સૌરાષ્ટ્રના 8 ધારાસભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ: જીતુભાઈ વાઘાણી, રાઘવજીભાઈ પટેલ અને કિરીટસિંહ રાણાને કેબીનેટ મંત્રી બનાવાયા, બ્રિજેશ મેરજાને રાજ્ય કક્ષાના મંત્રી તરીકેનો સ્વતંત્ર હવાલો: જે.વી.કાકડીયા, અરવિંદ રૈયાણી, દેવાભાઈ માલમ, આર.સી.મકવાણાને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા
નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં સૌરાષ્ટ્રનું વજન જોવા મળી રહ્યું છે. રાજ્યના ચાર ઝોન પૈકી સૌથી વધુ સૌરાષ્ટ્રના 8 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. જે પૈકી 3 ધારાસભ્યને તો કેબીનેટ મંત્રી બનાવાયા છે. જ્યારે એકને રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે અન્ય 4 ધારાસભ્યોને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રનું સરકારમાં વજન ચોક્કસ જોવા મળી રહ્યું છે પરંતુ રાજકોટ કદ મુજબ વેંતરાઈ ગયું છે.
ભાવનગર વેસ્ટના ધારાસભ્ય અને ગુજરાતના પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, લીંબડી બેઠકના ધારાસભ્ય અને અગાઉ બે વખત રાજય સરકારમાં મંત્રી તરીકે જવાબદારી નિભાવી ચુકેલા કિરીટસિંહ રાણા અને કોંગ્રેસની સરકારમાં મંત્રી રહી ચૂકેલા ત્યારબાદ ભાજપનો કેસરીયો ધારણ કરી લેનાર જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલને કેબીનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. તો મોરબીના બ્રિજેશ મેરજાને રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.
આ ઉપરાંત ધારી ધારાસભ્ય જે.વી.કાકડીયા, રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને મહુવાના ધારાસભ્ય આર.સી.મકવાણાને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના 8 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા જેમાં પાટીદાર સમાજને સાચવી લેવાનો ભરપુર પ્રયાસ કરવામાં આવ્યો છે. 5 પાટીદાર ધારાસભ્યને મંત્રી પદ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં બીજા ક્રમે સૌથી વધુ વસ્તી ધરાવતા કોળી સમાજના 2 ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવ્યું છે. જ્યારે ક્ષત્રિય સમાજના એક કદાવર નેતાને મંત્રી પદ આપવામાં આવ્યું છે.
અગાઉ રાજ્ય સરકારમાં રાજકોટનું ભરપુર વજન જોવા મળતું હતું. ખુદ મુખ્યમંત્રી રાજકોટના હોવા છતાં રાજકોટ જિલ્લાના બે ધારાસભ્યોને કેબીનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. નવા મંત્રી મંડળમાં રાજકોટ કદ મુજબ વેંતરાઈ ગયું છે.
મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ સરકારમાં પણ રાજકોટનું વજન ઘટ્યું છે. અગાઉ મુખ્યમંત્રી અને બે કેબીનેટ મંત્રી હતા. હવે રાજ્ય સરકારમાં રાજકોટનું પ્રતિનિધિત્વ માત્ર નામ પુરતું જ રહ્યું છે. રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીની નવા મંત્રી મંડળમાં ચોક્કસ નિમણૂંક કરવામાં આવી છે પરંતુ તેઓ રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે.
કેબીનેટ બેઠકમાં નવનિયુક્ત મંત્રીઓને ખાતા ફાળવાશે
ભુપેન્દ્ર પટેલની સરકારમાં વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી રહેશે નં-2 પર જ્યારે ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી નં.3 પર રહેશે
રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના 24 મંત્રીઓએ આજે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. 10 મંત્રીઓને કેબીનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે 14 ધારાસભ્યોએ શપથ લીધા હતા. આજે બપોરે 4:30 કલાકે કેબીનેટની પ્રથમ બેઠક બોલાવવામાં આવી છે. જેમાં મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી દેવામાં આવશે. ભુપેન્દ્ર સરકારમાં વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નં-2 પર રહેશે જ્યારે ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી નં.3 પર રહેશે. નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનું વજન દેખાઈ રહ્યું છે પરંતુ રાજકોટને કદ મુજબ વેંતરી નાખવામાં આવ્યું છે. અગાઉ મુખ્યમંત્રી ઉપરાંત બે કેબીનેટ મંત્રી રાજકોટ શહેર અને જિલ્લાના હતા અને હવે માત્ર રાજકોટમાંથી એક જ ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવ્યા છે. તેને પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
ભાજપે ગત શનિવારે એકાએક ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનનો અણધાર્યો નિર્ણય ર્ક્યો હતો. વિજયભાઈ રૂપાણીનું મુખ્યમંત્રી પદેથી રાજીનામુ લઈ લીધુ હતું અને 24 કલાકમાં જ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલની નિમણુક કરવામાં આવી હતી. તેઓએ ગત સોમવારે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. નેતૃત્વ પરિવર્તન બાદ મંત્રી મંડળમાં પણ નો-રિપીટ થિયરી અપનાવવામાં આવશે તેવી વાત વહેતી થતાં ગઈકાલે ભાજપમાં ભડકો થયો હતો.
જેના કારણે મંત્રી મંડળની શપથવિધિ છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. આજે બપોરે 1:30 કલાકે રાજભવન ખાતે યોજાયેલી શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ 10 ધારાસભ્યોને કેબીનેટ મંત્રી તરીકેના જ્યારે 14 ધારાસભ્યોને રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા. બપોરે 4:30 કલાકે નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રથમ કેબીનેટ બેઠક બોલાવી છે. જેમાં કેબીનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે. પટેલ સરકારમાં રાજેન્દ્ર ત્રિવેદી નં.2 પર રહેશે.
તેઓને નાણામંત્રી અથવા ગૃહમંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના છે. જ્યારે પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીને શહેરી વિકાસ અથવા આરોગ્ય મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના લાગી રહી છે. નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે પરંતુ પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું હોમટાઉન રાજકોટ કદ મુજબ વેંતરાઈ ગયું છે.