કોરોના મહામારી વચ્ચે થઈ રહેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈ અનેક પ્રકારના સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી અને ટીએમસી પ્રમુખ મમતા બેનરજી બાદ હવે મોદી સરકારે પણ આગળ આવી ચૂંટણી પ્રચાર અંગે મહત્વનો નિર્ણય લીધો છે. કોરોનાએ છેલ્લા ત્રણ ચરણની પશ્ચિમ બંગાળની ચૂંટણી વર્ચ્યુઅલ બનાવી દીધી છે. ભરતીય જનતા પાર્ટીએ જણાવ્યું છે કે હવે મોટી રેલી, મેળાવડાઓ યોજાશે નહિ. 500 લોકોથી વધુ લોકો હાજર રહી શકશે નહીં. જણાવી દઈએ કે આ અગાઉ ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને ટ્વીટ કરીને મમતા બેનરજી હવે કોલકાતામાં ચૂંટણી પ્રચાર નહીં કરે તેવી માહિતી આપી હતી.
બીજેપીનું કહેવું છે કે પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રચાર અભિયાનમાં હવે મોટી રેલીઓ નહીં થાય, ભાજપે કહ્યું કે, હાલ ચાલી રહેલી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી ઝુંબેશમાં કોઈ મોટી રેલી કે જાહેર સભા ન યોજવાનું પક્ષ દ્વારા નક્કી કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષે નિવેદનમાં જણાવ્યું છે કે, ભાજપના નેતાઓ મહત્તમ 500 લોકોની મર્યાદા સુધીમાં નાની જાહેર સભાઓને સંબોધન કરશે. બીજેપીએ કહ્યું કે તેની તમામ જાહેર સભાઓ કોવિડ -19ની તમામ માર્ગદર્શિકાને પગલે ખુલ્લા સ્થાને યોજાશે અને તે રાજ્યમાં છ કરોડ માસ્ક અને સેનિટાઇસર્સનું વિતરણ કરશે. નિયમોનું કડકપણે પાલન કરશે.