કેબિનેટ મંત્રી રાદડીયા, સાંસદ પાબેન ગાંગુલી, નરેશભાઈ પટેલ સહિતનાં પદયાત્રામાં જોડાયા: અસ્પૃશ્યતા નિવારણ વિશે સંબોધન અપાયું
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા આયોજિત ‘ગાંધી મૂલ્યોનાં માર્ગે પદયાત્રાનાં પાંચમાં દિવસે યાત્રાનું પાલિતાણામાં અતિભવ્ય સ્વાગત થયેલું, ગાંધી રંગે રંગાયેલી આ પદયાત્રાએ વહેલી સવારે પ્રસ્થાન થયું. પાલિતાણાથી આદપુરના રસ્તામાં અલગ-અલગ સંસ્થાની દીકરીઓએ લેજીમથી યાત્રાનું સ્વાગત કર્યું હતું. આદપુર ગામે ૧૫૦ બહેનો માથે મેં ભી મોહન લખેલા બેડાઓથી યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને આદપુર ગામે ગ્રામસભાનું સંબોધન કરી યાત્રા ઘેટી તરફ આગળ વધી જયાં રસ્તામાં અભિનેત્રી અને સંસદ પા ગાંગુલી પદયાત્રાનો જુસ્સો વધારવા જોડાઈ ગયા હતા.
ઘેટી મુકામે પા ગાંગુલી એ યાત્રાની આયોજન સમિતિ અને પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરનારા બધા લોકોનું અભિવાદન કર્યું. નવમી મહાવ્રત સભા આજે ઘેટી ખાતે યોજાઈ હતી અને તેના વકતા ભરતભાઈ મિસ્ત્રીએ ‘અસ્પૃશ્યતા નિવારણ’ પર વકતવ્ય આપતા જણાવ્યું કે, ‘અસ્પૃશ્યતાનું વ્રત બહુ વિચિત્ર વ્રત છે એ માત્ર જ્ઞાતિની વચ્ચેની જ અસ્પૃશ્યતા નહીં પણ ધર્મની અંદર કે આત્માની અંદરની અસ્પૃશ્યતાની વાત છે. ‘અઝાન અને ૐ એક જ છે’ એવી સમજણ આવે ત્યારે સાચું અસ્પૃશ્યતાનું વ્રત પાળ્યું એમ કહેવાય.
આ સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું કે, વડિલોના આશીર્વાદ વિના કોઈપણ યાત્રા અધુરી રહે છે પણ ગાંધીમૂલ્યોના માર્ગે નીકળેલી આ યાત્રાને સતત વડિલોની હુંફ અને આશીર્વાદ મળતા આવ્યા છે. જયારે મારી માવડિયું ઓવારણા લે છે ત્યારે આંખના ખુણા ભીના થઈ જાય છે. અહીં માત્ર મારા ઓવારણા નથી લેવાઈ રહ્યા સંપૂર્ણ યાત્રાના ઓવારણા લેવાઈ રહ્યા છે !! આ પદયાત્રામાં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, પાબેન ગાંગુલી, નરેશભાઈ પટેલ, કે.સી.પટેલ, શબ્દશરણભાઈ ભ્રમભટ્ટ, ભરતસિંહ પરમાર, શંકરભાઈ ચૌધરી, સુરેન્દ્રકાકા પદયાત્રામાં જોડાયા હતા.