૨૦ લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજ થકી કૃષિ, પશુપાલનને નવી દિશા મળશે
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા જાહેર કરેલ કૃષિલક્ષી પેકેજને કૃષિ મંત્રી આર. સી. ફળદુએ આવકારતા જણાવ્યુ છે કે, રૂા.૨૦ લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજ થકી દેશના કૃષિ, સહકાર, પશુપાલન અને મત્સ્યોદ્યોગને ચોક્કસ નવી દિશા મળશે. ખેડૂતોના આર્થિક વૃધ્ધિના દ્વાર ખુલશે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામનનો આ ફાળવણી બદલ આભાર પણ તેમણે વ્યકત કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં કોલ સ્ટોરેજ ચેઇન તથા પાકની લલણી બાદ ગોડાઉન વગેરેની સુવિધા ઉભી કરવા, કૃષિ કોપ. સોસાયટી તથા ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઝેશન, એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ વગેરેને માટે રૂા. એક લાખ કરોડનું ખાસ ભંડોળ તાત્કાલીક ઉભુ કરાશે. જે ખેડૂતોને વ્યાજબી ભાવે આ સેવા પુરી પાડશે.
કાશ્મીરમાં કેસર, આંધ્રપ્રદેશમાં મરચા, ઉત્તરપ્રદેશમાં કેરીની જેમ જુદા જુદા રાજ્યોની અલગ અલગ ખેત પેદાશોના ક્લસ્ટર આધારીત નાના ફૂડ એકમો માટે ૧૦ હજાર કરોડનું ફંડ જાહેર કરાયું છે, બે લાખ નાના ફૂડ એકમોને લાભ મળશે, રોજગારીમાં પણ ફાયદો થશે, આવા એકમોને બ્રાન્ડ ઉભી કરવા તથા આધુનિકીકરણ માટે ફંડનો ઉપયોગ કરાશે.
દેશમાં દુધાળા પશુઓને ફુટ એન્ડ માઉથ સહિતના જે રોગ થાય છે તેને નિયંત્રણમાં લાવવાના કાર્યક્રમ માટે રૂા. ૧૩૩૪૩ કરોડનું પેકેજ જાહેર થયું છે. જેમાં ભેંસ, ઘેટા, બકરી તથા પીગ જેવા પ૩ કરોડ પશુઓનું ૧૦૦ ટકા વેકસીનેશન થશે. અત્યાર સુધીમાં ૧.૫૦ કરોડ ગાય અને ભેંસનું વેકસીનેશન કરાયું છે. પશુપાલન ક્ષેત્રે મહત્વપૂર્ણ પેકેજ અંતર્ગત પશુપાલન ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ ફંડ પેટે ૧૫ હજાર કરોડ ફાળવાયા છે. ડેરી પ્રોડકટ પ્લાન્ટ માટે સરકાર સહાય કરશે. લોન વ્યાજમાં પણ છુટ અપાશે.
દેશમાં ટમેટા, ડુંગળી અને બટેટા માટે ઓપરેશન ગ્રીન યોજના અમલમાં છે. તેમાં હવે તમામ ફળો અને શાકભાજી સમાવી લેવામાં આવ્યા છે. દેશમાં શાકભાજી તથા ફળોના વધુ ઉત્પાદન કે અછત સમયે સપ્લાય ચેઇન ખોરવાઇ નહી અને ખેડૂતોને નુકસાન ન જાય તે માટે આ યોજના કામ કરશે. વધુ ઉત્પાદન કે અછત સમયે માર્કેટ ટ્રાન્સપોર્ટેશન માટે ૫૦ ટકા સબસીડી, કોલ્ડ સ્ટોરેજ સહિતની સાચવણી માટે ૫૦ ટકા સબસીડી, હાલ આ યોજના છ મહિના માટે લાગુ કરાઇ છે.
આમ, આ પેકેજ થકી ખેડૂતો નવી દિશા પકડીને આગળ વધશે ઝડપથી બગડી જતા પાકો, રોકડીયા પાકો, ફૂડ પ્રોસેસીંગ, વેલ્યુ એડીશન થકી ખેડૂતોને આર્થિક વૃધ્ધિના દ્વાર ખુલશે. દેશ અને રાજય આત્મનિર્ભર થાય અને કૃષિ તથા આનુષંગિક પ્રવૃતિઓને વેગ મળે તે તરફના પ્રયત્નો માટે તેમણે દેશના વડાપ્રધાન તથા નાણાંપ્રધાનનો અંત:કરણપૂર્વક આભાર માન્યો છે.