લોકોને શનિ-રવિ ઘરમાં જ પુરાઈ રહેવાનું એલાન : ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનું ફરમાન કરાશે તેવી શકયતા
અબતક, નવી દિલ્હી
દિલ્હીમાં કોરોના અને ઓમિક્રોન બન્નેએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં 4000થી વધુ કેસ નોંધાયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતે પણ કોરોના પોઝિટિવ થયા છે. દરમિયાન દિલ્હીમાં સપ્તાહના અંતે કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સપ્તાહથી વીકએન્ડ કર્ફ્યુ લાગુ થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં શુક્રવાર રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી વીકએન્ડ કર્ફ્યુ લાગૂ રહેશે.દિલ્હીમાં ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને મંગળવારે ડીડીએમએની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન કોરોના સંક્રમણને રોકવા માટે લેવાતા પગલાઓ પર ચર્ચા કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ લગાવવાની જરૂર છે. ટૂંક સમયમાં ડીડીએમએ પણ આ અંગે આદેશ રજૂ કરશે. કેટલાક નવા નિયંત્રણો પણ જાહેર કરવામાં આવી શકે છે. આ સિવાય દિલ્હીમાં નાઇટ કર્ફ્યુ પહેલેથી જ લાગુ છે.
દિલ્હી સરકારના તમામ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરી શકે છે. જો કે માત્ર જરૂરી સેવાઓણાં લાગેલા કર્મચારીઓને આની છૂટ અપાશે. તો ખાનગી ઓફિસોમાં પણ 50% કર્મચારીઓનું વર્ક ફ્રોમ હોમ કરાશે.કોરોનાના વધતા જતા કેસોને જોતા દિલ્હી એઇમ્સએ શિયાળાની બાકી રજાઓ 5 થી 10 જાન્યુઆરી સુધીની રદ કરી દીધી છે. એઇમ્સએ તમામ સ્ટાફને વહેલામાં વહેલી તકે ફરજ પર પાછા ફરવાનું કહ્યું છે.
સોમવારે દિલ્હીમાં કોરોનાના 4099 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં સકારાત્મકતા દર હવે 6.46% પર પહોંચી ગયો છે. જો કે આ દરમિયાન 1509 દર્દીઓ સાજા પણ થયા છે. દિલ્હીમાં 4099 નવા કેસ નોંધાયા છે, જે લગભગ 7 મહિનામાં સૌથી વધુ કોરોનાના કેસો છે. અગાઉ 18 મેના રોજ કોવિડના 4482 કેસ નોંધાયા હતા.