આમ તો આગામી સોમવારે દિવાળીનું પર્વ છે. પરંતુ રાજકોટ અને જૂનાગઢમાં જાણે પાંચ દિવસ વહેલી દિવાળી આવી ગઇ હોય તેવો અદ્ભૂત માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગોને નવી દુલ્હનની માફક શણગારવામાં આવ્યા છે. ભારે રૂડપ લાગી રહી છે. ર
સ્તાઓ ચોખ્ખા ચણાંક થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં આજે મોદીત્સવની ઉજવણી થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજથી ફરી બે દિવસ માદરે વતનના મોંઘેરા મહેમાન બન્યા છે. જૂનાગઢ અને રાજકોટમાં તેઓની જંગી જાહેરસભા યોજાશે. રાજકોટમાં સાંજે ભવ્યાતિભવ્ય રોડ-શો કરશે. પાંચ વર્ષ બાદ રાજકોટની ભૂમિ પર આવી રહેલા પ્રધાનમંત્રીને હૈયાના ઉમળકા સાથે આવકારવા રાજકોટવાસીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નરેન્દ્રભાઇના હસ્તે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના 11865 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. રાજકોટમાં આજથી ત્રણ દિવસ માટે યોજાનારી નેશનલ હાઉસીંગ કોન્કલેવનું પણ તેઓ આરંભ કરાવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થઇ ચુક્યું છે. અહી એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ પર પોલીસ હેડ ક્વાર્ટર સુધીના 1.40 કિ.મી.નો વિશાળ રોડ-શો કરી રહ્યા છે. આ રૂટ પર તેઓને અઢારેય વરણ દ્વારા આવકારવામાં આવશે. રોડ-શોના રૂટ પર 60 થી વધુ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. એરપોર્ટ ખાતે આગમન થતાની સાથે જ પીએમનું નાસિકના ઢોલ, તરણેતરની છત્રી અને રાસ-ગરબાની રમઝટ સાથે આવકારવામાં આવશે.
એનસીસી દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. રોડ-શોના રૂટ પર વિવિધ સમાજના લોકો દ્વારા વૈશ્ર્વિક નેતા નરેન્દ્રભાઇ મોદીને ઉમળકાભેર આવકાર આપવામાં આવશે. 2017 બાદ પાંચ વર્ષ પછી નરેન્દ્રભાઇ મોદીનો રાજકોટમાં રોડ-શો અને જાહેર સભા યોજાઇ રહી હોય શહેરીજનોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાનના રેસકોર્સ ખાતે યોજાનારા કાર્યક્રમમાં નાગરિકોના મનોરંજન માટે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે. લોક કલાકાર ઓસમાણ મીર વિવિધ રચનાઓ રજૂ કરીને લોકોને ડોલાવશે, તો હાસ્યકાર માયાભાઇ આહિર પોતાની લાક્ષણિક શૈલીમાં હાસ્યભાથું પીરસીને લોકોને મનોરંજનની રસલ્હાણ પીરસશે. રાજકોટ શહેરના પરમ કથ્થક કેન્દ્ર, કંકણ ગ્રુપ તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના છાત્રો ગરબા અને સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુત કરીને લોકોને મનોરંજન પુરૂં પાડશે. આ દરમિયાન ગુજરાતની 20 વર્ષની વિકાસગાથા વર્ણવતી ફિલ્મ પણ રજૂ થશે.
રોડ-શો બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રેસકોર્સ ખાતે સભા સ્થળે પહોચવાની તૈયારીમાં છે. રાજકોટ મહાનગર પાલિકા અને રૂડાના 379 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત મુહુર્ત કરશે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ, ત્રણ બ્રિજ, સાયન્સ મ્યુઝિયમ, રોડ-રસ્તાના કામો, જીઆઇડીસી, રેલવે અને ગતિશીલ ટર્મિનલ સહિતના રાજકોટ શહેર અને જિલ્લાના 4309 કરોડ અને મોરબી જિલ્લાના મેડિકલ કોલેજ, ફોરલેન રોડ, રેલવે, ઓવરબ્રિજ, નવી જિલ્લા કોર્ટ કચેરી સહિત 2738 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.
રાજકોટથી 7710 કરોડના વિકાસ કામોની ભેટ આપશે. રેસકોર્સ ખાતે જંગી જાહેરસભાને સંબોધશે. જેમાં દોઢ લાખથી વધુની માનવ મેદની ઉમટી પડશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે આજથી શરૂ થનારા નેશનલ અર્બન કોન્કલેવનો આરંભ કરાવશે. સંબોધન કરશે. વિવિધ સ્ટોલની મુલાકાત લેશે. વડાપ્રધાનના આગમનને લઇ સૌરાષ્ટ્રની જનતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.