સભ્યપદ બાકી રહી ગયું હોય તેવા માટે છેલ્લી તક: ગુણવંતભાઈ ડેલાવાળા; બાળસભ્યો માટે ફનવર્લ્ડ,  ક્રિષ્ના વોટર પાર્કની સફર અને ફિલ્મ શોનું આયોજન

નાટય શો, મ્યુઝિકલ નાઈટ, સમર ટ્રેનિંગ કલાસ, રશિયાનો પ્રવાસ જેવા આકર્ષણો: ૧૪મી એપ્રીલે વાર્ષિક સાધારણ સભા યોજાશે

છેલ્લા ૩૮ વર્ષથી ૪૩ જેટલી જુદી જુદી સામાજિક પ્રવૃત્તિઓ કરતી સરગમ કલબમાં નવા વર્ષના સભ્ય થવાની કામગીરી પૂર્ણતાના આરે છે અને જો હજુ કોઈ રહી ગયું હોય તો જાગનાથ મંદિર ચોકમાં આવેલી સરગમ કલબની ઓફિસ ખાતે સંપર્ક કરીને સરગમ પરિવારના સભ્ય બની શકે છે તેમ પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ એક યાદીમાં જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સરગમ પરિવારના સભ્ય થવા માટે રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

સરગમ કલબે પરિવારના સભ્યો માટે એપ્રિલ અને મે માસના રંગારગં કાર્યક્રમો પણ ઘડી કાઢયા છે. આ કાર્યક્રમોમાં બાળ સભ્યો માટે ફનવર્લ્ડ ,  ક્રિષ્ના વોટર પાર્કની પિકનીક અને ફિલ્મ શો ઉપરાંત અન્ય ગ્રુપ માટે નાટય શો, મ્યુઝિકલ નાઈટ, સમર ટ્રેનિંગ કલાસ અને રશિયાનો પ્રવાસ જેવા આકર્ષક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. સરગમ કલબની વાર્ષિક સાધારણ સભા આગામી ૧૪મી એપ્રિલે મળશે તેમ પણ ગુણવંતભાઈએ જણાવ્યું છે.

તેમણે જણાવ્યું છે કે સરગમ ચિલ્ડ્રન કલબ, સરગમ લેડીઝ કલબ, સરગમ જેન્ટસ કલબ, સિનિયર સિટીઝન કલબ અને સરગમ કપલ કલબમાં સભ્ય થવા માગતાં અને હજુ સુધી ફોર્મ રજૂ ન કયુ હોય તેવા લોકોએ તાત્કાલિક યાજ્ઞિક રોડ પર જાગનાથ મંદિર ચોકમાં આવેલી ઓફિસમાં પોતાનું ફોર્મ રજૂ કરી દેવાનું રહેશે. નવી મેમ્બરશિપ મેળવવા માટે અથવા મેમ્બરશિપ રિન્યુ કરવા માટે હવે ઓછી તક બાકી રહી છે જેથી તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયું છે. સરગમ પરિવારના સભ્ય બનનારને વર્ષમાં ૧૦ જુદા જુદા આકર્ષક કાર્યક્રમો માણવાની તક મળે છે.

સરગમ જેન્ટસ કલબ

સરગમ જેન્ટસ કલબના સભ્યો માટે આગામી ૩૦મી એપ્રિલને મંગળવાર રાત્રે ૧૦ વાગ્યે હેમુ ગઢવી હોલમાં મુંબઈના પ્રખ્યાત નાટક કૌસ્તુભ ત્રિવેદી પ્રસ્તુત પરણે એ પ્રભુને શરણે ના શો યોજવામાં આવ્યો છે. આ નાટક એક સામાજિક હાસ્ય નાટક છે અને તેમાં રાહુલ અંતાણી, દેવાંગી શાહ અને અભિજિત ચિત્રે જેવા ટીવી સીરિયલના કલાકારો અભિનય આપી રહ્યા છે. આ કાર્યક્રમમાં જેન્ટસ કલબના સભ્યો ઉપરાંત આમંત્રિતો, દાતાઓ, ઉધોગપતિઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

સરગમ લેડીઝ કલબ

સરગમ લેડીઝ કલબના ’એ’ ગ્રુપના સભ્યો માટે તા.૨૭ એપ્રિલે હેમુ ગઢવી હોલમાં આ જ નાટય શો બપોરે ૩થી ૫:૩૦ દરમિયાન અને ’બી’ ગ્રુપના સભ્યો માટે તા.૨૮ એપ્રિલે બપોરે ૩થી ૫:૩૦ દરમિયાન યોજાશે.

