રેલ મહાપ્રબંધક દ્વારા રાજકોટ અને ભાવનગર મંડળના સાંસદો સાથે વિવિધ મુદ્દે યોજાયેલી વચ્યુઅલ બેઠકમાં ચર્ચા કરાઈ
પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને ભાવનગર ડીવીઝનોના અધિકાર ક્ષેત્ર અંતર્ગત સંસદ સભ્યો સાથે મુસાફરોની સુવિધાઓ અને સેવાઓમાં બદલાવ લાવવા સંદર્ભે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ગઇકાલે એક વચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રેલવે મહાપ્રબંધક આલોક કંસલના વિવિધ સાંસદો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ બેઠકમાં રાજકોટ મંડળના રેલ પ્રબંધક પરમેશ્ર્વર ફુંકવાલ, ભાવનગર મંડળ રેલ પ્રબંધક પ્રતિક ગોસ્વામી તથા પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા. રાજકોટ ડીવીઝનના વરિષ્ઠ મંડળ વાણિજય પ્રબંધક અભિનવ જેફ અનુસાર રાજકોટ અને ભાવનગર મંડળ ક્ષેત્રાધિકારના કુલ સાત સાંસદોએ આ ઓનલાઇન બેઠકમાં ભાગ લીધો હતો.
જેમાં પુનમબેન માડમ, ડો. ભારતીબેન શિયાળ, ડો. મહેન્દ્રભાઇ મુંજપરા, મોહનભાઇ કુંડારીયા, વિનોદભાઇ ચાવડા, નારણભાઇ કાછડીયા તથા રાજેશભાઇ ચુડાસમા પણ સામેલ રહયા હતા.બેઠક દરમિયાન રેલવેની વિવિધ મહત્વપૂર્ણ યાત્રી સેવાઓ અને માળખાગત પરિયોજનાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન મહાપ્રબંધક કંધલએ સાંસદોને વર્તમાન સમયમાં ચાલી રહેલી વિવિધ મહત્વપૂર્ણ પરિયોજનાઓ વિશે માહીતગાર કર્યા હતા. અને જણાવ્યું હતું કે પશ્ર્ચિમ રેલવે પોતાના ક્ષેત્રાધિકાર અંતર્ગત યાત્રાળુઓને વિવિધ સુવિધાઓ આપવા માટે હમેશા અગ્રેસર રહ્યું છે. સાંસદોએ પણ પોતાની માંગોને મૂકી હતી અને આ મંડળોમાં ચાલી રહેલી પરિયોજનાઓની સકારાત્મક પ્રગતિ પ્રત્યે પણ પોતાનો સંતોષ વ્યકત કર્યો હતો.