હવે, દેશભરમાં ભાડાપટ્ટાના મકાનોની ઉપલબ્ધતામાં વધારો થશે. ભાડે મકાન લેનાર અને આપનાર બંને વ્યક્તિઓ કે સમૂહના અધિકારોમાં વધારો થશે. ઉપરાંત આ પ્રક્રિયા પણ સરળ બનશે અને ભાડાપટાના મકાનોને માટે એક વિશેષ બજાર ઊભુ થતા અર્થતંત્રને પણ મોટો ફાયદો થશે. આ લાભો આપનારા એક બિલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લીલી ઝંડી આપવામાં આવી છે જે બીલનું નામ છે મોડેલ ટેનન્સી એક્ટ.

ભાડ્ડાપટ્ટાના મકાનોની ‘કુંડળી’ સરકાર પાસે જમા કરાવવી પડશે!!

કેન્દ્રીય કેબિનેટે  મોડેલ ટેનન્સી એક્ટના મુસદ્દાને મંજૂરી આપી દીધી છે. મોડેલ ટેનન્સી એક્ટનો ડ્રાફ્ટ હવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોકલવામાં આવશે. નવો કાયદો બનાવીને અથવા હાલના ભાડૂત કાયદામાં યોગ્ય સુધારો કરીને તેને લાગુ કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં આ મુસદ્દાને મંજૂરી આપવામાં આવી છે.

નવા કાયદાથી દેશભરમાં ભાડ્ડાપટ્ટાના મકાનોની ઉપલબ્ધતા વધશે: સરકાર

મકાન માલિક અને ભાડુઆતએ લેખિત કરાર કરી તમામ માહિતીઓ સંબંધિત જીલ્લા ભાડ્ડા મંડળને આપવી પડશે

મોડેલ ટેનન્સી એક્ટ હેઠળ મકાનમાલિકને નિરીક્ષણ, રિપેર કામ અથવા અન્ય કોઈ હેતુ માટે ઘરની મુલાકાત માટે 24 કલાક અગાઉથી લેખિત સૂચના આપવી પડશે. ભાડુઆત અને મકાનમાલિકે કરાર કરી સંપૂર્ણ માહિતી એટલે કે “કુંડળી” સરકારને આપવી પડશે. સંબંધિત જિલ્લા ભાડા મંડળોને માહિતી પ્રદાન કરવી પડશે. જો કે આનાથી ઘણી અડચણો પણ ઉભી થવાની સંભાવના છે.

ભાડુઆતના હક

ભાડૂતને ભાડા કરારમાં ઉલ્લેખિત સમયમર્યાદા પહેલાં ઘર ખાલી કરવા કહી શકશે નહીં. સિવાય કે તેણે સતત બે મહિના સુધી ભાડુ ચૂકવ્યું ન હોય અથવા તે સંપત્તિનો દુરૂપયોગ ન કરે. તેમજ મહત્તમ 6 મહિનાની સિક્યોરિટી ડિપોઝિટ લઈ શકશે.

મકાન માલિકના હક

મકાન માલિકના હકની વાત કરીએ તો જો ભાડુઆત ભાડા કરારની સમાપ્તિ પછી પણ ઘર ખાલી કરતા નથી, તો મકાનમાલિકને માસિક ભાડાથી ચાર ગણા માંગણી કરવાનો અધિકાર રહેશે. મુસદ્દામાં જણાવાયું છે કે જો ભાડુઆત ભાડા કરાર મુજબ સમય મર્યાદામાં મકાન કે દુકાન ખાલી નહીં કરે તો મકાનમાલિક આવતા બે મહિના માટે ભાડાની બમણી માંગ કરી શકશે અને સતત બે મહિના પછી પણ ચુકવણી ન કરે તો મકાન મલિક ચાર ગણું ભાડુ વસૂલી શકશે.

બેઘર લોકોને ઘર મળશે

મોડેલ ટેનન્સી એક્ટના અમલથી પૂરતી સંખ્યામાં ભાડા માટે આવાસ એકમો બનાવવામાં મદદ મળશે. ભાડાપટ્ટાના મકાનોની ઉપલબ્ધતા વધશે જેનાથી બેઘર લોકોની સમસ્યાનું સમાધાન થશે.

હાઉસિંગ ક્ષેત્રના વિકાસને વેગ મળશે

ઉલ્લેખનીય છે કે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં મોડેલ ટેનન્સી એક્ટ લાવવાની જાહેરાત કરી હતી. સરકારે કહ્યું હતું કે આનાથી દેશભરમાં મકાનો ભાડે આપવા માટેના કાનૂની માળખાને સુધારવામાં મદદ મળશે. તેમજ આ ક્ષેત્રના વધુ વિકાસ માટે માર્ગ મોકળો થશે. ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે મોડેલ ટેનન્સી એક્ટનો ઉદ્દેશ દેશમાં વૈવિધ્યસભર, ટકાઉ અને સરળતાથી ભાડા હાઉસિંગ માર્કેટ બનાવવાનો છે.

હાઉસિંગ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારી વધશે

સરકારે આ અંગે જણાવ્યું છે કે આના દ્વારા, ભાડૂત બજારને વ્યવસાય તરીકે વિકસાવવામાં ખાનગી ભાગીદારીમાં વધારો થશે. જેથી રહેણાંક મકાનોની તીવ્ર અછતને પહોંચી શકાશે. ઉપલબ્ધતા વધશે. મોડેલ ટેનન્સી એક્ટ રહેણાંક ભાડા પ્રણાલીને સંસ્થાપિત કરવામાં મદદ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.