- હાઇડ્રોલીક એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરશે: ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહ મિલનમાં સહભાગી થશે: ડો.ભરત બોઘરા આયોજીત સમૂહલગ્નમાં માતા-પિતા વિહોણી 81 દિકરીઓને આશિર્વાદ આપશે
- પ્રાંસલા ખાતે રાષ્ટ્રકથા શિબિરમાં ઉપસ્થિત રહેશે: ખેલ મહાકુંભનો કરાવશે શુભારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે રાજકોટના મોંઘેરા મહેમાન બની રહ્યા છે. ચાર કલાકના રોકાણ દરમિયાન સીએમ અલગ-અલગ ચાર કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે સાંજે ભૂપેન્દ્રભાઇના હસ્તે રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ-3.0નું ભવ્ય ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત સીએમ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનમાં હાજરી આપશે. હાઇડ્રોલીક એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરશે. પ્રાંસલા ખાતે ચાલી રહેલી રાષ્ટ્રકથા શિબિરમાં હાજરી આપશે અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરાની આગેવાનીમાં યોજનારા સમૂહલગ્નની માતા-પિતા વિહોણી 81 દિકરીઓને આશિર્વાદ આપશે.
ખેલ મહાકુંભ 3.0નો ઉદ્ઘાટન સમારંભ આજે સાંજે 5.30 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, એથ્લેટીક્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે યોજવામાં આવશે.
આ અંગે વધુમાં રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, રાજ્યમાં ખેલકૂદનું વાતાવરણ ઊભું થાય, પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ થાય તેમજ ખેલકૂદના માધ્યમથી સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ આવે તેવા ઉદ્દેશ સાથે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાનએ આપેલો ખેલ મહાકુંભનો વિચાર આજે વટવૃક્ષ બની ચૂક્યો છે. વર્ષ 2010માં 13 લાખ રમતવીરોની સહભાગીતાથી આરંભ થયેલા આ મહાકુંભમાં આજે 71.30 લાખથી વધુ રમતવીરો હોંશભેર ભાગ લેવા જઇ રહ્યા છે.
ખેલ મહાકુંભ 3.0ના ઉદ્દઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0ની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ 3 શાળા જેમાં પ્રથમ શ્રેષ્ઠ શાળા ગજેરા વિદ્યાભવન સ્કુલ, કતારગામ, સુરત, દ્વિતીય શ્રેષ્ઠ શાળા એસ.આર.હાઇસ્કુલ દેવગઢ બારીયા, દાહોદ અને તૃતીય શ્રેષ્ઠ શાળા નોલેજ હાઈસ્કુલ, નડીયાદને રોકડ-પુરસ્કાર અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે.
તેવી જ રીતે ખેલ મહાકુંભ 2.0ના રાજ્યકક્ષાના શ્રેષ્ઠ 3 જિલ્લાઓ જેમાં ઓવરઓલ સ્ટેટ ચેમ્પિયન ખેડા જિલ્લો, સ્ટેટ રનર્સઅપ દાહોદ જિલ્લો અને સ્ટેટ સેન્કડ રનર્સ અપ બનાસકાંઠા જિલ્લાને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે.
તે ઉપરાંત ખેલ મહાકુંભ 2.0ની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ 3 મહાનગરપાલિકાઓ જેમાં ઓવરઓલ સ્ટેટ ચેમ્પિયન સુરત મહાનગરપાલિકા, સ્ટેટ રનર્સઅપ અમદાવાદ મહાનગરપાલિકા અને સ્ટેટ સેન્કડ રનર્સ અપ વડોદરા મહનગરપાલિકાને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે.
ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રેકોર્ડ બ્રેક કુલ 71,30,834 રજિસ્ટ્રેશન થયા છે. અંડર-9 કેટેગરીથી માંડીને અબોવ-60 કેટેગરી સુધી મળીને વિવિધ 7 વયજુથના ખેલાડીઓ વિવિધ 39 રમતોમાં ભાગ લેશે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોને રૂ. 5 લાખથી માંડીને રૂ.10 હજાર સુધીના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. એમ રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.45 કરોડના રોકડ પુરસ્કાર તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે વિજેતા થનાર ખેલાડીઓને આપવામાં આવશે.
દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે. ખેલ મહાકુંભમાં શારીરિક રીતે પૂર્ણત: સક્ષમ ના હોય, તેવા ખેલાડીઓને અલગ અલગ જુથોમાં વહેંચી તેઓને પણ પોતાનું કૌશલ્ય બતાવવા માટેની તક સરકારે પુરી પાડી છે. જિલ્લા અને રાજ્યકક્ષાએ પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે વિજેતા થનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
ચેમ્બર ઓફ કોમર્સના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે સાંજે 6:00 કલાકે રોયલ-સેફ્રોન પાર્ટી પ્લોટ રાજકોટ ખાતે રાજયના વેપાર-ઉદ્યોગના અગ્રગણ્ય સંગઠન એવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સભ્ય પરિવારના પરંપરાગત વાર્ષિક સ્નેહમિલનનુ ઉદઘાટન કરશે તથા નવી ડિરેકટરીનું વિમોચન કરશે. આ કાર્યક્રમમાં આર્ષ વિદ્યામંદિર-મુંજકાના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીનું મૌલીક અને પ્રેરણાદાયી વક્તવ્ય યોજાશે. જેમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા ઉપસ્થિત રહેશે.
સમુહ લગ્નોત્સવમાં જોડાનારી દીકરીઓને સીએમના હસ્તે કરિયાવર અર્પણ કરાશે
ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને યુનિટી ફાઉન્ડેશનના ચેરમેન ડો.ભરતભાઈ બોઘરાની આગેવાનીમાં આગામી તા.11 શનિવારના રોજ સર્વજ્ઞાતિની જરૂરીયાતમંદ અને માતા-પિતા વિહોણી 81 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત આજે એક લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી સમૂહ લગ્નોત્સવની દીકરીઓને કરીયાવર અર્પણ કરશે તેમજ મુખ્યદાતાઓ તથા અગ્રણીઓનું સન્માન કરશે.
પ્રાંસલા ખાતે રાષ્ટ્રકથા શિબિરમાં પણ હાજરી આપશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે રાજકોટ જિલ્લાના પ્રવાસે પધારનાર છે. તેઓ સાંજે 4 કલાકે પ્રાંસલા સ્થિત રાષ્ટ્રકથા શિબિરમાં સહભાગી બનશે. ત્યારબાદ મુખ્યમંત્રી પ્રાંસલાથી 4:45 કલાકે રાજકોટ જવા રવાના થશે. તેઓ સાંજે 5:30 કલાકે જુના એરપોર્ટ સ્થિત હેલીપેડ ખાતે પધારશે.
અત્યાધુનિક સાયબર લેબનું ગૃહમંત્રીના હસ્તે ઉદ્ઘાટન
વધતા જતાં સાયબર ફ્રોડના ગુના અત્યંત ચિંતાજનક બાબત છે ત્યારે સાયબર ગઠીયાઓને નાથવા રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે અત્યાધુનિક સાયબર લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. પીપીપી મોડેલથી પાંચ કરોડમાં તૈયાર થયેલ લેબનું અંતે લોકાર્પણનું મુહૂર્ત નિકળતા સાયબર ફ્રોડ આચરતા શખ્સો સામે ઝડપી કાર્યવાહી થશે. સાયબર લેબ મદદથી સાયબર ફ્રોડ, ડીજીટલ એરેસ્ટ સહિતના ઓનલાઇન થતા ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને મોટી મદદ મળશે. ઉપરાંત ફક્ત સાયબર ફ્રોડ જ નહિ પણ અન્ય ગુનાના ડિટેક્શનમાં પણ સાયબર લેબ અત્યંત ઉપયોગી રહેશે. સાયબર લેબના ઉદ્ઘઘટન માટે પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, એડિશનલ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શનમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.