ભીનો અને સુકો કચરો અલગ ન રાખનાર લોકો પાસેથી ટીપરવાન કચરો ન સ્વીકારતી હોવાની બેફામ ફરિયાદો: વોર્ડ નં.૧૩માં કોંગી કોર્પોરેટર સાથે ટીપરવાન સ્ટાફની જીભાજોડી
રાજકોટને સ્વચ્છતામાં દેશનું નંબર વન શહેર બનાવવા માટે મહાપાલિકાએ કમરકસી છે. જે અંતર્ગત ભીના અને સુકા કચરાનો અલગ-અલગ નિકાલ કરવા માટે હાલ શહેરભરમાં એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ભીના અને સુકા કચરાની માથાકુટના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ગાર્બેજ કલેકશનની કામગીરી બંધ થઈ ગઈ છે. ભીનો અને સુકો કચરો અલગ ન રાખનાર લોકો પાસેથી ટીપરવાનનો સ્ટાફ કચરો સ્વિકારતો ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેના પાપે શહેરભરમાં ગંદકીના ગંજ ખડકાઈ રહ્યા છે.
ભીનો અને સુકો કચરો અલગ-અલગ એકત્રિત ન કરનાર લોકો પાસેથી ટીપરવાન કચરો સ્વિકારશે નહીં તેવી માત્ર વિચારણા ચાલી રહી છે ત્યાં ટીપરવાનના સ્ટાફે તેની અમલવારી શરૂ કરી દીધી છે. ભીના અને સુકાની માથાકુટના કારણે અનેક વોર્ડમાં ગાર્બેજ કલેકશનની કામગીરી બંધ થઈ ગઈ છે. શહેરના વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં છત્રપતિ શિવાજી ટાઉનશીપ અને લોકમાન્ય તિલક ટાઉનશીપમાં બે-ત્રણ દિવસથી ટીપરવાન ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી માટે આવતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે.આજે જયારે વોર્ડના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા ડામર પેવરના ખાતમુહૂર્ત માટે ગયા હતા ત્યારે મહિલાઓના ટોળાઓએ ભીના-સુકા કચરાની માથાકુટ અંગે ફરિયાદ કરી હતી. વોર્ડ નં.૧૩માં ૧૫૦ ફુટ રીંગ રોડ પર ખોડીયારનગર વિસ્તારમાં ટીપરવાન સમયસર ન આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. બે દિવસ પહેલા સ્થાનિકોએ ટીપરવાનના ચાલકને મારમાર્યો હોવાની પણ ઘટના બની હતી.
શહેરના સ્લમ વિસ્તારમાં આવા બનાવો હજી બને તેવી શકયતા જણાઈ રહી છે. દરમિયાન આજે વોર્ડ નં.૧૩માં દ્વારકેશ પાર્ક સોસાયટીમાં ટીપરવાન આવી ન હોવાની ફરિયાદ મળતા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ટીપરવાન ન આવતી હોવાના કારણ અંગે જયારે ડ્રાઈવરને પુછાણ કરતા ડ્રાઈવરે તેઓની સાથે જીભાજોડી કરી હતી અને કમિશનરને કહીં દો તેવો જવાબ આપ્યો હતો અને ગાડી ત્યાં જ મુકીને રવાના થઈ ગયો હતો.
શહેરભરમાં ભીના-સુકા કચરાની માથકુટના કારણે ગાર્બેજ કલેકશન રીતસર બંધ થઈ ગયું છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ સુધી ફરિયાદ મળતા તેઓએ તાત્કાલિક આ અંગે ઘટતું કરવા ડીએમસી ચેતન ગણાત્રાને ટેલીફોન પર સુચના આપી દીધી છે.