મોટા શહેરના મોહને લીધે સુરત ગયા પણ હવે….
સુરતમાં હીરા ઉદ્યોગને માઠી અસર થતા રત્ન કલાકારો હવે અલંગમાં જહાજ ભાંગવાના કામે લાગ્યા
સ્થાનિક બેકારો માટે તાલીમ મેળવી રોજગારીની વધી રહી છે તક
અવકાશ કોઈ જગ્યાએ રહેતો નથી અવકાશ થાય એ સથિ જ અન્યત્રથી એ અવકાશ પૂરાઈ જાય છે એવી માન્યતા છે. કોરોનાના રોગચાળા બાદ અલંગમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન યુપી, બિહાર, મહારાષ્ટ્ર ગયા બાદ પરત ફર્યા નથી ત્યારે અલંગમાં હવે સ્થાનિક રત્ન કલાકારો કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ માટે રત્નકલાકારો સહિત સ્થાનિક શ્રમિકોને તાલીમ પણ આપવામાં આવી રહી છે.
દેશમાં કોરોનાને અટકાવવા લોકડાઉન જાહેર થયું ત્યારબાદ રાજયમાં ભાવનગર જિલ્લામાં આવેલા અલંગમાં જહાજ ભાગવાના ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ વગેરેના પરપ્રાંતીય શ્રમિકો પોતાના બીન જતા રહ્યા હતા અલંગમાં જહાજ ભાંગવાનું કામ બંધ થતા વતન ગયેલા શ્રમિકો પોતાના વિસ્તારમાં સ્થાનિક રોજગાર મેળવી કામે લાગી ગયા હતા અને કેટલાય શ્રમિકો ગુજરાત કે અલંગમાં કામે આવ્યા નહતા.
અલંગમાં જહાજ ભાંગવાના ૧૦૦ પ્લોટ છે જેમાં વિદેશથી મોટામોટા જહાજ ભાંગવા માટે આવે છે. અલંગમાં ૧૦ હજાર પરપ્રાંતીય શ્રમકો કામ કરતા હતા તેમાંથી ૮૦૦૦ જેટલા ઉત્તરપ્રદેશ, બિહાર વગેરે જગ્યાએ પોતાના વતન ગયા હતા આ શ્રમિકો પૈકી અડધો અડધ શ્રમકો એકલા બીજી મુશ્કેલીને લીધે અલંગમાં જહાજ ભાંગવાના કામ માટે પરત ફર્યા નથી. ત્યારે જહાજ ભાંગવાના ઉદ્યોગમાં શ્રમિકોની માંગ છે.
આ માંગને લઈ અગાઉ અલંગમાં જ કામ કરતા અને બાદમાં સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરવા ગયેલા શ્રમિકો હાલ હીરા ઉદ્યોગની મંદી તથા કોરોના કહેરનાં કારણે બેકાર બનાવ્યા હતા. આથી આ રત્ન કલાકારોએ હવે અલંગ ભણી નજર દોડાવી સુરતથી અલંગમા કામ કરવાનું શરૂ કરી દીધું છે.
અલંગમાં શ્રમિકોની અછતને ધ્યાને લઈ અલંગ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશને ગુજરાત મેરીટાઈમ બોર્ડને સ્થાનિક બેરોજગારોને તાલીમ આપવા રજૂઆત કરી હતી. સ્થાનિક બેકારો નજીકમાં જ રોજગારી મેળવી શકે એ માટે આ તાલીમ પૂન: શરૂ કરાતા સુરતના રત્નકલાકારો ઉપરાંત સ્થાનિક બેકારો પણ જહાજ ભાંગવાનાં કામની તાલીમ લઈ નવી રોજગારી તરફ વળવા લાગ્યા છે.
અલંગના શીપબ્રેકર ચિંતન કળશીયાએ જણાવ્યું હતુ કે, ઉત્તર પ્રદેશના કેટલાક શ્રમિકો અલંગમાં આવવા માટે પોતાના જરૂરી દસ્તાવેજો રજૂ નહી કરી શકતા કે વાહન વ્યવહારનરી પૂરતી વ્યવસ્થા ન હોવાથી અલંગ આવી શકતા નથી.
શીપ રીસાયકલીંગ ઈન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા શું કહે છે?
શીપ રીસાયકલીંગ ઈન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું હતુ કેઅલંગમાં જહાજ ભાંગવાનું કામ મહેનત માગી લે તેવું છે. એટલે અહીં કામ કરતા કેટલાક શ્રમિકોએ રત્ન કલાકાર તરીકે કામ કરવાનું પસંદ કરી સુરત અને અન્યત્ર ગયા હતા પણ સુરતમાં અને હીરાબજારમાં મંદીનાં કારણે આ શ્રમિકો ફરી અલંગ તરફ વળ્યા છે અને હવે સુરત જવાને બદલે સ્થાનિક અલંગ ખાતે જ કામ કરવાનું નકકી કર્યું છે. કેટલાક નવા શ્રમિકો આ માટે તાલીમનો પણ લાભ લઈ રહ્યા છે.
જીએમબી શ્રમિકોને આપે છે તાલીમ
ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા અલંગના જહાજ ઉદ્યોગ કે અન્ય ઉદ્યોગ દ્વારા મોકલાતા શ્રમિકોને જે તે ઉદ્યોગને સંલગ્ન તાલીમ આપવામાં આવે છે. જેથી શ્રમિકો રોજગારી મેળવી શકે અલંગમાં હાલ ૧૦૫ શ્રમિકોને જહાજ ભાંગવાના કામની તાલીમ આપવામાં આવી રહી છે. આવી તાલીમ લેવા માટે ૨૦૦ વ્યકિતનું પ્રતિક્ષાયાદી છે. આગામી સમયમાં વધુ શ્રમિકોને તાલીમ અપાશે.
તાલીમ કેન્દ્રના ડાયરેકટર રાજેશ આષાઢીએ જણાવ્યું હતુ કે તાલમી બધ્ધ શ્રમિકોની માંગને ધ્યાને લઈ અમે વધુને વધુ લોકોને તાલીમ આપવાનું નકકી કર્યું છે. જેથી એકાદ માસમાં તાલીમ લેવા ઈચ્છતા શ્રમિકોની યાદ પૂરી કરી શકાય.
લોકડાઉન લદાતા અમે પણ તાલીમ આપવાનું બંધ કર્યું હતુ જે હવે પૂન: શરૂ થઈ ગયું છે. અમારે ત્યાં કેટલાય નવા શ્રમિકો પણ અહી તાલીમ મેળવવા આવે છે.