દાદરાનગર હવેલીમાં સ્વસ્થ ભારત યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા વસઈથી સેલવાસ પહોંચી હતી. આ અવસરે રાસ રીસોર્ટમાં કાર્યક્રમનું આયોજન સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય મહેમાન તરીકે કલેકટર કનનન ગોપીનાથન, સ્વાસ્થ્ય નિર્દેશક ડો.વી.કે.દાસ, એફએસએસએઆઈના અખિલેશ ગુપ્તા, વેપારી એસોસીએશનના મહેન્દ્ર કટારીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બેઈટન એકસચેન્જ અને સર્ટીફીકેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે દરેક સાઈકલ ચાલકોનું સ્વાગત કરાયું હતું. આ સાઈકલોથોન ભારતની ૬ જગ્યાએ નિકળ્યું છે જેના દ્વારા લોકોને ખાવાની ગુણવતા અને સ્વસ્થ રહેવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે લગભગ ૨૫ સાઈકલ ચાલક અખિલેશ ગુપ્તાના નેતૃત્વમાં સેલવાસ પહોંચ્યા હતા.
અહીં દરેક સાઈકલ ચાલક ત્રણ દિવસ સુધી અલગ-અલગ કાર્યક્રમો થકી લોકોને જાગૃત કરશે ત્યારબાદ દમણ જવા રવાના થશે. વસઈથી સેલવાસ પહોંચેલા તમામ સાઈકલ યાત્રાનું સ્વાગત કરાયું હતું તથા કલેકટરના હસ્તે સર્ટીફીકેટ અપાયા હતા અને બેઈટન એકસચેન્જ થયું હતું. આજે સવારે ૬:૦૦ વાગ્યે રાસ રીસોર્ટ નજીક પ્રભાતફેરી નિકળી હતી. આ ઉપરાંત અન્ય ઘણી જગ્યાએ જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવશે જેના દ્વારા લોકોને ગુણવતાયુકત ખાન-પાન અને તંદુરસ્ત જીવનશૈલી માટે માર્ગદર્શન આપવામાં આવશે. સ્વાસ્થ્ય નિર્દેશક ડો.વી.કે.દાસે જણાવ્યું છે કે, કાલે તમામ સાઈકલ ચાલક સેલવાસથી દમણ જવા નિકળશે અને ત્રણ દિવસ કાર્યક્રમો આપશે.