કેન્દ્રની યોજનાઓ દીદી પં.બંગાળમાં લાગુ કરતા નથી: ખડગપુરમાં વડાપ્રધાને તૃણમુલ પર કર્યા પ્રહાર
પં.બંગાળમાં ચૂંટણી જંગ ધીમે ધીમે અસલ રંગમાં આવતો જાય છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજી તરફ મમતા બેનર્જી વચ્ચે આરપારની જંગ જામી ચૂક્યો છે. આજે ખડગપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધેલી સભામાં મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે, પં.બંગાળમાં હવે ભાજપની જ સરકાર રચાશે. કેન્દ્રની યોજનાઓ અત્યાર સુધી દીદી પં.બંગાળમાં લાગુ કરતા ન હતા અને સમગ્ર વિસ્તાર વિકાસથી વંચિત રહેવા પામ્યો છે. મમતા બેનર્જી ગરીબોના પેટમાં પાટુ મારે છે. દીદી પ્રજાનો દ્રોહ કરે છે અને રાજકીય રાગદ્વેશમાં નાગરિકોને કેન્દ્ર સરકારની યોજનાઓથી વંચિત રાખવામાં આવ્યા છે.
ખડગપુરમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, હવે પ્રજા જાણી ચૂકી છે. પં.બંગાળમાં અત્યાર સુધી વિકાસ કામો થયા જ નથી. દીદીએ પં.બંગાળમાં માત્ર ભ્રષ્ટાચાર જ ર્ક્યો છે. ભાજપની જ સરકાર રચાશે તેવો આત્મવિશ્ર્વાસ વ્યકત કરીને વડાપ્રધાને પં.બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ સંપૂર્ણપણે નિષ્ફળ નિવડી હોવાનું જણાવ્યું હતું. યુવાનોમાં બેરોજગારી અને વિકાસની તકોનો જે રાફડો ફાટ્યો છે. તેની પાછળ કેન્દ્ર સરકારની યોજનાઓનો પં.બંગાળમાં દુર્લક્ષતા સેવવાનું કારણ જણાવી વડાપ્રધાને કહ્યું હતું કે, હવે રાજકારણમાં નકારાત્મકતાનો સમય પુરો થઈ ગયો છે. લોકો વિકાસ તરફ વળ્યા છે. સમગ્ર દેશમાં વિકાસ તરફ પ્રજાનો રૂખ છે ત્યારે અત્યાર સુધી વિકાસથી વંચિત રહેલા પં.બંગાળના મતદારો પણ હવે ભાજપના વિકાસવાદને અપનાવશે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પં.બંગાળમાં ભાજપની જ સરકાર રચાશે. સ્થાનિક રાજકારણ અને ખાસ કરીને મમતા બેનર્જીએ પં.બંગાળને કેન્દ્ર સરકારની યોજનાઓથી વંચિત રાખી વિકાસમાં જે અવરોધ ઉભા કર્યા છે તે હવે ભૂતકાળ બનશે. પ્રજા સમજી ચૂકી છે કે, વિકાસ અને સકારાત્મક રાજકારણ સીવાય છુટકો નથી. વડાપ્રધાને આત્મવિશ્ર્વાસ વ્યકત કર્યો કે પં.ગંબાળમાં વિશ્વાસ અને વિકાસના રાજકારણને અપનાવીને મતદારોના જોકથી પં.બંગાળમાં અવશ્યપણે ભાજપની સરકાર રચાશે.