પૃથ્વીની જેમ જ માનવ શરીરનું માળખું; 70 ટકા પાણી, બાકીના 30 ટકામાં હાડકા અને ચરબીનો  સમાવેશ

આજના યુગને ફેશનનો યુગ ગણી શકાય. નવી ફેશન મુજબ રહેવા તેમજ સુંદર અને બેડોળ દેખાવા માટે ખાસ કરીને આજના યુવાનો કેટલા તાગડધિન્ના કરે છે. એમાં પણ સુંદર, ફિટ દેખાવા માટે જો કોઈ મહત્વની વસ્તુ હોય તો તે છે શરીરના વજનનું સંતુલન. ઓછું વજન ધરાવતા દુબળા લોકો વજન વધારવા મથામણ કરે છે. તો સામે સ્થૂળતા ધરાવતા લોકો વજન ઘટાડી ફીટ દેખાવા મથામણ કરે છે. પણ શું તમને ખબર છે વજન-વજનમાં પણ ફેર હોય છે..?? જેમ પૃથ્વી પર 70થી 73 ટકા જેટલું પાણી રહેલું છે અને બાકીના ભાગમાં જમીન વિસ્તાર રહેલો છે.

તેવી જ રીતે આપણું શરીર પણ 70 ટકા પાણીથી ભરેલું છે બાકીના 30 ટકા ભાગમાં ચરબી અને હાડકાનો સમાવેશ થાય છે. જ્યારે તમે શરીરનું કુલ વજન ઘટાડવાનું વિચારો છો ત્યારે તેમાં પાણીનું વજન અને ચરબીનું વજન ખૂબ મહ્ત્વતા ધરાવે છે. વજન ઘટાડવા કે વધારવાનું શરૂ કરો ત્યારે શરીરમાં રહેલ પાણીનો ભાગ અને ચરબીનો ભાગ વધ-ઘટ થાય છે પણ પાણીનો ભાગ કેટલો વધ ઘટ થયો..? ચરબીનો ભાગ કેટલો વધ-ઘટ થયો..? તે તમારી ડાયટ ટિપ્સ અને વજન ઘટાડવાની પદ્ધતિ પર આધાર રાખે છે.

તમે ઘણીવાર વાંચ્યું કે સાંભળ્યું હશે કે અઠવાડિયામાં વજન ઘટાડો અથવા વધારો ? પણ શું આ શક્ય છે ખરા? હા, ટુંકાગાળામાં વજન ઘટાડો એ પાણીના વજનને આભારી છે

હવે તમને થશે કે આ પાણી અને ચરબીના વજનમાં શું ફેર ? શરીરના કુલ વજનમાં શું અસર કરે ..?? તો ચાલો થોડુંક  આ વિશે જાણીએ….. તમે ઘણી વાર સાંભળ્યું કે ક્યાંય વાંચ્યું હશે કે એક અઠવાડિયામાં વજન ઘટાડો…. એક અઠવાડિયામાં વજન આટલો વધારો…. હવે આમ જોઈએ તો શું એક અઠવાડિયામાં આ શક્ય છે..? પણ હા, ઘણા ઓછા સમયમાં ઘણા બધા લોકોનો વજન વધી કે ઘટી પણ જતો હોય છે અને આ કમાલમાં કળા છે પાણીના વજનની…. જો તમારા શરીરનો વજન ટૂંકા ગાળામાં વધી કે ઘટી ગયો તો માની લેવું કે તે તમારા શરીરમાં પાણીનો વજન વધ્યો કે ઘટ્યો છે ચરબી નથી ઓછી થઈ કે નથી વધી. તમે વજન ઘટાડી રહ્યા છો અને ઝડપથી તમને તેમાં સફળતા મળી રહી છે મતલબ કે તમારા શરીરમાં પાણીનો વજન ઘટ્યો છે. અને તે ફરીથી વધી પણ શકે છે પણ જો તમારુ વજન ધીમે ધીમે ઘટી રહ્યું છે તો તમારી ચરબી ઘટી રહી છે. અને ચરબી ઘટતા ઘટેલું વજન જલદીથી ફરી વધતું નથી..!!

તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારા શરીરમાં સૌથી વધુ વજન પાણી ધરાવે છે. જે તમારા હાડકાં સિવાય તમારા શરીરમાં સૌથી વધુ ભારે વસ્તુ છે. જ્યારે તમે શરૂઆતમાં વજન ઘટાડવાનું શરૂ કરો છો, ત્યારે મોટાભાગના પ્રારંભિક કિલો વજન પાણીના રૂપમાં હોય છે. જ્યારે તમે કેલરી મર્યાદિત કરો અને કસરત કરીને વધારાની કેલરી બર્ન કરો, ત્યારે તમારું શરીર ઉર્જા માટે ગ્લાયકોજેન તરફ વળે છે. ગ્લાયકોજેન કે જે ગ્લુકોઝનું સંગ્રહ સ્વરૂપ છે અને જ્યાં સુધી તમારું શરીર તેનો ઉપયોગ કરવા માટે તૈયાર ન થાય ત્યાં સુધી તમારા યકૃત અને સ્નાયુઓમાં સંગ્રહિત થાય છે.

પરંતુ ગ્લાયકોજેન પાણીને પકડી રાખે છે. તે પાણી તેના વજનના ત્રણ ગણા ધરાવે છે. તમારા સ્નાયુઓમાં એક ગ્રામ ગ્લાયકોજેન 3 ગ્રામ પાણી ધરાવે છે. કસરત અથવા કેલરી પ્રતિબંધ દ્વારા, તમે પાણીનું વજન પણ ગુમાવો છો. પરંતુ જ્યારે તમે તમારા ગ્લાયકોજેન સ્ટોર્સને ફરી ભરશો, ત્યારે તમે પાણીનું વજન પાછું મેળવી શકો છો. આમ, પાણીનું વજન ઘટતા જે શરીર ઘટે છે તેને લાંબા ગાળા સુધી જાળવી શકાતું નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.