને ડિપ્રેશન આવે તો એની પાછળ એના જીન્સ જવાબદાર હોય એ શક્યતા સૌથી વધુ રહે છે.
ઘરમાં કોઈને અને ખાસ કરીને મમ્મી-પપ્પાને કે ફેમિલીમાં બીજા કોઈને પણ ડિપ્રેશન કે બીજી કોઈ માનસિક બીમારી હોય તો શક્ય છે કે ઘરનાં બાળકોમાં કે યુવાનોમાં નાની ઉંમરે જ આ તકલીફ આવે. આવું હોય ત્યારે ઘણું સચેત રહેવું પડે છે, કારણ કે નાની ઉંમરમાં આ તકલીફ આવી એનો અર્થ એ છે કે એ ફરી-ફરીને પાછી પણ આવશે. માઇલ્ડ કે મોડરેટ હોય તો એ ઠીક કરવું સરળ છે. સિવિયર હોય તો સમય લાગે, પરંતુ ઠીક કરી શકાય. એ ઠીક કરીએ તો પણ આ બીમારી ભવિષ્યમાં પાછી આવવાની શક્યતા ઘણી વધુ છે, કારણ કે એ નાની ઉંમરે આવેલી છે. આ ધારીએ એટલી સરળ બાબત નથી. જીવનભર આ દરદીઓ રિસ્ક હેઠળ રહે છે.
મગજમાં બદલાવ
ફક્ત જિનેટિક કારણોસર જ આ તકલીફ હોય એવું છે નહીં. બીજાં કારણો પણ આ નાની ઉંમરના ડિપ્રેશન પાછળ જવાબદાર હોઈ શકે છે. એ વિશે જણાવતાં ડો. કહે છે, ડિપ્રેશન એ કોઈ ભાવ નથી પણ શારીરિક અને માનસિક અવસ્થા છે એ સમજવું જરૂરી છે.
મોટા ભાગે એની પાછળનાં કારણો સ્પષ્ટ હોતાં નથી. નિશ્ચિત કારણને લીધે જ ડિપ્રેશન આવે છે એવું હોતું નથી. જોકે ડિપ્રેશન માટે ઘણાંબધાં રિસ્ક-ફેક્ટર ભેગાં થાય અને આ રોગ થાય એવું મોટા ભાગે બનતું હોય છે. ઘણી વાર એવું બને છે કે મગજમાં કોઈ ખાસ ફેરફાર આવે છે અને એને કારણે નાની ઉંમરમાં ડિપ્રેશન આવે. મગજમાં કોઈ જાતના સ્ટ્રક્ચરલ બદલાવ આવે તો આવું થાય છે. આમ પણ ૧૦-૧૨-૧૫ વર્ષની ઉંમરે શરીરમાં ઘણુંબધું બદલાય છે. શરીરમાં બદલાય છે એને લીધે જ તમારી માનસિકતા અને વર્તન પણ બદલાય છે.
બાહ્ય કારણો
આ ઉંમર અને એનો સમયગાળો એવો છે કે જો સાચવી લેવામાં આવ્યો તો જીવન પાર છે, નહીંતર નાની-મોટી ભૂલો અને એ ભૂલોનાં પરિણામો જીવનભર ભોગવવાં પડે છે. આપણે જોઈએ છીએ કે કેટલાંક બાળકો ભણવાના પ્રેશરના કારણે આત્મહત્યા કરતાં હોય છે તો કેટલાંક બાળકો મમ્મી-પપ્પાથી હર્ટ થઈને ઘર છોડીને ભાગી જતાં હોય છે.
કેટલાંક બાળકો એવાં છે જેઓ એકલવાયાં અને અટૂલાં બની જતાં હોય છે તો કેટલાંય બાળકો ઉંમરના આ પડાવે ગેરમાર્ગે દોરાઈ જતાં હોય છે. આ બાબતે સ્પષ્ટતા કરતાં ડો. કહે છે, આ ઉંમરમાં એક બાળક ઘણીબધી વસ્તુઓમાંથી પસાર થાય છે અને એ દરમ્યાન કોઈ પ્રકારનું સ્ટ્રેસ તેના માટે અસહ્ય બને અને તે ડિપ્રેશનનો ભોગ બની શકે છે.
