- 5 વર્ષમાં માર્ક્સ ગણતરીની ભૂલો બદલ 20 હજાર શિક્ષકોને રૂ.3.7 કરોડનો દંડ ફટકારાયો
આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે, કૂવામાં હોય તો અવેડામાં આવે. જે શિક્ષકો ખુદ સરવાળા-બાદબાકીમાં કાચા પડી રહ્યા છે, તે શિક્ષકો વિધાર્થીઓને ગુણાકાર-ભાગાકાર તો કઈ રીતે શીખવી શકે ?? સારા સમાજનો પાયો શિક્ષણ છે, અને શિક્ષકો આ સમાજના ભાવિને ઘડે છે. ત્યારે શિક્ષકો ખુદ ગણતરીમાં ’ઢ’સાબિત થાય તો વિધાર્થીઓના ભાવિનું શું ?
શિક્ષકો વિદ્યાર્થીઓને અંકગણિતના મૂળભૂત સિદ્ધાંતો શીખવે છે, પરંતુ આ ગુરુઓ ખુદ સરવાળાની ભૂલો કરી બેઠા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ધોરણ 10 અને 12ના પેપર ચેક કરતા થયેલી ભૂલોને કારણે લગભગ 20,000 શિક્ષકોને કુલ 3.75 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં 2019-2020 અને 2020-21 ના કોવિડ વર્ષનો સમાવેશ થતો નથી.
દર વર્ષે, વિદ્યાર્થીઓના કારકિર્દીને નુકસાન પહોંચાડી શકે તેવી ભૂલો ઘટાડવાના પ્રયાસો કરવામાં આવે છે, કારણ કે ઘણા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેરિટ પર આધારિત હોય છે જ્યાં એક એક ગુણ મહત્વનો ગણાય છે. જીએસએચએસઇબીના અધિકારીઓએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ પેપર રિકચેકિંગ માટે મોકલે ત્યારે આ માર્કસની ભૂલો સામે આવતી હોય છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે “આવી દરેક ભૂલ માટે, નિરીક્ષકને 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. સામાન્ય ભૂલો ટાળવા માટે શિક્ષકો પેપર ચેકિંગ પહેલાં વાર્ષિક તાલીમ લે છે. જોકે, સેંકડો પેપર્સની સંખ્યાને જોતાં, ક્યારેક ભૂલો થાય છે, શિક્ષકોને દરેક પેપર ચેક કરવા માટે લગભગ 8 રૂપિયા વળતર આપવામાં આવે છે.”
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ભરત પટેલે જણાવ્યું હતું કે સૌથી સામાન્ય ભૂલ ટોટલિંગની છે. “બધા પ્રશ્નો ચેક કરી માર્ક આપ્યા બાદ, શિક્ષકો ઉત્તરવહીના પહેલા પાના પર બોક્સમાં માર્ક્સ નોંધે છે અને કુલ ગણતરી કરે છે. જો શિક્ષક તેમને આગળ વધારવામાં ભૂલો કરે છે, તો કેટલાક ગુણો ગણતરીમાં બાકાત રહી જતા હોય છે. આ ભૂલો ફક્ત ભાષા કે નાગરિકશાસ્ત્રના શિક્ષકો સુધી મર્યાદિત નથી, વિજ્ઞાન અને ગણિતના શિક્ષકો પણ ઘણીવાર આવી ભૂલો કરે છે.
કેટલાક કિસ્સાઓમાં, એક જ શિક્ષકોને સમાન ભૂલો માટે દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ “એક જ પેપરમાં, ક્યારેક ઘણી ભૂલો હોય છે. નિવૃત્ત વરિષ્ઠ શિક્ષક અને માધ્યમિક શિક્ષક સંગઠનના ભૂતપૂર્વ પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે શિક્ષકો દ્વારા કરવામાં આવતી કેટલીક અન્ય ભૂલોમાં 7.5 અથવા 8.5 જેવા ગુણને પૂર્ણાંકિત કરવામાં નિષ્ફળ જવું, 87 ને બદલે 78 લખવા જેવી સંખ્યાઓનું સ્થાનાંતરણ કરવું, અંગ્રેજી અને ગુજરાતી અંકોને ગૂંચવવું અને યોગ્ય રીતે ચિહ્નિત કરવા માટે જરૂરી પ્રશ્નોને અવગણવા શામેલ છે.