વેસ્ટ ઝોનમાં ૩૩ મીમી, સેન્ટ્રલ ઝોનમાં ૨૫ મીમી અને ઈસ્ટ ઝોનમાં ૨૨ મીમી વરસાદ: રાજકોટમાં સીઝનનો ૪ ઈંચ વરસાદ વરસી ગયો
એરપોર્ટ વિસ્તાર, બજરંગવાડી અને મવડીમાં વિજળી પડી: વીજ ઉપકરણો બળી ગયાની ફરિયાદો, સદનશીબે કોઈ જાનહાની નહીં
સવારથી બપોર સુધીમાં રાજયનાં ૧૨૦ તાલુકાઓમાં મેઘમહેર: કાલાવડમાં ૩ ઈંચ, વેરાવળ, ધ્રોલ, મેંદરડા અને સુત્રાપાડામાં ૨ ઈંચ વરસાદ
હેડ પોસ્ટ ઓફિસ પાસે વૃક્ષ ધરાશાયી થતા ત્રણ વાહનો દબાયા: સામાન્ય વરસાદમાં પણ સ્વામિનારાયણ ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ, અટીકા, જાગનાથ સહિતનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની ફરિયાદો
સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે પરંતુ અમારે ત્યાં વરસાદ આવતો જ નથી તેઓ રાજકોટવાસીઓનું મેણુ આજે ઈન્દ્રદેવે જાણે ભાંગી નાખ્યું હોય તેમ સવારે રાજકોટમાં દોઢ કલાકમાં અનરાધાર દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી જતા શહેરભરમાં પાણી-પાણી જેવી સ્થિતિ સર્જાય જવા પામી હતી. સામાન્ય વરસાદમાં પણ શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની ફરિયાદો ઉઠવા પામી હતી. ત્રણ અલગ-અલગ સ્થળોએ વિજળી પડી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જોકે સદનશીબે કોઈ જાનહાની સર્જાય નથી. એરપોર્ટ વિસ્તારમાં વિજળી પડવાના કારણે લોકોનાં વીજ ઉપકરણો બળી ગયા હોવાની ફરિયાદો ઉઠી હતી. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં આજે સવારે મેઘરાજા મન મુકીને વરસી ગયા હતા. એક દિવસનાં વિરામ બાદ ફરી ગુરુવારથી સૌરાષ્ટ્રમાં સારો અને સંતોષકારક વરસાદ પડે તેવી આગાહી પણ વ્યકત કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઈ ગયો છે પરંતુ રાજકોટ શહેરમાં આ વખતે મેઘરાજા મન મુકીને વરસતા નથી તેવી ચર્ચાઓ લોકમુખે સાંભળવા મળતી હતી આજે સવારથી આકાશમાં કાળાદિબાંગ વાદળોનો જમાવડો જામ્યો હતો. સવારે ૧૧:૧૫ કલાકે ગાજવીજ સાથે મેઘરાજાનું શહેરમાં આગમન થતા લોકોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી હતી. વિજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સવારે ૧૧:૪૫ સુધીમાં શહેરનાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૧૩ મીમી, વેસ્ટ ઝોનમાં ૧૪ મીમી અને ઈસ્ટ ઝોનમાં ૧૨ મીમી વરસાદ પડયો હતો ત્યારબાદ થોડીવાર માટે મેઘરાજાએ વિરામ લીધો હતો અને ફરી હેત વરસાવવાનું શરૂ કર્યું હતું. ૧૨:૩૦ કલાક સુધીમાં શહેરનાં સેન્ટ્રલ ઝોનમાં ૨૫ મીમી, વેસ્ટ ઝોનમાં ૩૩ મીમી, ઈસ્ટ ઝોનમાં ૨૨ મીમી વરસાદ વરસી ગયો છે. આ સાથે સેન્ટ્રલ ઝોનમાં આજ સુધી ચોમાસાની સીઝનનો કુલ ૮૪ મીમી, વેસ્ટ ઝોનમાં ૬૪ મીમી અને ઈસ્ટ ઝોનમાં સૌથી વધુ ૯૮ મીમી વરસાદ પડી ગયો હોવાનું ફાયર બ્રિગેડનાં ચોપડે નોંધાયું છે.
આજે ગાજવીજ સાથે પડેલા વરસાદનાં કારણે શહેરનાં અલગ-અલગ ત્રણ વિસ્તારોમાં વિજળી પડયાના અહેવાલો પણ મળી રહ્યા છે જોકે સતાવાર રીતે કોર્પોરેશનનાં ફાયર બ્રિગેડનાં રેકોર્ડ પર, હવામાન ખાતાની કચેરી કે કલેકટર કચેરીનાં ફલ્ડ કંટ્રોલરૂમ ખાતે વિજળી પડયા હોવાનું નોંધાયું નથી. વિશ્ર્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ શહેરનાં ઉતર અને ઉતર-પશ્ર્ચિમ વિસ્તારમાં વિજળી પડી હોવાનું જણાવ્યું હતું. એરપોર્ટ વિસ્તાર, બજરંગવાડી વિસ્તાર અને મવડી વિસ્તારમાં વિજળી ખાબકી હતી જોકે કોઈ જાનહાની થવા પામી નથી. એરપોર્ટ વિસ્તારમાં વિજળી પડવાના કારણે લોકોનાં વીજ ઉપકરણો બળી ગયા હોવાની ફરિયાદો ઉઠી હતી. દર વર્ષે મહાપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રિ-મોનસુન કામગીરી હાથ ધરવામાં આવે છે પરંતુ સામાન્ય વરસાદમાં આ પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલ્લી જાય છે.