ભણવામાં કોમ્પિટિશન, દરેક જગ્યાએ ગળાકાપ હરીફાઈ, બધી જ જગ્યાએ ચેમ્પિયન રહેવાનું અને બધું જ શીખવાનું પ્રેશર, પોર્ન પ્રત્યેનું આકર્ષણ, શારીરિક બદલાવને લીધે સારા દેખાવાનું પ્રેશર, જે એક્સપોઝર મળે એ બધું જ માણી લેવાનું પણ એક પ્રેશર હોય છે. આ બધામાંથી દરેક બાળક હેલ્ધી રીતે પાર ઊતરી શકે એવું જરૂરી નથી. આ બધાં કારણો સમજાતાં નથી પરંતુ ઘણી અસર કરે છે.
ઇલાજની જરૂર
લોકો હંમેશાં એક પ્રશ્ન પૂછે છે કે એક્ઝામનું પ્રેશર તો બધાં બાળકો પર છે, ઉંમર પણ બધાં બાળકોની સરખી છે અને એક્સપોઝર પણ સરખું છે તો પછી ક્લાસમાં ૧૦૦ બાળકોમાંથી કેમ ૧૦ની હાલત જ ખરાબ હોય છે? કેમ હજારોમાં એક બાળક જ આત્મહત્યા કરે છે? લોકોને લાગે છે કે વાંક બાળકનો છે કે તે આ પ્રેશર લઈ નથી શકતું. માનસિક હાલત માટે હંમેશાં વ્યક્તિનો જ વાંક કાઢવામાં આવે છે, પરંતુ એવું નથી.
જ્યારે ડેન્ગીના વાયરા ફેલાયા હોય ત્યારે પણ ક્લાસમાં ૧૦ જ જણને આ રોગ થાય છે, બધાને થતો નથી. તો શું ડેન્ગી માટે વ્યક્તિ ખુદ જવાબદાર છે? એક રીતે જોઈએ તો હા, કારણ કે વ્યક્તિની ઇમ્યુનિટી નબળી હોય તો જ એને રોગ થાય. જોકે ઘણી વાર હેલ્ધી હોવા છતાં પણ રોગ થાય છે. આમ વ્યક્તિનો કે બાળકનો વાંક કાઢવાને બદલે આપણે સમજીએ કે બાળકને ઇલાજની જરૂર છે અને તેને મદદરૂપ થઈએ એ અનિવાર્ય છે.
બાળકોને કઈ રીતે બચાવવાં માનસિક રોગોથી?
નાની ઉંમરમાં આપણાં બાળકો ડિપ્રેશન જેવી ગંભીર બીમારીનો ભોગ ન બને એ માટે તેનાં મમ્મી-પપ્પા તરીકે કે ઘરના સદસ્ય તરીકે આપણે શું કરી શકીએ એ જાણીએ મેન્ટલ હેલ્થ લાઉન્જ, અંધેરીના સાઇકિયાટ્રિસ્ટ ડો. હરીશ શેટ્ટી પાસેથી. આપણું જીવન અત્યંત ફાસ્ટ થઈ ગયું છે અને એને ધીમું પાડવાની અત્યંત જરૂર છે. ૧૦૦ વર્ષનું જીવન આપણે ૧૦ વર્ષમાં જીવી રહ્યા છીએ.
એક બાળક છથી આઠ કલાક સ્કૂલમાં જાય છે અને એ સિવાયની ઍક્ટિવિટીમાં બીજા ચાર-પાંચ કલાક ફાળવે છે. આવવા-જવાના કલાકો જુદા. આમ લગભગ ૧૨ કલાક તે ફક્ત શીખે છે. સ્પોર્ટ્સ અને મ્યુઝિક જેવી રિલેક્સ થવાની પ્રવૃત્તિઓમાં પણ કોમ્પિટિશન ઘુસાડીને બાળકને સ્ટ્રેસમાં નાખવામાં આવે છે. મમ્મી-પપ્પા પણ ૧૨ કલાક કામમાં વ્યસ્ત હોય છે. મમ્મી-પપ્પા પાસે બાળક માટે સમય નથી.
આ બધાને કારણે દરેક વસ્તુની ઉંમર ઘટતી જાય છે, કારણ કે એક્સપોઝર ઘણું વધતું જાય છે. પોર્ન જોવાની, સેક્સ કરવાની, ડ્રગ્સ લેવાની, આપઘાત કરવાની, માનસિક તકલીફો આવવાની બધાની ઉંમર વર્ષ દર વર્ષે ઘટતી જ જાય છે. સમાજમાં આવેલો આ બદલાવ બાળકોના માનસિક પ્રોબ્લેમ્સ પાછળ ઘણો મહત્વનો છે એ આપણે સમજવું રહ્યું. જિનેટિક કારણો માટે આપણે કંઈ કરી શકીએ એમ નથી, પરંતુ જો આપણે આપણાં બાળકોના માથેથી ભાર ઓછો કરી શકીએ તો પણ તેમની ઘણી મોટી મદદ થશે.
