તલ, મગફળી, સોયાબીન, સરસવ, સનફ્લાવર, કપાસિયા અને અંતે પામોલિન..! કહેવા માટે ભલે આ બધા તેલિબીયાં છે જેમાંથી માનવજાત ખોરાકના તેલ બનાવે છે. માથે દિવાળી આવી રહી છે, આપણા સૌરાષ્ટ્રવાસીઓ તહેવારોમાં પેટ ભરીને ફરસાણ તથા મિઠાઇ ઝાપટવાના છે. બીજીતરફ તલ,મગફળી કે સોયાબીન જેવા ખરિફ તેલિબીયાંના નવા પાક બજારમાં આવવાની સિઝન હાથવેંતમાં છે. એટલે આ તેલિબીયાનાં ભાવના મુદ્દે સરકાર જાગ્રત હોવી જરૂરી છે. સાથે જ વિવિધ તેલોના પૌષ્ટિક ગુણો અંગે લોકોને પણ જાગ્રત થવાની જરૂર છે.
આપણી જુની પેઢી ખાવા માટે તલના તેલનો જ ઉપયોગ કરતી હતી. કારણકે તલના તેલમાં ફોસ્ફરસ, વિટામીન-ઇ થી ભરપુર છે અને તે સાંધાના દુ:ખાવા તથા વાળ માટે ઉત્તમ ઔષધ છે. જો કે સમયની સાથે તલના ઉત્પાદનની સરખામણી વપરાશ વધવા લાગ્યો તેથી ગુજરાતીઓ ક્રમશ: મગફળી, સોયાબીન, કપાસિયા અને સનફ્લાવર તરફ વળ્યા. આજે પરિસ્થિતી એવી છે કે એક સમયે માત્ર સાબુ બનાવવામાં વપરાતું પામતેલ સૌ રાજીખુશીથી ખાય છે.
આમેય તે મગફળીએ છેલ્લા ત્રણ વર્ષમાં રાજકારણીઓનું તેલ કાઢી નાખ્યું છે. મગફળીના ગોદામોમાં આગ અને કૌભાંડોએ ગુજરાત સરકારને હલાવી દીધી હતી.આ વખતે પણ મગફળીની આવકો ચાલુ થાય તે પહેલા ભાવના મુદ્દે ધમાલ થતાં મુખ્યમંત્રી સાહેબને ખુલાસો કરવો પડ્યો હતો કે ખેડૂતોને મણ દિઠ ૧૦૦૦ રૂપિયા મળે તે ધ્યાનમાં રાખીને સરકાર જરૂર પડ્યે ખરીદી કરશે.સોલવન્ટ એક્સ્ટ્રેકર્સ એશો. (SEA) નાં આંકડા બોલે છે કે આ વખતે ખરિફ સિઝનમાં ૧૩.૭૨ લાખ હેક્ટરમાં તલનું વાવેતર થયું છે જે છેલ્લા પાંચ વર્ષની સરેરાશ ૧૪.૧૩ લાખ હેક્ટર કરતા ઓછું છે. આવી જ રીતે કુલ ૩૯.૩૨ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે જે પણ તેની પાંચ વર્ષની સરેરાશ ૪૨.૪૪ લાખ હેક્ટર કરતાં ઓછું છે. સ્વાભાવિક રીતે જ મિલરોને પિલાણ માટે માલ ઓછો મળશે. બાકી હોય તો પાછોતરા ભારે વરસાદના કારણે ઉભા પાકમાં ફુગ અને જીંવાત થતાં નુકસાની પણ મોટા પાયે થઇ છે.
વધતી મોંઘવારી, બદલાતી લાઇફ સ્ટાઇલ અને જાહેરાતોના જમાનામાં આપણા ખોરાક બદલાયા છે. આજે દેશમાં પામતેલનું ઉત્પાદન વધી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે આગામી પાંચ વર્ષ ભારતનું પામતેલનું ઉત્પાદન છ લાખ ટને પહોંચશે. આ ઉપરાંત દેશમાં પામતેલના કુલ વપરાશનો ૬૬ ટકા જેટલો હિસ્સો તો ભારત મલેશિયા તથા ઇન્ડોનેશિયા જેવા દેશો પાસેથી આયાત કરે છે. આમ આપણી ખાદ્યતેલ ઇકોનોમી પામતેલ આધારિત થઇ ચુકી છે.
આજે પરિસ્થિતી એવી છે કે બજારમાં મળતાં કોઇપણ તેલમાં પામતેલનું મિક્સીંગ ન થાય ત્યાં સુધી મિલરોને પડતર થતી નથી. અને શુધ્ધ વેચવા જાય તો ગ્રાહકો મોંઘવારીના નામે માલ લેતા નથી. એક ગણતરી માંડીએ તો છ જણાના એક પરિવારમાં ૧૫ કિલો સીંગતેલનો એક ડબ્બો ત્રણ મહિના ચાલતો હોય તો એક પરિવારને વર્ષે ચાર ડબ્બા તેલની જરૂર પડે. ડબ્બા દિઠ ૨૦૦૦ રૂપિયાનો ભાવ ગણીઐ તો વષે ૮૦૦૦ રૂપિયા થયા. મધ્યમવર્ગીય પરિવારને આ ૮૦૦૦ રૂપિયા મોંધા પડે છે. યાદ રહે કે આ એ જ પરિવાર છે જેના ઘરમાં દર વર્ષે ૧૦૦૦૦ થી ૨૦૦૦૦ રૂપિયાની કિંમતના નવા ત્રણ મોબાઇલ ફોનની ખરીદી તો થાય જ છે. મતલબ કે એક પરિવાર મોબાઇલ માટે વર્ષે ૫૦૦૦૦ રૂપિયાનો ખર્ચ કરે છે. પણ પોતાના ખોરાક અને હેલ્થ સાથે સમાધાન કરે છે.
ઓઇલ મિલરો પણ કબુલે છે કે મગફળીનો પાક વધારે થાય અને મગફળી સસ્તી મળે તો પણ તેઓ અમુક હદથી નીચે સીંગતેલ વેચી ન શકે. એના સ્થાને તેઓ પામતેલની મિલાવટ ઘટાડીને સા્રી ક્વોલિટીનું સીંગતેલ આપવાના પ્રયાસ કરતા હોય છે. કારણકે જો પામતેલ અને સીંગતેલની પડતર સરખી હોય તો વધુ પામતેલ નાખીને નફાની ટકાવારી ઘટાડવાને બદલે સારી ગુણવત્તા આપવાનું તેમના માટે પણ લાભદાયક રહે છે .
ખેર, અગાઉ જણાવ્યું તેમ માથે દિવાળીનાં તહેવારો છે, આપણે દિવાળીમાં મળનારા બોનસનું નવા મોબાઇલ પાછળ રોકાણ કરવું છે કે સારા અને આરોગ્યપ્રદ ખોરાક પાછળ રોકાણ કરીને પરિવારને જીવનનાં વધુ વર્ષો બોનસ રૂપે આપવા છે તે આપણે જ નક્કી કરવાનું છૈ.