આજે દોઢ ઈંચ વરસાદમાં પણ શહેરનાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર અનેક વિસ્તારોમાં એક-એક ફુટ પાણી ભરાયા હતા. ગોંડલ રોડ પર પીડીએમ કોલેજ પાસે અને સ્વામિનારાયણ ચોકમાં પણ વરસાદનાં પાણી ભરાઈ ગયા હતા. લક્ષ્મીનગરનાં નાલામાં પણ વરસાદી પાણી ભરાય જવાનાં કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જાગનાથ, ગોકુલધામ મેઈન રોડ, અટીકા, ઢેબર રોડ સહિતનાં વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. હેડ પોસ્ટ ઓફિસ પાસે એક તોતીંગ વૃક્ષ ધરાશાયી થવાનાં કારણે આ વૃક્ષ નીચે ત્રણ વાહનો દબાઈ ગયા હતા. વૃક્ષ પડવાના કારણે અંદાજે એક કલાક માટે રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. વરસાદનું સ્વરૂપ ખુબ જ બિહામણું હતું. ગાજવીજ સાથે વરસી રહેલા અનરાધાર વરસાદમાં પણ શહેરીજનો ન્હાવા માટે નીકળી પડયા હતા. દોઢ કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી જતા વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી છે.
આજે સવારથી બપોરે ૨:૦૦ વાગ્યા સુધીમાં રાજયનાં ૧૨૦ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રભરમાં સાર્વત્રિક હળવા ઝાપટાથી લઈ ત્રણ ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. કાલાવડમાં ૩ ઈંચ, વેરાવળ, ધ્રોલ, મેંદરડા, સુત્રાપાડામાં ૨ ઈંચ, લોધીકા, ઘોઘા, જેસરમાં પોણા બે ઈંચ, કોટડાસાંગાણી, માળીયા, લીલીયામાં દોઢ ઈંચ, વિસાવદર, ભાવનગર, પાલિતાણા, લાઠી, તાલાલા, માંગરોળ, જામનગર, બગસરા, ગારીયાધાર, જોડિયા, અમરેલી, ખંભાળીયામાં ૧ ઈંચ, સાવરકુંડલા, જાફરાબાદ, તળાજા, પોરબંદરમાં પોણો ઈંચ, મહુવા, પડધરી, ગીરગઢડા, કોડીનાર, ઉના, કેશોદ, રાપર, વિંછીયા, ચોટીલા, ધારી, માણાવદર, સિંહોરમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. આ લખાય રહ્યું છે ત્યારે સર્વત્ર મેઘરાજાએ વિરામ લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આનંદો: ભાદર અને ન્યારી ડેમમાં અડધો ફૂટ નવુ પાણી આવ્યું
ગઈકાલે ગોંડલ સહિતના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ એવા ભાદરમાં નવું અડધો ફૂટ પાણી આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત અન્ય ૭ જળાશયોમાં નવા પાણીની આવક થવા પામી છે. ૩૪ ફૂટે ઓવરફલો થતાં ભાદર ડેમમાં નવું ૦.૪૩ ફૂટ પાણીની આવક થતાં ડેમની સપાટી ૧૯.૩૦ ફૂટે પહોંચી જવા પામી છે. ડેમમાં હાલ ૧૭૫૭ એમસીએફટી પાણી સંગ્રહિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત ભાદરમાં નર્મદાના નીર પણ ઠાલવવામાં આવી રહ્યાં છે. ભાદર ઉપરાંત રાજકોટ જિલ્લાના ફોફળ ડેમમાં નવું ૦.૫૯ ફૂટ, છાપરવાડી-૨માં ૦.૬૬ ફૂટ, મોરબી જિલ્લાના ડેમી-૧ ડેમમાં ૦.૦૩ ફૂટ, બ્રાહ્મણી-૨ ડેમમાં ૦.૩૩ ફૂટ, જામનગર જિલ્લાના ડાયમીણસારમાં ૦.૭૫ ફૂટ જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વાસલમાં ૦.૪૯ ફૂટ નવા નીરની આવક થવા પામી છે. ન્યારી ડેમમાં પણ બપોર સુધીમાં ૦.૫૬ ફૂટ પાણીની આવક થવા પામી છે. હાલની ડેમની સપાટી ૧૭ ફૂટે પહોંચી જવા પામી છે અને ૫૪૦ એમસીએફટી પાણી સંગ્રહીત છે.
એક દિવસનાં વિરામ બાદ ગુરુવારથી ફરી સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની સંભાવના
ગુજરાતમાં આ વર્ષે નૈઋત્યનાં ચોમાસાનો વહેલો આરંભ થઈ ગયો છે. સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં જિલ્લામાં વાવણીલાયક વરસાદ વરસી ગયા બાદ મેઘો ખેંચાતા થોડા ચિંતાનાં વાદળો પણ ઘેરાવા લાગ્યા હતા. આજે સવારથી સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી ગયો હતો. હવામાન વિભાગનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર આવતીકાલે મેઘવિરામ જેવો માહોલ જોવા મળશે. ગુરુવારથી ફરી સૌરાષ્ટ્રભરમાં સાર્વત્રિક વરસાદ પડે તેવા સંજોગો હાલ વર્તાય રહ્યા છે. રાજયમાં ૮મી જુલાઈ પછી સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ આપે તેવી એક થી બે સિસ્ટમ સક્રિય થાય તેવું પણ હાલ વર્તાય રહ્યું છે. આજે સવારથી રાજયનાં ૧૨૦ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આગોતરી વાવણી કર્યા બાદ મેઘરાજાની વાત જોતા ખેડુતો પર આજે જાણે મહેર ઉતરી હોય તેમ મુરઝાતી મોલાત પર કાચુ સોનું વરસ્યું હતું.