રાજકોટ, અબતક
એક તરફ કોરોના તો બીજી તરફ તાઉતે વાવાઝોડું…. વાયરસ અને વાવાઝોડાના એકીસાથેના તોફાને માનવ જીવનને પ્રભાવિત કર્યું છે. તાઉતે વાવાઝોડું ગુજરાતના દરીયાકિનારે ટકરાતા રાજ્યભરમાં ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. લોકો તો પોતાના ઘરની છત નીચે રહી વાવાઝોડાની આફત સામે બચે છે પરંતુ છત વિનાના, ખુલ્લા આકાશ નીચે નભતા પશુ-પ્રાણીઓનું શું ?? એમાં પણ ગુજરાતના ગૌરવ સમાં, આન બાન શાન ગણી શકાય એવા આપણાં એશિયાઈ સાવજોનું અત્યારે શું થઈ રહ્યું હશે ?? શું કોઈને આ વિશે અંદાજો પણ છે ખરા ?? તાઉતે વાવાઝોડાની પવનની ગતિએ ગીર જંગલમાં ઘમાસાણ બોલાવી જ દીધું હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઝાડ-પાન, વૃક્ષો પડી ભાંગ્યા હશે, આમાં સાવજોને કોઈ હાનિ ન પહોંચી હોય તે જ આપણા માટે હિતકારી છે.
વાવાઝોડા સામે સાવજોની સુરક્ષા માટે પ્રાર્થના કરવા વન વિભાગની લોક અપીલ: 2015માં જૂન માસમાં આવેલા પુરના કારણે 14 સિંહોના મોત થયા હતા
ચક્રવાત તાઉતેમાં ગુજરાત વન વિભાગ ફક્ત માનવ જીવન વિશે જ નહીં પણ એશિયાટીક સિંહોની સલામતી વિશે પણ ચિંતિત છે. એશિયાટિક લાયન માટે જાણીતા સૌરાષ્ટ્રના ગીર ક્ષેત્રમાં કે જ્યાં ચક્રવાતથી મહત્તમ નુકસાન થવાની સંભાવના છે. વનવિભાગે અપીલ કરતા જણાવ્યું છે કે દરેકએ આપણા સાવજોની સલામતી માટે પ્રાર્થના કરવી જોઈએ. વન વિભાગે તાઉતે વાવઝોડાને પગલે તમામ પરિસ્થિતિની સમીક્ષા કરી બેઠકમાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.ગીર પ્રદેશના દરેક સિંહનું સ્થાન ચિહ્નિત કર્યું છે. ગઈકાલની બેઠક બાદ સાંજના સમયે, વન કર્મચારીઓને તોફાનને ધ્યાનમાં રાખીને સલામત સ્થળોએ જવાનું કહેવામાં આવ્યું હતું.
સાવજોના સ્થાનની માહિતી આપતા વનવિભાગે જણાવ્યું કે સૌરાષ્ટ્ર પટ્ટાના 674 સિંહો પૈકી 350 કાંઠાના વિસ્તારમાં, અમરેલી અને ભાવનગરમાં છે. બાકીના અભયારણ્ય વિસ્તારમાં છે. દરિયાકાંઠાના સૌરાષ્ટ્રમાં કેટલાક પેચોમાં આશરે 40 સિંહો છે, અને અમે તેમના પર નજર રાખી રહ્યા છીએ. કેટલાક સિંહો પહેલાથી જ ઉંચાળ વાળા મેદાન પર સ્થિત છે. ગુજરાતના મુખ્ય વન સંરક્ષક શ્યામલ ટીકાદારે જણાવ્યું કે, સિંહો સુરક્ષિત રહે તે માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. એકવાર ચક્રવાત આ ક્ષેત્રને પાર કરશે પછી આમરો વન વિભાગનો સ્ટાફ ફરી એકવાર સિંહોની ગણતરી કરશે અને તેમના સ્થાન સુનિશ્ચિત કરશે.
જણાવી દઈએ કે જૂન વર્ષ 2015માં અભૂતપૂર્વ ભારે વરસાદને પગલે પૂર આવ્યું હતું.જેમાં ઓછામાં ઓછા 14 એશિયાઇ સિંહોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે 20 સિંહો ગુમ થઇ ગયા હતા. ગુમ થયેલ સિંહો પાછળથી ટેકરીઓ અને અન્ય વિસ્તારોમાંથી મળી આવ્યા હતા. પરંતુ હવે આ તાઉતે વાવાઝોડાને કારણે કોઈ જાનહાનિ ન થાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. અમારી ટિમ સતત સંકલન સાધી રહી છે.