રાજકોટ: આજી ડેમમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત
બે મિત્રો સાથે ફરવા ગયો અને ન્હાવા પડતા તેની નજર સામે જ ઊંડા પાણીમાં ગરકાવ થયો

આજીડેમમાં ભલે પોલીસનો બંદોબસ્ત વધારવામાં આવ્યું છે પરંતુ આજે ડેમમાં ડૂબી જવાના બનાવ છાસવારે બનતા જ રહે છે. ત્યારે વધુ એક કિશોરે ડેમમાં નાહવા પડતા પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા સ્ટાફ આજીડેમ પર દોડી જઇ તેના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથધરી હતી.વિગતો મુજબ આજી ડેમ પોલીસે જણાવ્યું કે મવડીની ગુરૂજી આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતો રીઝવાન કનાભાઈ શેખ (ઉ.વ.12) તેના બે મિત્રો સાથે ગઈકાલે આજી ડેમ ચોકડી પાસે ભરાતી રવિવારી બજારની પાછળ આવેલા ડેમ વિસ્તારમાં ફરવા ગયો હતો. ન્હાવાની ઈચ્છા થતા ત્રણેય મિત્રો પાણીમાં પડયા હતા. પરંતુ રીઝવાન દુર જતા ઉંડા પાણીને કારણે ડૂબવા લાગ્યો હતો. કિનારે ન્હાઈ રહેલા તેના બંને મિત્રોએ આ દ્રશ્યો જોઈ બુમાબુમ શરૂ કરી હતી.

જેને પરીણામે આસપાસથી લોકો ભેગા થઈ ગયા હતા. જેમાંથી કોઈએ જાણ કરતા ફાયરબ્રિગ્રેડના જવાનો દોડી આવ્યા હતા. શોધખોળના અંતે તેમના હાથમાં રીઝવાનનો મૃતદેહ જ આવ્યો હતો. જાણ થતા તેના પરીવારના સભ્યો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. અગાઉ પણ રીઝવાન તેના મિત્રો સાથે આ વિસ્તારમાં ફરવા ગયો હતો. બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ પ્રાથમિક પૂછતાજ કરતા જાણવા મળ્યું હતું.તે ધો.4 માં અભ્યાસ કરતો હતો.અને તે ચાર ભાઈ અને એક બહેનમાં ત્રીજા નંબરનો હતો. તેના પિતા મજુરી કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.