ભોજન લીધા બાદ ચાલવાના સ્વાસ્થ્ય વર્ધક અદભુત ફાયદાઓ
દરરોજ ૨૧ મિનિટ ચાલવાથી વજન ઘટાડો, ડાયાબિટીસ નિયંત્રણ અને હૃદયરોગનું જોખમ ઘટે છે
આજના આધુનિક યુગમાં ટેકનોલોજીકલ ઉપકરણોનો ઉપયોગ વધતા માનવીનું જીવન સરળ તો બન્યું છે પણ આ સાથે નકારાત્મક અસરરૂપે બેઠાળુ જીવન બની ગયું છે. પહેલાના સમયની જેમ અત્યારે કસરતો અને શારીરિક કઠણાઈઓ ઘટી જતા શરીરની અને સ્વાસ્થ્યને લગતી ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ છે જેમાંનો મુખ્ય પ્રશ્ર્ન છે વજન વધારો. આજના સ્ટાઈલીશ યુગમાં વજન ઘટાડો કરી બાહ્ય સુંદર અને બેડોળ દેખાવા લોકો જીમ, વોકિંગ અને યોગા કરી રહ્યા છે પરંતુ માત્ર જીમ, વોકિંગ અને યોગા કરવાથી વજન ઘટાડો નથી થતો. તેને યોગ્ય દિશા આપવી પણ જરૂરી છે. દિવસભર ગમે ત્યારે વોકિંગ કરવાથી કંઈ હકારાત્મક પરિણામ આવશે નહીં પરંતુ ખરેખર વજન ઘટાડવા માટ જમ્યા પછી ચાલવું ખુબ જરૂરી છે.
જે લોકો જીમ નથી જઈ શકતા અથવા દિવસ દરમિયાન પરિશ્રમ કરવામાંથી બાકાત રહે છે એટલે કે બેઠા બેઠા કામ કરવાનું હોય છે એવા લોકો માટે ફીટ રહેવા શ્રેષ્ઠ વિકલ્પ છે. વોકિંગ તેમાં પણ ભોજન લીધા બાદ વોકિંગ કરવાથી વજન ઘટાડાની સાથે સ્વાસ્થ્યને બીજા લાભ પણ થાય છે તો આ ફાયદા મેળવવા દિવસ દરમિયાન કેટલુ ચાલવુ જોઈએ? કયારે ચાલવુ જોઈએ? કયો સમય ચાલવા માટે શ્રેષ્ઠ રહેશે?
આ પ્રશ્ર્નોના જવાબ જોઈએ તો વોકિંગ દિવસ દરમિયાન ગમે ત્યારે કરીએ તે શારીરિક ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદારૂપ છે પરંતુ જમ્યા બાદ કરવામાં આવતુ વોકિંગ વજન ઘટાડો અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત જે લોકોને કોઈ સ્વાસ્થ્યને લગતા પ્રશ્ર્નો નથી તેને પણ ચાલવું જોઈએ કારણકે આમ કરવાથી ભવિષ્યની બિમારીઓને વર્તમાનમાં જ રોકી શકાશે. નિષ્ણાંતોના મત મુજબ, વજન ઘટાડવા કેલેરીનું બળવું ખુબ જરૂરી છે અને આ માટે વોકિંગ અગત્યનું છે.
એક રીપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે, જમ્યા બાદ ૧૦ મિનિટ ચાલવાથી બ્લડ સુગર લેવલ ઝડપથી નિયંત્રિત કરી શકાય છે. જયારે આપણે ચાલવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણા હૃદયની ધબકારાની ગતિ અને તેમાં થતી લોહીની ગાળણની પ્રક્રિયા વધુ ઝડપી બની જાય છે અને તે બ્લડમાં ભળેલા ઈન્સ્યુલીન કે જે ડાયાબીટીશ માટે જવાબદાર તત્વ છે તેને ઓછુ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ધ અમેરિકન હાર્ટ એસોસિએશનના મત મુજબ, ધીમી ઝડપે દરરોજ ૨૧ મિનિટ સુધી ચાલવાથી હૃદય રોગનું જોખમ પણ ઘટે છે અને ટાયર-૨ની ડાયાબિટીસને નિયંત્રિત કરે છે.