નવરાશની પળોમાં ગોસિપ નહી પરંતુ સાહિત્ય સર્જન કરે તેવો પ્રયાસ
રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલની ’વામા’ ક્લબમાં ’વેલ વિશર વિમેન્સ કલબ’ની પાંચમી શાખાનું સ્નેહમિલન યોજી શાખાને પ્રવૃત કરવામાં આવી હતી. ’વેલ વિશર વિમેન્સ ક્લબ’ એટલે સ્ત્રીઓ વડે, સ્ત્રીઓ માટે સ્ત્રીઓના ઉત્થાન માટે ચાલતી સંસ્થા. છેલ્લા સાત વર્ષથી શરૂ થયેલા આ કલબની બહેનોની સંખ્યાનો આંકડો આજે ૩૦૦ને પાર થયો છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ સ્ત્રીઓમાં રહેલી સુષુપ્ત કળાને વિકસાવવાનો છે. અહીં નવરાશની પળોમાં ગોસિપ નહીં પરંતુ સાહિત્યસર્જનના લક્ષ્ય સાથે સ્ત્રીઓને સોશિયલ મીડિયા દ્વારા એક માધ્યમ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.
આ ક્લબના પ્રણેતા નીતાબેન શાહે પોતાના જીવનની સેક્ધડ ઇનિંગ શરૂ કરવાની સાથે બહેનોની આ ક્લબનો અમદાવાદથી સાત વર્ષ પૂર્વે પ્રારંભ કર્યા બાદ અહીં ચૌલાબેન ભટ્ટ તેમજ જાગૃતીબેન રામાનુજ સાથે રાજકોટના બહેનોને જોડવા રૂબરૂ પધાર્યા હતા. તેમણે ક્લબની કાર્યપદ્ધતિ થી તેમજ અમદાવાદ, વડોદરા, કેલિફોર્નિયા અને સુરેન્દ્રનગર સુધી કઈ રીતે આ ક્લબ કામ કરી રહી છે, તે અંગેની વિગતવવાર માહિતી આપી હતી. રાજકોટના ઇન્ચાર્જ ભગવતી બેન પંચમતિયાએ સૌને સંસ્થાના નિયમોથી અવગત કર્યા હતા. તેમજ વોટ્સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર જોડાયેલા બહેનો રાજકોટમાં રૂબરૂ થયા હતા. અહીં એક બીજા સાથે પરિચય મેળવીને સૌ આનંદિત થયા હતા. તેમજ નિયમિત સાહિત્ય સર્જનના સંકલ્પ સાથે સૌ છુટ્ટા પડયા હતા.
વેલ વિશર વિમેન્સ ક્લબમાં સ્થાપિત લેખિકાઓ અને અસંખ્ય નવોદિત બહેનો જોડાયેલા છે. ગદ્ય અને પદ્યની રચના ફેસબુક અને વોટ્સએપ ગ્રુપના માધ્યમ દ્વારા લખવાની તક આપી બહેનોની કલમને વિકસાવવાની તથા માસિક રૂબરૂ મિટિંગ યોજી તજજ્ઞોના માર્ગદર્શન થકી કલમને વધારે ધારદાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. બે વર્ષથી અનોખી રીતે લાઇબ્રરીની સેવા તેમજ ત્રણ વર્ષથી પોસ્ટકાર્ડ દ્વારા બહેનોને એકબીજાને શુભેચ્છા પાઠવવાની શરૂઆત કરવામાં આવી છે. આમ જ્ઞાન તથા હુંફ આપવાનો સહિયારો પ્રયાસ થઈ રહ્યો છે. એટલું જ નહીં આ ગ્રુપ દ્વારા સહિયારી નવલકથા ’મનસ્વી’ ૧૪ બહેનોએ ભેગા થઈને લખી છે. તથા બીજી નવલકથા ’મીણ પાષણ’ ૩૦ બહેનોએ ભેગા થઈને લખી છે. માત્ર બહેનો દ્વારા લખવામાં આવેલી પ્રથમ સહિયારી નવલકથા પ્રકાશિત કરવાના વેલ વિશર વિમેન્સ ક્લબના પ્રયત્નને ઇન્ડિયા રેકોર્ડ બુક દ્વારા નોંધવામાં આવ્યો છે.
કલબના પ્રણેતા નિતાબેન શાહે રાજકોટની બહેનો સાથે વિશ્ર્વાસ વ્યકત કરીને સૌના સહકાર થકી ફરી એક વખત આપણે રેકોર્ડ તોડીશૂં અને નવા આયામ પ્રસ્થાપિત કરવાની વાત કરી હતી.
આ કલબ ૨૦૨૦-૨૧માં પાંચ પુસ્તકો પ્રકાશિત કરવા જઈ રહી છે. જેમાંથી સહિયારી નવલકથા ૩ લખવાની શરૂઆત થઈ ચૂકી છે. આ નવલ કથાને ૪૫ બહેનો ભેગા થઈને લખશે.