અબતક, વોશિંગ્ટન
અમેરિકામાં સર્જન ડોક્ટરોએ એક ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. મેરીલેન્ડ મેડિકલ સ્કૂલે સોમવારે આપેલી જાણકારી પ્રમાણે જિનેટિકલી મોડિફાઈડ ભૂંડનું હૃદય ૫૭ વર્ષીય વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ઓપરેશન શુક્રવારે કરવામાં આવ્યું હતું.
૫૭ વર્ષીય ડેવિડ ટ્રાન્સપ્લાન્ટ માટે ઈચ્છુક હતા
ડેવિડ બેનેટ નામના દર્દીની તબિયત ખરાબ હતી અને હવે ટ્રાન્સપ્લાન્ટ બાદ તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. મેરીલેન્ડના આ દર્દીએ સર્જરી પહેલા કહ્યું, ‘મારી પાસે માત્ર બે જ વિકલ્પ હતા, કાં તો મૃત્યુ અથવા આ ટ્રાન્સપ્લાન્ટ. હું જીવવા માંગુ છું. મને ખબર છે કે આ અંધારામાં તીર મારવા જેવી વાત છે, પણ આ મારી અંતિમ ઈચ્છા છે.’ હકીકતમાં, છેલ્લા ઘણા મહિનાઓથી, ડેવિડ પથારીવશ છે, અને હાર્ટ-લંગ બાયપાસ મશીનની મદદથી જીવી રહયા છે.
ટ્રાન્સપ્લાન્ટ મેડિકલમાં આ એક અનોખી સિદ્ધિ
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આ ઇમરજન્સી સર્જરી માટે પરવાનગી આપી હતી. આ ટ્રાન્સપ્લાન્ટને સફળ બનાવનાર બાર્ટલે ગ્રિફિથે જણાવ્યું હતું કે, ‘તે અભૂતપૂર્વ સર્જરી હતી જેણે અમને અંગોની અછતની કટોકટીનો સામનો કરવા માટે એક પગલું આગળ વધાર્યું હતું.’ જો કે, આ ટ્રાન્સપ્લાન્ટ પછી પણ, દર્દીની બીમારીનો ઇલાજ હાલમાં નિશ્ચિત નથી, પરંતુ આ સર્જરી પ્રાણીઓથી મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટના સંદર્ભમાં એક અનોખી સિદ્ધિથી ઓછી ન આંકી શકાય.
લગભગ ૧,૧૦,૦૦૦ અમેરિકનો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે અને દર વર્ષે ૬૦૦૦ થી વધુ દર્દીઓને અંગ મળે એ પહેલા જ તેઓ મૃત્યુ પામે છે. અગાઉ ૧૯૮૪ માં એક બબૂનનું હૃદય બાળકના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ તે માત્ર ૨૦ દિવસ જ જીવ્યું હતું.