“ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં!!!
શાહદાની દરબાર મંદિર ખાતે દર્શનાર્થે જવા ઇચ્છુકોને વિઝા આપવા પાકિસ્તાની હાઈ કમિશનનો નિર્ણય
પાકિસ્તાને ભારતીય યાત્રાળુઓને સુકકુરમાં શાહદાની દરબાર અને અગાઉ પંજાબના ચકવાલ જિલ્લા ખાતે આવેલું અને હાલનું પાકિસ્તાન સ્થિત શ્રી કટસ રાજ મંદિરોના પવિત્ર સ્થળોની મુલાકાત લેવા માટે વિઝા જારી કર્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે, હિન્દૂ ધર્મના અનેક પવિત્ર યાત્રાધામો હાલના પાકિસ્તાન ખાતે આવેલા છે જેનો ભાગલા સમયે પાકિસ્તાનના વિસ્તારમાં સમાવેશ થયો હતો. પાકિસ્તાનમાં આવેલું હિંગળાજ માતાના મંદિર સાથે પણ લાખો હિંદુઓની આસ્થા સંકળાયેલી છે.
શાહદાની દરબારની મુલાકાત લીધા પછી યાત્રાળુઓનું એક જૂથ ભારત પરત ફર્યું હતુ જે બાદ નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશને સોમવારે અન્ય ભારતીય યાત્રાળુઓને શ્રી કટસ રાજ મંદિરોની મુલાકાત લેવા માટે વિઝા આપ્યા હતા. જેને કીલા કટાસ અથવા કટસ મંદિરોના સંકુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચકવાલમાં ૨૩ થી ૨૯
ડિસેમ્બર સુધી કટાસ રાજ મંદિરો હિન્દુ ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે.
ભારત પાછા ગયેલા યાત્રાળુઓએ ૧૫ થી ૨૧ ડિસેમ્બર દરમિયાન સુક્કુરમાં શિવ અવતારી સત્ગુરુ સંત શાદારામ સાહેબની ૩૧૨મી જન્મજયંતિ ઉજવણીમાં ભાગ લીધો હતો.ત્રણ સદીઓથી જુનું શાહદાની દરબાર મંદિર વિશ્વભરના ભક્તો માટે એક પવિત્ર સ્થળ છે. મંદિરની સ્થાપના સંત શાદારામ સાહેબ દ્વારા કરવામાં આવી હતી, જેમનો જન્મ વર્ષ ૧૭૦૮માં લાહોરમાં થયો હતો. દર વર્ષે અનેક ધાર્મિક તહેવારો નિહાળવા માટે હજારો ભારતીય શીખ અને હિન્દુ યાત્રાળુઓ દ્વિપક્ષીય કરાર – ૧૯૭૪ના ધાર્મિક ધર્મસ્થાનો પરનો પ્રોટોકોલ” હેઠળ પાકિસ્તાનની મુલાકાત લે છે.
મહત્વપૂર્ણ બાબત છે કે, ભાગલા સમયે હિન્દુઓના અનેક ધર્મસ્થાનો પાકિસ્તાનની સરહદમાં ગયા હોવાથી હિન્દૂ યાત્રાળુઓએ અહીં જવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. તેમાં પણ ભારત – પાકિસ્તાનની સરહદી તણાવનો ભોગ યાત્રાળુઓને બનવું પડતું હોય છે. હજારો શીખોની ધાર્મિક લાગણી શાહદાની દરબાર મંદિર સાથે જોડાયેલી છે. દર વર્ષે અહીં સંત શાદારામ સાહેબની જન્મજયંતી નિમિતે થોકબંધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં ભારતીય શીખો પણ ભાગ લેવા ઇચ્છતા હોય છે પરંતુ વિઝા નહીં મળવાને કારણે પણ અનેક શીખોની લાગણી દુભાતી હોય છે. ત્યારે ભગવાનની ઘરે દેર છે અંધેર નથી તે ઉક્તિ પાકિસ્તાની હાઈ કમિશનના નિર્ણયથી સાર્થક થયું છે.