તાજેતરમાં શિક્ષણમંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા  ગત વર્ષની 25% ફીમાં રાહત આપવાની જોગવાઈ નવો નિર્ણય ન આવે ત્યાં સુધી જોગવાઇ ચાલુ રાખવાની ટકોરનો ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા વિરોધ નોંધાવી, ચાલુ વર્ષે કયા કારણોસર ફી કાપ ન આપવો જોઇએ તેના કારણો રજૂ કરવામાં આવ્યા છે. સંચાલક મહામંડળ દ્વારા સક્ષમ વાલીઓ અને સરકારને સંવાદ, સહકાર, સદભાવના અને સહયોગથી આ પ્રશ્નને સમજવા અને નિરાકરણ લાવવા અપીલ કરવામાં આવે છે. જો ફી કાપની બાબતમાં સરકાર કોઇપણ નિર્ણય શાળા સંચાલકોને વિશ્વાસમાં લીધા વગર લાગુ પાડશે તો સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળને કાનૂની કાર્યવાહી કરવાની ફરજ પડશે.

આ અંગે વધુ વિગત આપતા ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના ઉપપ્રમુખ  જતિનભાઇ ભરાડ  જણાવે છે કે વર્ષ 2019-20 માં કોઇ પણ શાળાને ફી વધારો કરવાની મંજૂરી અપાઇ નહોતી. ઉપરાંત 2020-21 માં 25% ફી કાપ અપાયો તેમ છતા 50% જેટલા વાલીઓએ 2020-21 ની ફી ભરવામાં ઉદાસીનતા દાખવી છે, જેની માઠી અસર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ભોગવી રહ્યું છે. ગુજરાતભરની સ્વનિર્ભર શાળાના 7 લાખ શિક્ષકો અને આશરે 2 લાખ જેટલા કર્મચારીઓને શાળા દ્વારા પગાર ચૂકવવામાં મૂશ્કેલીઓ આવી રહી છે. ગત વર્ષે મોટાભાગની શાળાઓએ લોન લઈને તેમના ખર્ચાઓ પૂરા કરવાની કોશીશ કરી હતી પરંતુ આ વર્ષે તે પણ શકય નથી. જો ફી કાપ લાગુ પડશે તો લગભગ 30% જેટલી રોજગારી પર વિપરીત અસર પડશે, જેને લીધે હજારો પરિવાર પર આર્થિક નુકશાન પડશે, જેની સીધી અસર સમાજે ભોગવવી પડશે.

આ વિષયમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ  ડી. વી. મહેતા જણાવે છે કે ગુજરાતની 17000 સ્વનિર્ભર શાળાઓમાંથી 15000 શાળાઓ સરકારની એફ.આર.સી કમીટિ દ્વારા નિરધારીત કરેલ રુ. 15000 અને 30000 ની નક્કી કરેલ ગાઈડલાઈન કરતાં ઓછી ફી વસુલી રહી છે, આવી સ્કૂલોને ફરજીયાત ફી કાપ કેવી રીતે પરવડે?  સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સરકાર દ્વારા સરકારી શાળાઓમાં કરવામાં આવતા ખર્ચ ની ગણતરી કરીએ તો વિદ્યાર્થી દીઠ સરકાર દ્વારા રૂપિયા 30 થી 35 હજાર જેટલો અંદાજીત ખર્ચ કરવામાં આવે છે. તેની સામે ગુજરાતની 85% સ્વનિર્ભર શાળાઓ રૂપિયા 15,000થી ઓછી ફી લઇ ઉત્તમ શિક્ષણ આપી રહી છે. જયારે સરકારને પણ વિદ્યાર્થી દીઠ આટલો બધો ખર્ચ થતો હોય તો તે સ્વનિર્ભર શાળાઓને તેનાથી અડધા ખર્ચમાં શિક્ષણ આપવાની ફરજ કેવી રીતે પાડી શકે?

આ અંગે ગુજરાતની ફી રેગ્યુલેશન કમીટીના સભ્ય શ્રી અજયભાઇ પટેલ જણાવે છે કે,  વર્ષ 2019-20 તથા વર્ષ 2020-21 ની સક્ષમ વાલીઓએ જે ફી ભરવામાં ઉદાસીનતા દાખવી છે તે ખરેખર ચિંતાજનક વિષય છે. સમગ્ર ગુજરાતની સ્વનિર્ભર શાળાઓએ ફી ન મળતા 5 થી 7 હજાર કરોડ જેટલી માતબર રકમની નુકશાની વેઠી છે.   આ ઉપરાંત ગુજરાતની દરેક સ્કુલ આર.ટી.ઇ. હેઠળ 25% વિદ્યાર્થીઓને ફકત રુ. 10,000 ની ફી માં શિક્ષણ  આપી રહી છે, તેમજ સંચાલકો દ્વારા કોરોનાથી પ્રભાવિત પરિવારના બાળકોને નિ:શુલ્ક શિક્ષણ આપવાની પણ જાહેરાત કરી સહયોગ આપવાની કટીબધ્ધતા દર્શાવી છે. જેને લઇને હજારો જરુરીયાતમંદ પરિવારોને નિ:શુલ્ક શિક્ષણ મળવાનું જ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.