સરગમ લેડીઝ કલબ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફકત બહેનો માટે સમર ટ્રેનિંગ કલાસનું તા.૧લી મેથી ૧૧મી મે સુધી આયોજન કરવામાં આવ્યું છે. મોટી ટાંકી ચોકમાં કોટક સ્કૂલમાં યોજાનારા સમર ટ્રેનિંગ કલાસમાં રોજના ૧૦ રૂપિયા જેટલી ટોકન ફીમાં નિષ્ણાત ટયુટરો દ્રારા વિવિધ ૩૨ વિષયોની તાલીમ આપવામાં આવશે. આ સમર ક્લાસમાં શહેરની કોઈ પણ બહેનો ભાગ લઇ શકશે.

સરગમ કપલ કલબ

સરગમ કપલ કલબના ’એ’ ગ્રુપના સભ્યો માટે મુંબઈના પ્રખ્યાત નાટક ’ પરણે એ પ્રભુને શરણે’ નો શો તા.૨૫ એપ્રિલે રાત્રે ૧૦ વાગ્યે યોજાશે. આવી જ રીતે ’બી’ ગ્રુપના સભ્યો માટે તા.૨૬ને શુક્રવારે રાત્રે ૧૦ કલાકે, ’સી’ ગ્રુપના સભ્યો માટે તા.૨૭ને શનિવારે રાત્રે ૧૦ વાગ્યે, ’ડી’ ગ્રુપના સભ્યો માટે તા.૨૮ને રવિવારે રાત્રે ૧૦ કલાકે અને ’ઈ ’ ગ્રુપના સભ્યો માટે તા.૨૯ને સોમવારે રાત્રે ૧૦ વાગ્યે હેમુ ગઢવી હોલમાં યોજાશે.

સરગમ સિનિયર સિટીઝન કલબ

સરગમ સિનિયર સિટીઝન કલબના એ’ ગ્રુપના સભ્યો માટે નાટય શો તા.૨૭ને શનિવારે સાંજે ૬:૩૦ વાગ્યે યોજાશે.ત્યારે ’બી’ ગ્રુપના સભ્યો માટે તા.૨૮ને રવિવારે સાંજે ૬:૩૦ વાગ્યે નાટય શો યોજાશે.

સરગમ ચિલ્ડ્રન કલબ

સરગમ ચિલ્ડ્રન કલબના ’એ’ ગ્રુપના સભ્યો માટે તા.૨૫ એપ્રિલને ગુરૂવારે સવારે ૮ વાગ્યાથી ફનવલ્ર્ડનો પ્રવાસ યોજાશે. આવી જ રીતે ’બી’ ગ્રુપના સભ્યો માટે તા.૨૬ને શુક્રવારે સવારે ૮ વાગ્યાથી આ પિકનીક યોજાશે.જયારે ચિલ્ડ્રન કલબના ’એ’ ગ્રુપના બાળમિત્રો માટે તા.૨૯ને સોમવારે ક્રિષ્ના વોટર પાર્કના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

આવી જ રીતે ’બી’ ગ્રુપના સભ્યો માટે તા.૩૦ એપ્રિલને મંગળવારે આ પિકનીક યોજાશે.આ ઉપરાંત સરગમ ચિલ્ડ્રન કલબના સભ્યોને આ વખતે ફિલ્મ શો નિહાળવાની પણ તક મળશે. બાળકોના ’એ’ ગ્રુપના સભ્યો માટે તા.૨ મેને ગુરૂવારે સવારે ૯થી ૧૧:૩૦ દરમિયાન હેમુ ગઢવી હોલમાં ફિલ્મ શો યોજાશે. આવી જ રીતે ’બી’ ગ્રુપના સભ્યો માટે તા.૩ મેને શુક્રવારે સવારે ૯થી ૧૧:૩૦ દરમિયાન બીજો ફિલ્મ શો યોજાશે.

સરગમ સિટીઝન ઈવનિંગ પોસ્ટ પાર્ક

સરગમ સિટીઝન ઈવનિંગ પોસ્ટના સભ્યો માટે તા.૨૫ એપ્રિલને ગુરૂવારે બપોરે ૪:૩૦થી ૭:૩૦ દરમિયાન હેમુ ગઢવી નાટય ગૃહમાં મ્યુઝિકલ પાર્ટી સાથે ભકિત સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં મનસુરભાઈ ત્રિવેદી પ્રસ્તુત મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રાના સથવારે સૈફુદ્દીન ત્રિવેદી, બિમલ શાહ, નિલેશ વસાવડા, કાજલ કથ્રેચા, અનુબેન ઠાકર સહિતના કલાકારો ગીતસંગીતની જમાવટ કરશે.

