જંગલમાંથી કાર રેઢી મળી આવી: આડતિયા સેવાકીય પ્રવૃત્તિ માટે પણ પ્રખ્યાત: તાજેતરમાં તેમના પર બની હતી ફિલ્મ

મૂળ પોરબંદરના અને વર્ષોથી આફ્રિકામાં સ્થાયી થયેલાં જાણીતા બિઝનેસમેન રિઝવાન આડતિયાનું મોઝામ્બિકના માપુટો પાસે અપહરણ થયું છે. રિઝવાન આડતિયાની રેન્જ રોવર કાર જંગલમાં રેઢી મળી આવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ આફ્રિકાના મોઝામ્બિક દેશના માપુટો પાસે જંગલ વિસ્તારમાં રિઝવાન આડતિયાની કાર રેઢી મળી આવી હતી. કોરોનાના કારણે ડ્રાઈવર વગર તેઓ એકલા જ કારમાં હોવાની વિગતો મળી છે. પોરબંદરમાં જન્મેલા અને મોઝામ્બિકમાં બિઝનેસના ઉંચા શિખર સર કરનારા રિઝવાન આડતિયાનું COGEF ગ્રુપ ૨ હજાર કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે. આડતિયા સેવાકીય પ્રવૃત્તિ માટે પણ પ્રખ્યાત છે.તાજેતરમાં તેમના જીવન પરથી ફિલ્મ પણ બની હતી.

પોરબંદરના પનોતા પુત્ર અને જાણીતા ઉદ્યોગપતિ રિઝવાનભાઈ આડતીયાનું મોઝામ્બિકમાં અપહરણ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે..પોરબંદર ની વિ જે મદરેસા સ્કૂલ ના ઓનરરી સેક્રેટરી ફારૂકભાઈ સૂર્યા એ આપેલ માહિતી મુજબ રિઝવનભાઈ આજે ભારતીય સમય પ્રમાણે અંદાજે રાત્રીના સાડા આઠેક વાગ્યે મોઝામ્બિક ના માપૂટો શહેર માં આવેલ તેમની સુપર માર્કેટ માંથી નીકળી કાર મારફત જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા લોકો એ તેમનું અપહરણ કરી લીધું હતું જ્યારે તેમની કાર સ્થળ પર થી મળી આવી છે.રિઝવાનભાઈ જાતે કાર ચલાવતા હોવાનું જાણવા મળે છે. રિઝવનભાઈના અપહરણના સમાચાર મળતા ભારત સરકાર અને આફ્રિકન સરકાર દ્વારા તેમને છોડાવવા ના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે.તેમનું બહોળું મિત્રવર્તુળ અને દેશ વિદેશ ના લોકો તેમને વહેલી તકે મુક્ત કરવામાં આવે તેવી દુવાઓ કરી રહ્યા છે રિઝવાનભાઈ ના ભાઈ ફારૂકભાઈ પોરબંદરમાં વસવાટ કરે છે અને રિઝવાનભાઈ છેલ્લા ૩૦ વર્ષ થી આફ્રિકા માં વસવાટ કરે છે તેઓ ઉદ્યોગપતિ તરીકે ખૂબ સારું નામ ધરાવે છે ત્યારે પોરબંદર માં રહેતા તેમના ભાઈ અને તેનો પરિવાર અપહરણ ની ઘટના ને લઇ ખૂબ ચિંતિત બન્યો છે

૫૨ વર્ષના રિઝવાન આડતિયાનો જન્મ ૧૯૬૭માં પોરબંદરના ઇસ્માયલી ખોજા પરિવારમાં થયો છે. બાળપણથી જ તેઓ સેવાભાવી રહ્યાં છે. માત્ર ૧૬ વર્ષની વયે તેમણે પોરબંદરની એક કંપનીમાં નોકરી કરવાની શરૂઆત કરી હતી. જે સમયે તેમને ૧૭૫ રૂપિયા માસિક પગાર આપવામાં આવતો હતો. એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે એ સમયનો એક કિસ્સો જણાવ્યો હતો, જેણે તેમનું જીવન બદલી નાંખ્યું. તેમની નોકરીમાં પહેલા પગાર પેટે ૧૭૫ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તેઓ પહેલા પગારની ખૂશી સાથે ઘરે જઇ રહ્યાં હતા, ત્યારે રસ્તામાં એક વૃદ્ધે તેમની પાસે લિફ્ટ માગી. વૃદ્ધને મેડિકલ સ્ટોરે લઇ ગયા. જ્યાં દવાનું બિલ ૧૧૦ રૂપિયા થયું હતું, પરંતુ એ વૃદ્ધ પાસે માત્ર ૭૦ રૂપિયા જ હતા. એ સમયે અન્ય કોઇ વિચાર કર્યા વગર તેમણે તુરંત જ પોતાના પગારમાંથી ૧૧૦ રૂપિયા મેડિકલ સ્ટોરને ચૂકવી દીધા હતા. બાદમાં વૃદ્ધને હોસ્પિટલે મૂકવા ગયા અને કોઇપણ મદદ હોય તો જણાવવા માટે કહ્યું હતું. એ વૃદ્ધે આપેલા આશિર્વાદ અને આ ઘટના બાદ રિઝવાને ક્યારેય પાછા વળીને જોયું નથી. પોઝિટિવ લાઇફ કેવી રીતે જીવવી એ અંગે તેઓ મોઝામ્બિકમાં લેક્ચર આપે છે. ઇશ્વરે જે કંઇ આપ્યું છે તેનો થોડો ભાગ જરૂરિયાતમંદ માટે વાપરવો જોઇએ એ તેમનો જીવનમંત્ર છે.

રિઝવાન આડતિયા ફાઉન્ડેશન સંસ્થા હેઠળ સેવાકીય કાર્યો સાથે જોડાયેલા રિઝવાન આડતિયા ગુજરાતના અનેક સીનિયર સિટિઝનને ફ્રીમાં વિદેશની ટૂર કરાવે છે. વર્ષ ૨૦૧૭માં જુદા જુદા વિસ્તારમાંથી વૃદ્ધાશ્રમ સહિત ૫૦ જેટલા સીનિયર સિટિઝનને સિંગાપોર અને મલેશિયાની ટૂર કરાવી હતી. આડતિયા દ્વારા વિનામૂલ્યે વિદેશયાત્રા જ નહીં પાસપોર્ટ, બેગ, કપડાં, મેડિકલ, વયોવૃદ્ધ માટે વ્હીલચેર ઉપરાંત ખર્ચ કરવા માટે ૫૦ ડોલર જેવી રકમ પણ આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.