બાળકોનું માનસિક સ્વાસ્થ્ય ઠીક રહે એ માટે આ પાંચ બાબતો પર ધ્યાન આપો.તેમનો ભણતરનો ભાર થોડો ઓછો કરો. આજના સમયની ડિમાન્ડ છે કે સ્કૂલોએ બદલાવું જ પડશે. રોબોની જેમ માહિતીઓ તેમની સામે ખડકવાનું બંધ કરીને તેમને માણસ સમજીને કામ લેવું જરૂરી છે.
દરેક વિષયમાં હોમવર્ક આપવાની પ્રણાલી બંધ થવી જોઈએ. હોમવર્ક જ શું કામ આપવાનું? સ્કૂલમાં ભણ્યા એટલું બસ છે. આખો સમય બાળક ભણ્યા જ કરે તો બીજું કઈ કરી જ નહીં શકે સ્કૂલમાં ભણતરનો જે ભાર છે એનાથી બમણો ભાર ઘરે મમ્મી-પપ્પા મૂકતાં હોય છે દરેક વાતમાં સરખામણી કરીને. તમારા બાળકને સમજો અને સરખામણીઓ ન જ કરો. જો તેના પર પ્રેશર હળવું કરશો તો તે વધુ સારું પર્ફોર્મ કરશે. બીજા સાથેની સરખામણીમાં તેનો આત્મવિશ્વાસ ઘટશે. હીન ભાવના તેની અંદર આવશે
બાળકને જ્યારે જરૂર હોય ત્યારે તેના માટે તમે અવેલેબલ રહો. આ ખૂબ જ અઘરું થઈ ગયું છે આજના સમયમાં. મમ્મી-પપ્પાને બાળક માટે સમય જ નથી હોતો અથવા એવું થઈ ગયું છે કે મમ્મી-પપ્પા પાસે જ્યારે સમય હોય ત્યારે એ બાળકને આપે. આમાં એવું થાય છે કે બાળકને જ્યારે જરૂર હોય ત્યારે તેણે તેના પ્રોબ્લેમ્સને કે તેની ભાવનાઓને જાતે એકલાં સંભાળવાં પડે છે.
જે બાળક સંભાળી લે છે તે હોશિયાર બની જાય છે, પરંતુ જે નથી સંભાળી શકતું તેની હાલત ખરાબ થઈ જાય છે. બાળકને સમય આપતાં મમ્મી-પપ્પાનાં બાળકો સંતોષી અને આત્મવિશ્વાસથી છલકાતાં હોય છે. બાળકને બીજું કંઈ જ નહીં, તમારો સમય જોઈતો હોય છે. એ ચોક્કસ આપો. દરેક સોશ્યલ પાર્ટીમાં હાજરી નહીં આપો તો ચાલશે, પરંતુ તમારા બાળકને દરરોજ રાત્રે સૂતાં પહેલાં વાર્તા કરવા માટે સમય કાઢો બાળકોના ખોરાક પર ધ્યાન આપો.
બહારનો ખોરાક અને ઘરનો ખોરાક એમાં ઘણો ફરક છે અને આ ફરકની અસર બાળકના માનસ પર પડવાની જ છે. બીજું એ કે જો તેની ડાયટ હેલ્ધી હશે તો શરીર અને મન બન્ને હેલ્ધી હશે બાળકો આજકાલ રાતે બારથી એક વાગ્યા સુધી અને ઘણાં તો બે-બે વાગ્યા સુધી જાગતાં હોય છે. આ જાગરણ પાછળનાં કારણોમાં તેમનાં ગેજેટ્સ જવાબદાર છે. ૧૨-૧૫-૧૭ વર્ષે આ પ્રકારના રાત્રિ-ઉજાગરાઓ સામાન્ય બનતા જાય છે એ ચિંતાજનક છે. આ પ્રકારના ઉજાગરા કરવા જ ન જોઈએ. જો તમારા બાળકને આવી આદત હોય તો એ દૂર કરવા પર ભાર આપો. ઊંઘની માનસિક અવસ્થા પર સીધી અસર પડે છે