વાર્ષિક સાધારણ સભા

સરગમ કલબની ૨૦૧૮૧૯ની વાર્ષિક સાધારણ સભા તા.૧૪મી એપ્રિલને રવિવારે સાંજે ૬:૪૫ કલાકે હેમુ ગઢવી હોલમાં યોજાશે.આ વાર્ષિક સાધારણ સભામાં ૩૧મી માર્ચના રોજ પૂરા થતાં વર્ષના હિસાબોને બહાલી ઉપરાંત ભાવિ પ્રોજેકટની જાહેરાત અને વિવિધ વિભાગોમાં ઈન્ચાર્જની નિમણૂક કરવામાં આવશે. તેમજ નવા વર્ષ  ના હોદેદારો ની ચૂંટણી કરવામાં આવશે આ વાર્ષિક સાધારણ સભામાં સરગમ જેન્ટસ કલબના તમામ સભ્યોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

રશિયાનો પ્રવાસ

સરગમ પરિવારના સભ્યો માટે આ વખતે જન્માષ્ટ્રમીના તહેવારો દરમિયાન રશિયાના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસ તા.૨૩મી ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર એમ ૧૦ દિવસ માટે યોજાશે. આ પ્રવાસ દરમિયાન ત્રણ દિવસ મોસ્કોમાં રોકાણ રહેશે અને રેડીસન ક્રુઝ, ક્રેમલીન પ્રવાસ, રશિયન સર્કસ, રેન્ડ સ્કવેર, સોનેરી રિંગ સિટી, મ્યુઝિયમ, વોડકા મ્યુઝિયમ, હેરિટેજ મ્યુઝિયમ સહિતના સ્થળોની મુલાકાત લેવામાં આવશે. વધુ વિગત માટે વેકેશન વાઈબ્સ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના શિવાની કારિયા (મો.નં.૮૩૪૭૯ ૬૫૨૦૩) અથવા ગુણવંતભાઈ ડેલાવાળા, જાગનાથ મંદિર ચોક, યાજ્ઞિક રોડનો સંપર્ક કરવાનો રહેશે.

વિવિધ પ્રવૃત્તિઓ

સરગમ કલબ દ્રારા સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે વિવિધ ૪૩ જેટલી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓનો લાભ સરગમ પરિવારના સભ્યો ઉપરાંત અનેક શહેરીજનો પણ લઈ રહ્યા છે. સરગમ દ્રારા જે પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવે છે તેમાં રાહતદરે દવાખાના, લેબોરેટરી, મેડિકલ સ્ટોર, વિવિધ વિસ્તારોમાં લેડીઝ હેલ્થ કલબ, ચિલ્ડ્રન હેલ્થ કલબ, ૬ જુદાજુદા સ્થળે લાઈબ્રેરી જેમાં મહિલા લાઈબ્રેરી, બાળ લાઈબ્રેરી અને સિનિયર સિટીઝન માટેની લાઈબ્રેરીનો સમાવેશ થાય છે.

બહેનો માટે સિવણ વર્ગેા, ઈનડોર સ્ટેડિયમનું સંચાલન, કોમ્પ્યુટર સેન્ટર, અનિલ જ્ઞાન મંદિર અને સ્વસ્તિક ગલ્ર્સ હાઈસ્કૂલનું સંચાલન, મેક અપ ગ્રુમિંગના વર્ગેા, જયપુર ફટ કેમ્પ, સરગમ ભવનમાં બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ, રામનાથપરા મુકિતધામનું સંચાલન, ગુજરાત  સરકાર નિર્મિત હેમુ ગઢવી નાટય ગૃહનું સંચાલન, કલેકટર કચેરી નિર્મિત સિનિયર સિટીઝન પાર્કઈવનિંગ પોસ્ટનું સંચાલન, શબવાહિની અને એમ્બ્યુલન્સની સેવા, સ્પોકન ઈંગ્લીશના વર્ગો  પર્સનાલિટી ડેવલપમેન્ટના વર્ગો  લીગલ લીટરસી કલબ, રેસકોર્સમાં પ્લેનેટોરિયમ, વિકલાંગ સેવા કેન્દ્ર, સરગમ સેવા કેન્દ્ર વગેરેનું સંચાલન પણ સરગમ કલબ દ્રારા કરવામાં આવે છે.

આ બધી પ્રવૃત્તિઓના નિયમિત સંચાલન માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ સરગમ જેન્ટસ કલબ અને સરગમ લેડીઝ કલબની કમિટી સતત કાયરર્ત રહે છે. આ વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોના સફળ સંચાલન માટે ગુણવંતભાઈ ડેલાવાળા ઉપરાંત મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડીયા, સ્મિતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, ખોડીદાસભાઈ પટેલ, યોગેશભાઈ પૂજારા, કિરીટભાઈ આદરોજા, શિવલાલભાઈ રામાણી, જયેશભાઈ વસા, મિતેનભાઈ મહેતા, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રાજેન્દ્રસિંહ જાડેજા ઉપરાંતલેડીઝ કલબના ડો.ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો.માલાબેન કુંડલીયા, જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ભાવનાબેન માવાણી અને ભાવનાબેન ધનેશા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.